ગુજરાતના જાતિવાદી સવર્ણ હિંદુઓ સતત દલિતો, આદિવાસીઓ અને ઓબીસી સમાજના ઉત્થાન માટે લાગુ કરાયેલી બંધારણીય અનામતને ગાળો ભાંડતા રહે છે. પણ આ જ સવર્ણ હિંદુઓ તક મળે ત્યારે પોતે જ નકલી દલિત, આદિવાસી, ઓબીસી બનીને ગરીબોના હક પર તરાપ મારતા જરાય લાજ-શરમ અનુભવતા નથી. ગુજરાતના સવર્ણ હિંદુઓની આવી ડબલ ઢોલકી અને બેશર્મીનો ખુદ ગુજરાત સરકારના સમાજ કલ્યાણ વિભાગના આંકડાઓએ પર્દાફાશ કર્યો છે.
ત્રણ વર્ષમાં નકલી જાતિ પ્રમાણપત્રના 156 કેસ સામે આવ્યા
ગુજરાતના સમાજ કલ્યાણ વિભાગે જાહેર કરેલા આંકડાઓ મુજબ છેલ્લા દસ વર્ષમાં ગુજરાત સરકારમાં વિવિધ વિભાગોમાં નિયુક્ત થયેલા સરકારી કર્મચારીઓ, મેડિકલના વિદ્યાર્થીઓ, શિક્ષણ વિભાગના કર્મચારીઓ વિરુદ્ધ 1084 જેટલી જાતિના ખોટા સર્ટિફિકેટની અરજીઓ સમાજ કલ્યાણ નિયામકની કચેરીમાં આવી હતી. એમાં પણ છેલ્લા ત્રણ વર્ષમાં 156 જેટલા નકલી જાતિના સર્ટિફિકેટના કેસ સામે આવ્યા છે.
આ પણ વાંચો: 70 દલિત પરિવારોનો 4 મહિનાથી સામાજિક બહિષ્કાર કરાયો
જેમાંથી નિમણૂંક સમયે મળેલા સરકારી કર્મચારીઓના સર્ટિફિકેટની ખરાઈ કરીને તેમના આધારભૂત પુરાવા જોતાં 92 જેટલા કર્મચારીઓના ખોટા પુરાવાના બિડાણના આધારે સમાજ કલ્યાણ વિભાગે ડિસમીસ કરવાનો આદેશ આપ્યો છે. સાથે સાથે ખોટી રીતે નોકરી મેળવવા માટે અત્યાર સુધી સરકારી વિભાગમાંથી મેળવેલા પગારની પણ રકમ ભરપાઈ કરાવવામાં આવી છે.
ખોટા સર્ટિફિકેટમાં અધિકારીઓ ફસાતા નથી
અહીં એ યાદ રાખવું રહ્યું કે, જ્યારે કોઈ અધિકારી કે કર્મચારીની ક્લાસ વન-ટુ કે ત્રણમાં નિમણૂંક થાય છે ત્યારે જાતિના સર્ટિફિકેટ મેળવતી વખતે કર્મચારી પોતે બાંહેધરી આપે છે કે આ માહિતીમાંથી કોઈ માહિતી ખોટી હશે તો તે પોતે જવાબદાર રહેશે. આ કારણથી ખોટા જાતિના પ્રમાણપત્રોમાં જે અધિકારીઓ સંડોવાયેલા હોય છે તેઓ ક્યાંય ફસાતા નથી.
ઓનલાઈન સિસ્ટમમાં નકલી પ્રમાણપત્રોના કેસ વધ્યાં
ગુજરાત સરકાર દાવાઓ કરે છે કે સિસ્ટમ ઓનલાઈન થયા બાદ ગેરરીતિઓ ઘટી છે. પરંતુ નકલી જાતિ પ્રમાણપત્રોના મામલામાં તેનાથી ઉલટી ગંગા વહે છે. તેમાં નકલી જાતિ પ્રમાણપત્રોના કેસ ઘટવાને બદલે વધ્યાં છે. છેલ્લા દસ વર્ષમાં ઓનલાઈન સિસ્ટમ વધુ સક્રિય થતાં જાતિના પ્રમાણપત્ર અને ઓબીસીમાં આવકના પ્રમાણપત્રો સામે રોજબરોજ ફરિયાદો વધી છે. જેમાં ખોટું જાતિનું પ્રમાણપત્ર મેળવવા ખોટું જન્મસ્થળ દર્શાવવું, અનામત મેળવવા માટે ભળતી અટક ઉમેરીને ખોટા પંચનામા કરીને જાતિનું પ્રમાણપત્ર મેળવવું અને ક્રિમીલેયરમાં વધુ આવક હોય તો સ્થાનિક સ્તરે ખોટું પંચનામું કરાવીને ક્રિમીલેયરનો લાભ મેળવવો.
GPSC, પોલીસ, મેડિકલ, શિક્ષણમાં અનેક અધિકારીઓ પકડાયા
સમગ્ર મામલે રાજ્ય સરકારના સમાજ કલ્યાણ વિભાગના સૂત્રો જણાવે છે કે, ખોટી રીતે એસી, એસટી જાતિના પ્રમાણપત્ર અને ઓબીસીમાં ખોટી આવક બતાવવામાં જીપીએસસી, પોલીસ વિભાગ, મેડિકલ વિભાગ, શિક્ષણ વિભાગમાં અનેક અધિકારીઓ પકડાયા છે અને નોકરી ગુમાવી છે. તેમ છતાં આ પ્રકારના ગેરરીતિઓ ઘટવાને બદલે વધતી જઈ રહી છે. હાલ તેને રોકવાની માટેની કોઈ ફુલપ્રૂફ સિસ્ટમ નથી. મોટા ભાગના કેસ કોઈની ફરિયાદ દ્વારા જ બહાર આવે છે.
અનેક અધિકારીઓ નકલી જાતિ પ્રમાણપત્ર પર નોકરી કરે છે?
સમાજ કલ્યાણ વિભાગના સૂત્રો વધુમાં જણાવે છે કે, આજની તારીખે પણ એવા અનેક અધિકારીઓ સરકારમાં નોકરીઓ કરે છે, જેમણે ખોટા જાતિ પ્રમાણપત્ર કે આવકના ખોટા પુરાવા ઉભા કરીને નોકરી મેળવી હોય. આવા અધિકારીઓ સામે કોઈ કેસ થયો ન હોવાથી તેઓ નોકરી કરીને નિવૃત્ત પણ થઈ ગયા અને પેન્શન લેતા હોય એવા અનેક કિસ્સાઓ છે. જો યોગ્ય રીતે તપાસ થાય તો અનેક કેસોનો પર્દાફાશ થઈ શકે તેમ છે. આ પ્રકારના ભ્રષ્ટાચારમાં દલિત, આદિવાસી અને ઓબીસી સમાજના અસલી યુવાનોના ભવિષ્ય અને નોકરીઓનો ભોગ લેવાય છે અને દર વખતની જેમ તેનો લાભ લેનારા સવર્ણ હિંદુઓ જ હોય છે.
આ પણ વાંચો: આદિવાસી મિત્રની ડિગ્રી પર સવર્ણ યુવક ડોક્ટર બની ગયો