ગાંધીનગરની સ્પેશિયલ એટ્રોસીટી કોર્ટે એક દાયકા જૂના ખૂની હુમલાના કેસમાં મહત્વનો ચુકાદો આપ્યો છે. સેકટર 24 માં મટન શોપ ચલાવતા પિતા પુત્રએ બકરી બાંધવા મુદ્દે પડોશમાં રહેતા બે ભીલ ભાઈઓ પર છરી વડે હુમલો કરી હત્યાનો પ્રયાસ કર્યો હતો. આ કેસમાં ગાંધીનગરની સ્પેશિયલ એટ્રોસીટી કોર્ટે મુખ્ય આરોપીને 12 વર્ષની સખત કેદની સજા ફટકારી છે.
આ સમગ્ર ઘટનાની વિગતવાર વાત કરીએ તો, આ વિવાદની શરૂઆત વર્ષ 2014માં ગાંધીનગરના સેક્ટર-24માં આવેલા ઇન્દિરાનગર વિસ્તારમાં થઈ હતી. ફરિયાદી લાલાજી આદાજી માજીરાણા ભીલના મકાનની એકદમ નજીક આરોપી સદ્દામ કુરેશી અને તેના પિતા મોહમ્મદ શફી ઉર્ફે ભુરાભાઈ કુરેશીની ‘બિસમિલ્લાહ મટન શોપ’ આવેલી હતી. ગત 12 નવેમ્બર, 2014ના રોજ એક સામાન્ય ગણાતી બાબતે મોટું સ્વરૂપ ધારણ કર્યું હતું. લાલાજી અને તેમના ભાઈ ભગેશે આરોપીઓને તેમના બકરાં વ્યવસ્થિત રીતે બાંધવા કહ્યું હતું. કારણ કે તેના કારણે તેમને અવરજવરમાં કે સ્વચ્છતામાં સમસ્યા ઊભી થતી હતી.

આ પણ વાંચો: જામનગરના પીપળીમાં દલિત યુવક પર 6 ભરવાડોનો હુમલો
જોકે, આ સામાન્ય સમજાવટ આરોપીઓને ગમી ન હતી. આરોપીઓ ફરિયાદીની જ્ઞાતિ વિશે અગાઉથી જાણતા હોવા છતાં, તેઓએ જાતિવિષયક અપમાનિત શબ્દોનો પ્રયોગ કરવાનું શરૂ કર્યું હતું. મામલો એટલો બિચક્યો કે આરોપીઓ એકદમ ઉશ્કેરાઈ ગયા હતા અને આરોપી સદ્દામ કુરેશીએ પોતાની પાસે રહેલી મોટી છરી કાઢી પૂર્વયોજિત કાવતરું હોય તેમ હુમલો કરી દીધો હતો. તેણે ફરિયાદી લાલાજીના ખભા પર જોરદાર ઘા માર્યો હતો અને ત્યારબાદ તેના ભાઈ ભગેશના પેટના ભાગે અત્યંત ગંભીર ઘા ઝીંકી દીધા હતા. આ હુમલો એટલો ઘાતકી હતો કે ભગેશના પેટના આંતરડા બહાર આવી ગયા હતા અને તે લોહીલુહાણ હાલતમાં ફસડાઈ પડ્યો હતો. આ દરમિયાન સદ્દામના પિતા મોહમ્મદ શફીએ પણ લાકડી વડે માર મારીને ઈજાઓ પહોંચાડી હતી.

આ ચકચારી કેસની લાંબી કાયદાકીય લડત ગાંધીનગરના છઠ્ઠા એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ વી. જી. રાણાની કોર્ટમાં ચાલી હતી. સુનાવણી દરમિયાન સરકારી વકીલ પ્રિતેશ ડી. વ્યાસ દ્વારા અત્યંત મજબૂત દલીલો રજૂ કરવામાં આવી હતી. પ્રોસીક્યુશન પક્ષે કુલ 22 જેટલા સાક્ષીઓ અને તબીબી નિષ્ણાતોની જુબાનીઓ તપાસી હતી. ભગેશને થયેલી ગંભીર ઈજાઓ અને ડોક્ટરોનો રિપોર્ટ કોર્ટ સમક્ષ રજૂ કરી સાબિત કરવામાં આવ્યું હતું કે આ હુમલો જીવ લેવાના ઈરાદે જ કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: મંદબુદ્ધિના દલિત યુવકને દારૂ પાયો, કૂતરા સાથે શરમજનક કૃત્ય કરાવ્યું
સરકારી વકીલે કોર્ટમાં ધારદાર દલીલ કરતા જણાવ્યું હતું કે, સમાજમાં નબળા વર્ગો પર થતા આવા અત્યાચારો અને ક્ષુલ્લક બાબતે કરવામાં આવતા હિંસક હુમલાઓ લોકશાહી માટે ખતરો છે. જો આવા ગુનેગારોને કડક સજા ન કરવામાં આવે તો સમાજમાં ખોટો સંદેશ જાય છે અને હિંસાને પ્રોત્સાહન મળે છે. કોર્ટે તમામ પુરાવાઓ, સાક્ષીઓની જુબાની અને સરકારી વકીલની દલીલોને ગ્રાહ્ય રાખી હતી.
અંતે, નામદાર કોર્ટે મુખ્ય આરોપી સદ્દામ મહમંદસફી ઉર્ફે ભૂરાભાઈ કુરેશીને હત્યાના પ્રયાસ અને એટ્રોસીટી એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનેગાર ઠેરવ્યો હતો. કોર્ટે તેને 12 વર્ષની સખત કેદની સજા અને દંડ ફટકાર્યો હતો.
આ પણ વાંચો: વાસણાના દલિત યુવકની આત્મહત્યાના 80 દિવસ પછી પણ આરોપીઓ ફરાર









