રાજસ્થાનના અલવરમાં એક 11 વર્ષના દલિત કિશોર પર ક્રૂરતાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. ગામના બે યુવકોએ કિશોરને ખેતરમાં જતી વખતે રસ્તામાં રોકીને માર માર્યો હતો. આરોપીઓએ કિશોરને જમીન પર પડેલું થૂંક ચાટવા માટે મજબૂર કર્યો અને પગ પકડીને માફી મગાવી. આરોપીઓની ક્રૂરતા આટલેથી જ નહોતી અટકી. તેમણે કિશોરને છરી બતાવી હતી અને ઉપાડીને ખેતરમાં લઈ ગયા હતા. જ્યાં તેના કપડાં ઉતરાવી દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો. જો કે, ગામલોકો ત્યાં પહોંચી જતા આરોપીઓએ કિશોરને મૂકીને ભાગી ગયા હતા. એ પછી કિશોર રડતો રડતો ઘરે પહોંચ્યો હતો અને પરિવારજનોએ આખી ઘટના જણાવી હતી. ત્યારબાદ તેના પરિવારે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. હવે પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.
શું છે આખો મામલો?
આ ઘટના 29 ઓગસ્ટની સાંજે બની હતી. મળતી માહિતી મુજબ, રાજસ્થાનના અલવર જિલ્લાના પીપલખેડા ગામનો 11 વર્ષનો દલિત કિશોર સાંજના 5 વાગ્યે સાઈકલ લઈને ખેતર તરફ ગયો હતો. રસ્તામાં ગામના જ બે યુવકોએ બાઈક પર આવીને તેને રોક્યો હતો. બંને યુવાનો નશામાં ધૂત હતા અને તેઓ કિશોરને માર મારવા લાગ્યા. એ પછી તેમણે જે કર્યું તે માનવતાની મજાક હતી. બંને યુવકો જમીન પર થૂંક્યા અને દલિત કિશોરને તે ચાટવા માટે મજબૂર કર્યો. એટલું જ નહીં, આરોપીઓએ કિશોરને માર માર્યો અને જાતિસૂચક અપશબ્દો કહીને તેની સાથે ગેરવર્તન કર્યું. કિશોરને તેમના પગ પકડીને કારણ વિના માફી માગવા માટે પણ મજબૂર કર્યો હતો.
આ પણ વાંચો: જૂનાગઢમાં ત્રણ રબારીઓએ દલિત યુવકને પટ્ટે-પટ્ટે ફટકાર્યો
છરી બતાવી ખેતરમાં લઈ જઈ કપડાં ઉતરાવ્યા
પીડિત દલિત કિશોરની માતાએ પોલીસને જણાવ્યું છે કે, આરોપીઓ તેના પુત્રને છરી બતાવીને બાજરીના ખેતરમાં લઈ ગયા હતા. જ્યાં તેમણે તેને કપડાં ઉતરાવી દુષ્કર્મ કરવાનો પ્રયાસ કર્યો હતો. એ દરમિયાન કેટલાક ગ્રામજનો ઘટનાસ્થળે પહોંચી જતા, તેમને જોઈને આરોપીઓ તરત જ ત્યાંથી ભાગી ગયા હતા. ગભરાયેલો અને રડતો કિશોર ઘરે પહોંચ્યો હતો અને પરિવારને આખી ઘટના જણાવી હતી. એ પછી પરિવારે ખેરલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
राजस्थान के अलवर जिले के खेड़ली में एक मानवता को शर्मसार करने वाला मामला सामने आया है. यहां एक 11 वर्षीय दलित लड़के के साथ गांव के दबंग युवकों ने मारपीट कर सड़क पर थूक कर चटवाया व पैरों में गिरकर उससे माफी मंगवाई. उसके बाद बाजरे के खेत में ले जाकर उसके कपड़े उतरवाए pic.twitter.com/n51pzpX34D
— AdV.Dulesingh Azad (@dulesingh_mp) August 30, 2025
પોલીસે આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા
પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, આરોપીઓની ઓળખ અતર સિંહ ગુર્જરના પુત્ર વિજેન્દ્ર અને પીપલખેડાના રહેવાસી વિકાસ તરીકે થઈ છે. પીડિત પરિવારની ફરિયાદ પર કેસ નોંધવામાં આવ્યો છે. હવે આરોપીઓની શોધ ચાલુ છે અને ટૂંક સમયમાં તેમની ધરપકડ કરીને કડક કાર્યવાહી કરવામાં આવશે.
આ પણ વાંચો: દસાડાના મોટા ઉભડામાં દલિતોના સ્મશાન તરફનો રસ્તો બંધ થઈ ગયો