પીએમ મોદી વિદેશોમાં વારંવાર કહે છે કે, હું એ ભૂમિથી આવું છું જેણે દુનિયાને યુદ્ધ નહીં પણ બુદ્ધ આપ્યા છે. જો કે, આ જ સરકાર તથાગત ગૌતમ બુદ્ધના 1800 જેટલા અવશેષોને ભારત લાવવામાં જરાય રસ દાખવી રહી નથી. ૭ મેના રોજ, હોંગકોંગમાં તથાગત બુદ્ધના વારસાની હરાજી કરવામાં આવશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ હરાજીમાં મોતી, માણેક, પોખરાજ, નીલમ અને પેટર્નવાળી સોનાની ચાદર સહિત 1,800 બૌદ્ધ અવશેષોની બોલી લગાવવામાં આવશે.

આ એ જ અવશેષો છે જે ઈ.સ. 1898 માં બ્રિટિશ શાસન દરમિયાન ઉત્તર પ્રદેશના સિદ્ધાર્થનગર જિલ્લાના પિપરાહવા સ્તૂપમાંથી વિલિયમ ક્લેક્સ્ટન પેપે દ્વારા ખોદવામાં આવ્યા હતા અને બ્રિટિશ સરકારે તેનો કબજો લઈ તેનો એક ભાગ ક્લેક્સ્ટન પેપેને આપ્યો હતો. 7 મેના રોજ, ક્લેક્સ્ટન પેપેના ચોથા વંશજ હોંગકોંગના સોથબીજ ખાતે આ 2500 વર્ષ જૂના અવશેષોની હરાજી કરશે.
બૌદ્ધ ધર્મીઓની શું ઈચ્છે છે?
જ્યારથી આ સમાચાર બહાર આવ્યા છે ત્યારથી આંબેડકરવાદીઓ અને બૌદ્ધ ધર્મના અનુયાયીઓ સતત કહી રહ્યા છે કે આ આપણા વારસા અને બૌદ્ધ આસ્થાનું અપમાન છે. ભારત સરકારને સતત અપીલ કરવામાં આવી રહી છે કે આ અવશેષોને સાચવીને ભારત લાવવામાં આવે કારણ કે ભારત આ અવશેષોનું અસલી માલિક છે. પરંતુ દુઃખની વાત એ છે કે આ સમાચાર સામે આવ્યાને ઘણા દિવસો થઈ ગયા છે, પરંતુ ન તો પીએમ મોદીએ આ સમાચાર પર કોઈ પ્રતિક્રિયા આપી છે કે ન તો લઘુમતી બાબતોના મંત્રી કિરેન રિજિજુ, જે પોતે બૌદ્ધ છે તેમણે આ બાબતે કશું કહ્યું છે.
આ પણ વાંચો: ગુજરાતના પાઠ્યપુસ્તકમાં બુદ્ધ અને બુદ્ધિઝમ પર ભયંકર જુઠ્ઠાણાં છપાયા
આ રત્નો બુદ્ધની સંપત્તિ છેઃ પ્રકાશ આંબેડકર
આ મામલે ડો.આંબેડકરના પૌત્ર અને વંચિત બહુજન આઘાડીના વડા પ્રકાશ આંબેડકરે કહ્યું, “આધુનિક યુગની સૌથી આશ્ચર્યજનક પુરાતત્વીય શોધોમાંની એક ગણાતા બુદ્ધના નશ્વર અવશેષો સાથે સંકળાયેલા રત્નોની હોંગકોંગમાં હરાજી કરવામાં આવશે. આ રત્નો ૧૮૯૮માં બુદ્ધના અવશેષો સાથે મળી આવ્યા હતા. આ રત્નો મૂળરૂપે ભારતના હાલના ઉત્તર પ્રદેશમાં પિપરાહવા ખાતેના સ્તૂપમાં ઈ.સ. પૂર્વે આશરે 240-200 આસપાસ દફનાવવામાં આવ્યા હતા અને તેમને ઈ.સ. પૂર્વે 480માં મૃત્યુ પામેલા તથાગત બુદ્ધના કેટલાક દાહ અવશેષો સાથે જોડવામાં આવ્યા હતા. આ રત્નો બુદ્ધના શારીરિક અવશેષો સાથે હંમેશા એક ભેટ સ્વરૂપે રહેવાના હતા, એ રીતે તે સ્વયં બુદ્ધની સંપત્તિ છે.

આ રત્નો ભારતમાં બ્રિટિશ શાસન દરમિયાન ગેરકાયદેસર રીતે મેળવવામાં આવ્યા હતા અને હવે તેમની હરાજી કરવામાં આવી રહી છે. કલ્પના કરો કે જો ઈસુ ખ્રિસ્ત અથવા અન્ય કોઈ ધર્મના અવશેષોને કલાની જેમ હરાજી કરવામાં આવે તો શું થશે. આ ફક્ત રત્નો નથી. બૌદ્ધ શબ્દોમાં આ રત્નો ભક્તિની વસ્તુઓ છે, બુદ્ધને એક ભેટ છે અને બુદ્ધના સાંસારિક અવશેષોની નિકટતાથી પવિત્ર છે.
આ ખૂબ જ શરમજનક બાબત ગણાયઃ સૂરજ કુમાર બૌદ્ધ
સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર સૂરજ કુમાર બૌદ્ધે લખ્યું હતું કે, “આ ખૂબ જ શરમજનક વાત છે કે ભગવાન બુદ્ધના પવિત્ર રત્નો, જે બ્રિટિશ શાસન દરમિયાન ભારતના પિપરહવા (સિદ્ધાર્થનગર) ખાતે તેમના અવશેષોના સ્તૂપના ખોદકામમાંથી મળી આવ્યા હતા, તે હવે સોથબેજ દ્વારા બજારમાં હરાજી માટે મૂકવામાં આવી રહ્યા છે. આ રત્નો ફક્ત પુરાતત્વીય વારસો જ નથી, પરંતુ લાખો બૌદ્ધ અનુયાયીઓની શ્રદ્ધા, ભક્તિ અને આધ્યાત્મિક શ્રદ્ધાનું પ્રતીક છે. તેમની હરાજી સ્પષ્ટ રીતે આપણા આધ્યાત્મિક વારસાની લૂંટ અને વસાહતી હિંસાનો ક્રૂર વિસ્તાર છે. હું આ ઘૃણાસ્પદ અને અમાનવીય કૃત્યની સખત નિંદા કરું છું. આ માત્ર ધાર્મિક લાગણીઓનું અપમાન નથી પણ ભગવાન બુદ્ધના કરુણા, સમાનતા અને અહિંસાના સંદેશનું પણ અપમાન છે.
શા માટે આ રત્નોનું ઐતિહાસિક મહત્વ છે?
ઉલ્લેખનીય છે કે, પિપરહવા બૌદ્ધ ધર્મ માટે એક પવિત્ર તીર્થસ્થળ છે. ઇતિહાસકારોના મતે, ભગવાન બુદ્ધના મહાપરિનિર્વાણ પછી તેમના અગ્નિસંસ્કાર કરાયેલા અવશેષોનો એક ભાગ શાક્ય વંશજો દ્વારા પિપરહવા ખાતે બાંધવામાં આવેલા એક સ્તૂપમાં સાચવવામાં આવ્યો હતો. આ અવશેષો અને તેમની પાસે રાખેલા રત્નો ઈ.સ. પૂર્વે 240-200 ના છે. આ બૌદ્ધ ધર્મની આસ્થા અને આદરના પ્રતીકો છે. આ રત્નો બુદ્ધના અવશેષો સાથે એક ભેટ તરીકે દફનાવવામાં આવ્યા હતા અને તેને બુદ્ધની મિલકત માનવામાં આવે છે.
આ પણ વાંચો: મહાબોધિ મહાવિહાર : નિયંત્રણના જૂના વિવાદનો નવો અધ્યાય











*બુદ્ધત્વ Vs હિન્દુત્વની લાંબી ધાર્મિક લડાઈમાં
બૌદ્ધ સમાજ સામે આસ્થા ભક્તિ આધ્યાત્મિકતાને નજરાદાજ કરવામાં જ મોદી સરકારને સંપૂર્ણ રસ છે!.