નર્મદા જિલ્લાના ડેડીયાપાડાના શિયાલી ગામમાં બે આદિવાસી બાળકોના કરજણ નદીમાં ડૂબી જવાથી મોત થયા છે. કરજણ નદીના તેજ પ્રવાહમાં તણાઈ ગયેલા બે બાળકોમાંથી એક બાદ એક એમ બંને બાળકોના મૃતદેહ મળી આવ્યા છે. આ દુખદ ઘટનાને પગલે ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે. ગઈકાલે સ્કૂલ છૂટ્યા બાદ બંને બાળકો નદી કિનારે ગયા હતા. દરમિયાન ખેતર તરફ જતાં નદીમાં પાણીનો પ્રવાહ વધી ગયો હતો અને બંને તણાઈ ગયા હતા.
આ પણ વાંચોઃ કાળા જાદુની શંકામાં આદિવાસી વૃદ્ધાનું દાતરડાથી ગળું કાપી હત્યા
નદીના તેજ પ્રવાહમાં બંને બાળકો તણાયા
ગોપાલિયા ગ્રુપ ગ્રામ પંચાયત હેઠળના શિયાલી ગામના વસાવા સોમકુમાર બિપિનભાઈ (13) અને વસાવા અક્ષય દિનેશભાઈ (12) ગઈકાલે બપોરે શાળા છૂટ્યા બાદ ખેતર તરફ જતા હતા. આ દરમિયાન નદીમાં અચાનક પાણીનો પ્રવાહ વધી જતાં બંને બાળકો તણાઈ ગયા હતા. બાળકો તણાઈ જતાં ગામજનો તરત જ તેમને શોધવા માટે દોડ્યા હતા. પરંતુ સાંજ પડતાં અને અંધારું વધતાં શોધખોળમાં મુશ્કેલી પડી. ગોપાલિયા ગ્રામ પંચાયતે તાત્કાલિક ડેડીયાપાડાના TDO અને મામલતદારને જાણ કરી હતી, જેના પગલે પોલીસ અને વહીવટી તંત્ર સક્રિય થયું હતું.
આ પણ વાંચોઃ આદિવાસી વિદ્યાર્થી જૂતા પહેરીને ન આવતા શિક્ષકે લાકડીથી માર્યો
નદીના પાણીથી લોકોને દૂર રહેવા અપીલ
ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ડેડીયાપાડા અને સાગબારા વિસ્તારમાં નદી, નાળા, તળાવો અને ચેક ડેમો છલકાઈ રહ્યા છે. કરજણ નદીમાં પાણીનો પ્રવાહ અત્યંત તેજ હોવાથી પ્રારંભિક શોધખોળમાં કોઈ સફળતા મળી નહોતી. આજે સવારે એક બાળક વસાવા સોમકુમાર બિપિનભાઈનો મૃતદેહ મળી આવ્યો હતો, જેનાથી પરિવારજનોમાં શોકની લાગણી ફેલાઈ છે. બીજી તરફ, વસાવા અક્ષય દિનેશભાઈ માટે શોધખોળ વચ્ચે બપોરે મૃતદેહ મળી આવ્યો છે. વહીવટી તંત્રએ નદીના કિનારે રહેતા લોકોને સાવચેત રહેવા અને નદીના પ્રવાહથી દૂર રહેવા અપીલ કરી છે. આ દુર્ઘટનાએ ગામમાં ચિંતાનું વાતાવરણ સર્જ્યું છે.
આ પણ વાંચોઃ આદિવાસી વિદ્યાર્થીઓના ભોજનમાંથી ‘દેડકો’ અને ‘કીડાં’ નીકળ્યાં