જાતિવાદી તત્વો દલિતો સાથે તે ગમે તેટલા ઉંચા હોદ્દા પર બિરાજમાન હોય તો પણ તેમની સાથે જાતિગત ભેદભાવ દાખવે છે. તેમ છતાં ન્યાયતંત્ર અને હિંદુત્વવાદી સરકારમાં બેઠેલા સવર્ણો દલિતોના પ્રતિનિધિત્વરૂપ અનામતને ખતમ કરવા માટે પેંતરાઓ રચતા રહે છે. અગાઉ દલિતો-આદિવાસીઓની અનામતમાં કોઈ જ તાર્કિક આધાર વિના પેટા વર્ગીકરણ કરી નખાયું હતું. હવે ફરીથી અનામતમાં ભાગલા પાડવાની તૈયારીઓ થઈ ચૂકી છે ત્યારે, દલિતો સાથે તે આર્થિક રીતે થોડો સદ્ધર થઈ જાય તો પણ તેની સાથે થતો ભેદભાવ જરાય ઓછો થતો નથી તેનું એક ચોંકાવનારું ઉદાહરણ સામે આવ્યું છે. જેમાં કોર્પોરેશનમાં ઉચ્ચ હોદ્દા પર રહેલા એક દલિત અધિકારીને છેલ્લાં એક વર્ષથી ટેબલ-ખુરશી ફાળવવામાં નથી આવ્યા, જેના કારણે તેઓ જમીન પર બેસીને કામ કરવા મજબૂર બન્યાં છે.
મામલો મધ્યપ્રદેશના ગ્વાલિયરનો છે. અહીં ગ્વાલિયર ભવન વિકાસ નિગમમાં કામ કરતા દલિત અધિકારી સતીશ ડોંગરેને તંત્ર દ્વારા કામ કરવા માટે ટેબલ-ખુરશી પણ ફાળવવામાં નથી આવ્યા. જેના કારણે તેઓ છેલ્લાં એક વર્ષથી જમીન પર બેસીને કામ કરી રહ્યા છે. જ્યારે આ મામલે જવાબદાર અધિકારીઓને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે બજેટ ન હોવાનું જણાવ્યું હતું. આ ઘટના સાબિત કરે છે કે, દલિત વ્યક્તિ ગમે તેટલી ઉચ્ચ હોદ્દા પર પહોંચી જાય તો પણ તેની સાથે થતા જાતિ ભેદભાવમાં જરાય ફરક પડતો નથી.
બંધારણના ઘડવૈયાઓએ દલિતો સાથે કથિત સવર્ણો દ્વારા રાખવવામાં આવતા આ સામાજિક ભેદભાવને દૂર કરવા માટે અનામતની વ્યવસ્થા કરી છે અને તેના માટે પ્રતિનિધિત્વ શબ્દનો ઉપયોગ કરાયો છે. પરંતુ જાતિવાદી સવર્ણો તેને આર્થિક આધાર પર ખેંચી જવા માટે સતત મથી રહ્યાં છે. ગ્વાલિયરની આ ઘટના વહીવટીતંત્રની અસંવેદનશીલતા અને જાતિ ભેદભાવ પર ગંભીર પ્રશ્નો ઉભા કરે છે.
ભારત આઝાદ થયાને 79 વર્ષ થઈ ગયા, એ પછી પણ સરકારી કચેરીઓમાં દલિતો સાથે થતો જાતિ ભેદભાવ જરાય ઓછું થવાનું નામ નથી લઈ રહ્યો. ગ્વાલિયરના મધ્યપ્રદેશ ભવન વિકાસ નિગમના આસિસ્ટન્ટ જનરલ મેનેજર સતીશ ડોંગરેને છેલ્લા એક વર્ષથી ખુરશી કે ટેબલ ફાળવાતું નથી. જેના કારણે તેઓ જમીન પર કપડું પાથરીને કામ કરવા મજબૂર છે. ડોંગરે કોર્પોરેશનમાં આસિસ્ટન્ટ જનરલ મેનેજર જેવો મહત્વપૂર્ણ હોદ્દો ધરાવે છે તેમ છતાં તેમની સાથે આ વર્તન કરવામાં આવી રહ્યું છે. જ્યારે તે જ ઓફિસમાં તેમના સાથી સવર્ણ જાતિના અધિકારીઓ આરામદાયક એસી ચેમ્બર અને ફર્નિચરનો ઉપયોગ કરી રહ્યા છે.
આ પણ વાંચો: આદિવાસી હોસ્ટેલમાં 160 જગ 51 લાખમાં ખરીદ્યાં, 32,000નો એક જગ?
આ મામલે હોબાળો થતા કોર્પોરેશનના એડિશનલ જનરલ મેનેજર અછેલાલ અહિરવાર કહે છે કે “જ્યારે ભંડોળ આવશે” ત્યારે ફર્નિચર ઉપલબ્ધ કરાવવામાં આવશે. જોકે, તેમનો ખુલાસો માત્ર ઔપચારિકતા છે. કારણ કે અહીં મોટો પ્રશ્ન એ છે કે એક ઉચ્ચ હોદ્દા પર બિરાજમાન અધિકારીને તેની મૂળભૂત જરૂરિયાત માટે એક વર્ષ રાહ જોવી પડે એ કેવું તંત્ર કહેવાય? અને આવું ફક્ત એક ચોક્કસ જાતિના અધિકારી સાથે જ કેમ થઈ રહ્યું છે? જ્યારે તે જ ઓફિસમાં અન્ય અધિકારીઓ પાસે બધી મૂળભૂત સુવિધાઓ છે.
આ મામલે સતીશ ડોંગરે કહે છે, “હું ફક્ત મારું કામ કરવા માંગુ છું, પરંતુ મારે એક વર્ષ સુધી સતત અપમાન સહન કરવું પડ્યું છે.” ડોંગરેના નિવેદનથી સ્પષ્ટ થાય છે કે તેમનું આ નિવેદન ફક્ત વ્યક્તિગત પીડા નથી, પરંતુ લોકશાહીના મૂળભૂત સિદ્ધાંતો – ગૌરવ, સમાનતા અને આદર – પ્રત્યે આંખ આડા કાન કરવામાં આવતા હોવાનો પુરાવો છે.
આ મામલો ફક્ત ટેબલ-ખુરશી જેવા ફર્નિચર પુરતો મર્યાદિત નથી. તે વહીવટની પ્રાથમિકતાઓ અને જાતિ સંવેદનશીલતા પર ગંભીર પ્રશ્નો ઉભા કરે છે. જ્યારે મકાન વિકાસ નિગમ કરોડોના પ્રોજેક્ટ્સનું બજેટ ફાળવે છે, ત્યારે તે એક અધિકારી માટે ખુરશી-ટેબલની વ્યવસ્થા ન કરી શકે? આ પ્રશ્ન ફક્ત ગ્વાલિયર કે મધ્યપ્રદેશનો નથી, પરંતુ સમગ્ર દેશની વ્યવસ્થાનો અરીસો છે, જે હજુ પણ જાતિ ભેદભાવથી મુક્તિ થઈ શક્યું નથી. પ્રશ્ન એ છે કે જ્યારે રાજ્ય એજન્સીઓ કરોડોના પ્રોજેક્ટ્સ માટે બજેટની ફાળવણી કરી શકે છે, તો તેઓ એક અધિકારી માટે ટેબલ-ખુરશી જેવી પ્રાથમિક જરૂરિયાતોની વ્યવસ્થા ન કરી શકે? આ સવાલનો જવાબ સૌ જાણે છે, પણ તંત્ર જાહેરમાં તેનો સ્વીકાર કરતું નથી.
આ પણ વાંચો: ગાય ચોરીની શંકામાં દલિત યુવકને જાતિ પૂછી નગ્ન કરી ઢોર માર માર્યો











Users Today : 52