અમરેલીના લીલીયા તાલુકાના સલડી ગામે દિવાળીની રાતે ગ્રામ પંચાયતની ચૂંટણીના મનદુઃખને કારણે પટેલો અને આહિરો વચ્ચે ભયંકર હિંસક અથડામણ થઈ હતી. ફટાકડાને બદલે લાકડી, પાઇપ અને ધોકા વડે સામસામે હુમલો થયો હતો. જેમાં કુલ 25 જેટલા વ્યક્તિઓને નાની-મોટી ઇજાઓ થઈ હતી. બનાવની ગંભીરતાને જોતા લીલીયા પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી અને બંને જૂથોની સામસામે ફરિયાદ નોંધી હતી.
પહેલી ફરિયાદ પટેલોએ નોંધાવી હતી, જેમાં આહિરોના 17 જેટલા આરોપીઓ સામે હત્યાના પ્રયાસની ગંભીર કલમો હેઠળ ગુન્હો નોંધવામાં આવ્યો છે. જ્યારે સામા પક્ષે પટેલોના 8 આરોપીઓ સામે મારામારી અને રાયોટિંગનો ગુન્હો નોંધાયો છે. અત્યાર સુધીમાં 16 આરોપીઓની પોલીસે કાયદેસરની અટકાયત કરી લીધી છે.
આ પણ વાંચો: DSP એ જાહેરમાં દલિત હેડ કોન્સ્ટેબલને થપ્પડ મારી દેતા ચકચાર!
પોલીસે ગંભીરતા દાખવીને પ્રથમ ફરિયાદના 17 આરોપીઓ પૈકી 16 જેટલા આરોપીઓની કાયદેસર અટકાયત કરી લીધી છે. જેમાં પ્રથમ 6 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ વધુ 9 આરોપીઓને 2 વાહનો સાથે પકડી પાડવામાં આવ્યા છે. પોલીસે ગુન્હાની ગંભીરતા અને ઘટના કેવી રીતે ઘટી તે જાણવા માટે ઝીણવટભરી તપાસ શરૂ કરી છે.
અગાઉ ઝડપાયેલા 6 આરોપીઓનું પોલીસે સલડી ગામે જઈને ગુનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. આ સમયે આરોપીઓને જોવા માટે લોકોના ટોળેટોળાં ઉમટ્યા હતા. વધુ પકડાયેલા 9 આરોપીઓનું પણ આજે પોલીસે રિકન્સ્ટ્રક્શન કરીને ઘટના સ્થળની તપાસ સાથે કેવી રીતે ઘટના ઘટી તે અંગેનું પંચનામુ કર્યું હતું.
આ સમગ્ર મામલે ઇન્ચાર્જ એ.એસ.પી. જયવીર ગઢવીએ માહિતી આપી હતી અને જણાવ્યું હતું કે ગ્રામ પંચાયતની ચૂંટણીનું મનદુઃખ દિવાળીના તહેવાર ટાણે હિંસક બન્યું તે અંગે ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે.
આ પણ વાંચો: ‘મોદી સરકારમાં સૌથી વધુ ગૌમાંસ એક્સપોર્ટ થાય છે’ – ઇન્દ્રનીલ રાજ્યગુરુ
અમરેલીના સલડી ગામમાં ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને લાંબા સમયથી ચાલી રહેલા મનદુઃખે હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું. જેમાં બંને જૂથના મળીને 25 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે. તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. બંને પક્ષોએ સામસામે એકબીજા પર પાઇપ અને ધોકા વડે માર માર્યા હોવાના ગંભીર આરોપો લગાવ્યા છે.
જૂથ અથડામણના બનાવ બાદ મોડી રાત્રે લીલીયા પોલીસ મથકે બંને પક્ષોના લોકોના ટોળાઓ ઉમટી પડ્યા હતા, જેના કારણે વાતાવરણ વધુ ગરમાયું હતું. ઘટનાની જાણ થતાં અમરેલી પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યો હતો. વરિષ્ઠ પોલીસ અધિકારીઓ દ્વારા બંને ટોળાને સમજાવીને પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. પોલીસ દ્વારા આ સમગ્ર મામલે ઊંડી તપાસ હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચો: “કાર પર ‘વસાવા’ કેમ લખ્યું છે?” કહી ટોળાંએ ભાજપ નેતાના પુત્રને માર્યો










