જાતિવાદ અને ગુનાખોરી માટે કુખ્યાત ઉત્તરપ્રદેશમાં દલિત-ઓબીસી સમાજ પર અત્યાચારોની ઘટનાઓ દરરોજ બનતી રહે છે. પરંતુ આ વખતે NEET ની પરીક્ષામાં આ બંને સમાજની વિદ્યાર્થીનીઓ સારા સમાચાર લઈને આવી છે. અહીંના મિર્ઝાપુર જિલ્લાના અંતરિયાળ મરિહાન વિસ્તારમાં આવેલી સરકારી નિવાસી શાળાની ૧૨ SC અને OBC વિદ્યાર્થીનીઓએ મેડિકલ પ્રવેશ પરીક્ષા NEET (UG) માં સફળતા મેળવી છે. આ તમામ ૧૨ વિદ્યાર્થીનીઓ અનુસૂચિત જાતિ (SC), અનુસૂચિત જનજાતિ (ST) અને અન્ય પછાત વર્ગ (OBC) સમાજની છે.
અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ વિદ્યાર્થીનીઓ મરિહાન સર્વોદય વિદ્યાલયની એ 25 છોકરીઓમાં સામેલ છે જેમણે NEET (નેશનલ એલિજિબિલીટી કમ એન્ટ્રસ ટેસ્ટ) પરીક્ષા આપી હતી. NEET ના પરિણામો ૧૪ જૂને જાહેર કરવામાં આવ્યા હતા.અધિકારીઓના જણાવ્યા પ્રમાણે પરીક્ષા પાસ કરનાર વિદ્યાર્થીનીઓમાં શ્વેતા પાલ, કુમારી પૂજા રંજન, પ્રિન્સી, કોમલ કુમારી, લક્ષ્મી, અનુરાધા, સભ્યા પ્રજાપતિ, દીપ્તિ અને પૂજા સોનકરનો સમાવેશ થાય છે.
સરકારી શાળામાં ભણતી બહુજન વિદ્યાર્થીનીઓએ કમાલ કરી
પોતાની સફળતાથી ઉત્સાહિત વિદ્યાર્થીની શ્વેતા પાલે જણાવ્યું હતું કે, “શિક્ષકો અને વોર્ડને હંમેશા અમારી પ્રવૃત્તિઓ પર નજર રાખીને ખાતરી કરતા હતા કે અમે અમારા અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરીએ. અમારા શિક્ષકો હંમેશા મદદ કરવા માટે ઉપલબ્ધ રહેતા હતા. જ્યારે અમને બ્રેકની જરૂર પડતી ત્યારે અમે ઇન્ડોર અને આઉટડોર ગેમ્સ રમતા હતા.”
આ પણ વાંચો: લગ્નોમાં વાસણ ધોતા છોકરાએ NEET પાસ કરી, હવે ડોક્ટર બનશે
શ્વેતા પાલના પિતા હીરાલાલે શાળાની શિક્ષણ પદ્ધતિની પ્રશંસા કરતા જણાવ્યું કે, “કોલેજ અને હોસ્ટેલની સુવિધા ખૂબ સારી હતી. શિક્ષકો સતત વિદ્યાર્થીનીઓને સહાય કરીને પ્રોત્સાહન આપતા હતા.”
વિદ્યાર્થીનીઓ દરરોજ 16 થી 18 કલાક અભ્યાસ કરતી હતી
પૂજા રંજન નામની વિદ્યાર્થીનીના પિતા રમેશ રંજને પીટીઆઈને આપેલા ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, “પૂજા ખૂબ જ ખુશ છે કે તેણીએ તેના પહેલા પ્રયાસમાં નીટની પરીક્ષા પાસ કરી. પૂજાએ ૧૧ અને ૧૨ ધોરણ માટે મરિહાન આવતા પહેલા સોનભદ્રની સર્વોદય વિદ્યાલયમાં અભ્યાસ કર્યો હતો. તેણે યુપી બોર્ડની પરીક્ષામાં ૮૧ ટકા ગુણ મેળવ્યા હતા અને દરરોજ ૧૬ થી ૧૮ કલાક અભ્યાસ કરતી હતી – પાંચ કલાક ટ્યુશન, છ થી સાત કલાક ઘરે અને છ કલાક સ્કૂલમાં ભણવાનું.”
કલેક્ટરે શાળા અને વિદ્યાર્થીનીઓના વખાણ કર્યા
બહુજન સમાજની આ દીકરીઓની સિદ્ધિ પર કલેક્ટર પ્રિયંકા નિરંજને કહ્યું, “મરિહન સર્વોદય વિદ્યાલય સરકારી શાળાઓને એક મોડેલ તરીકે રજૂ કરવામાં માઈલસ્ટોન સાબિત થશે.”
પ્રિયંકા રંજને વધુમાં કહ્યું, “આ એક નિવાસી શાળા છે અને આ વિદ્યાર્થીનીઓ અહીં બે કે તેથી વધુ વર્ષોથી અભ્યાસ કરી રહી છે. નિયમિત શાળાકીય શિક્ષણ ઉપરાંત તેમણે NEET અને JEE માટે કોચિંગ પણ લીધું હતું. અહીં રહેવાની વ્યવસ્થા, ભોજન અને શિક્ષણ – બધું જ નિઃશુલ્ક છે.”
જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી ત્રિનેત્ર સિંહે કહ્યું, “મરિહન સર્વોદય વિદ્યાલયને શ્રેષ્ઠતાના કેન્દ્ર તરીકે વિકસાવવામાં આવી હતી. મેં અને નાયબ નિયામક સમાજ કલ્યાણ બંનેએ તેમની તાલીમ અને કોચિંગ પર નજીકથી નજર રાખી હતી. અમે બધી જરૂરી સુવિધાઓ પૂરી પાડી અને તેનું પરિણામ આપણી સામે છે.’
સમાજ કલ્યાણ રાજ્યમંત્રીએ શુભેચ્છાઓ પાઠવી
સમાજ કલ્યાણ રાજ્યમંત્રી (સ્વતંત્ર હવાલો) અસીમ અરુણે આ વિદ્યાર્થીનીઓને તેમની સફળતા બદલ અભિનંદન આપી તેમના ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છા પાઠવી હતી. તેમણે આ સિદ્ધિને અદ્દભૂત સફળતા ગણાવતા કહ્યું, ‘આગામી થોડા વર્ષોમાં આ વિદ્યાર્થીનીઓ ડૉક્ટર બનશે અને લોકોના જીવ બચાવશે, તેમને તંદુરસ્ત રાખશે.’ મંત્રીએ મંગળવારે એક X પોસ્ટમાં કહ્યું, ‘અમે એની તકેદારી રાખીશું કે આ વિદ્યાર્થીનીઓની શિષ્યવૃત્તિમાં કોઈ અવરોધ ન આવે.’
25 વિદ્યાર્થીનીઓએ પરીક્ષા આપી હતી અને 12 પાસ થઈ
સમાજ કલ્યાણ વિભાગના ડિરેક્ટર કુમાર પ્રશાંતે જણાવ્યું હતું કે મરિહાન સર્વોદય વિદ્યાલયમાં સેન્ટર ઓફ એક્સેલન્સ પહેલ પૂર્વા નવોદય ફાઉન્ડેશન, વારાણસી અને ટાટા એઆઈજીના સહયોગથી ચાલી રહી છે. તેમણે જણાવ્યું હતું કે આ કેન્દ્રમાં કુલ 39 છોકરીઓએ NEET અને JEE માટે મફત કોચિંગ લીધું હતું, જેમાંથી 26 છોકરીઓએ NEET માટે રજિસ્ટ્રેશન કરાવ્યું હતું, 25 વિદ્યાર્થીનીઓએ પરીક્ષા આપી હતી અને તેમાંથી 12 પાસ થઈ હતી.
યુપીમાં 100 સર્વોદય વિદ્યાલયો કાર્યરત છે
સમાજ કલ્યાણ વિભાગ દ્વારા સંચાલિત સર્વોદય વિદ્યાલય હાલમાં ઉત્તરપ્રદેશમાં ધોરણ 6 થી 12 સુધી આર્થિક રીતે નબળા વર્ગના વિદ્યાર્થીઓ માટે 100 રહેણાંક સંકુલ ચલાવે છે. આ સંસ્થાઓ સ્પર્ધાત્મક પરીક્ષાના કોચિંગ સાથે મફત ગુણવત્તાયુક્ત શિક્ષણ પૂરું પાડે છે, જે હાંસિયામાં ધકેલાઈ ગયેલા સમાજના વિદ્યાર્થીઓ માટે નવી તકો ઉભી કરે છે.
આ પણ વાંચો: 55 વર્ષની આદિવાસી મહિલાએ ભાલા ફેંકમાં દેશ માટે ગોલ્ડ જિત્યો
मंगल कामना। परिश्रम के फल मीठे होते हैं।