જામનગરના ચંગામાં લગ્નમાં ઢોલ વગાડતા ત્રણ દલિતો પર હુમલો

જામનગરના ચંગા ગામે લગ્ન પ્રસંગમાં ઢોલ પર ઉડેલા પૈસાની લેતીદેતીમાં ત્રણ દલિત ભાઈઓને માર મારી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરાયા.
drummers attacked changa jamnagar

જામનગર: જામનગરના ચંગા ગામમાં સામાજિક પ્રસંગોમાં ઢોલ વગાડી પોતાનું ગુજરાન ચલાવતા દલિત પરિવારના ત્રણ યુવાનો પર ગામના જ લુખ્ખા તત્વોએ હુમલો કરતા ચકચાર મચી ગઈ છે. લગ્ન જેવા હરખના પ્રસંગમાં થયેલી આ માથાકૂટ હવે પોલીસ મથક સુધી પહોંચી છે. સમાજમાં હજુ પણ જાતિના નામે થતા અત્યાચારનો આ જીવતો જાગતો કિસ્સો પ્રકાશમાં આવતા સમગ્ર જિલ્લામાં ચકચાર મચી ગઈ છે.

મામલો શું હતો?

ચંગા ગામમાં રહેતા 40 વર્ષીય વિરમભાઈ ભોજાભાઇ નામના દલિત યુવાન અને તેમના ભાઈઓ ગામમાં આયોજિત એક લગ્ન પ્રસંગમાં ઢોલ વગાડવા માટે ગયા હતા. લગ્નના માહોલમાં મહેમાનો આનંદમાં આવીને ઢોલ વગાડનારા કલાકારો પર પૈસા ઉડાડતા હોય છે. રિવાજ મુજબ, મહેમાનો દ્વારા ઢોલીઓ પર જે પૈસા ઉડાડવામાં આવ્યા હતા, તે વિરમભાઈ અને તેમના નાનાભાઈ તેમજ પિતરાઈ ભાઈએ એકત્ર કરીને એક થેલીમાં સુરક્ષિત રાખ્યા હતા. આ પૈસા તેમની મહેનતની કમાણી હતી.

જોકે, આ ખુશીના માહોલમાં અચાનક વિઘ્ન આવ્યું જ્યારે ગામનો જ પ્રવીણસિંહ ભીખુભા પિંગળ ત્યાં પહોંચ્યો હતો. પ્રવીણસિંહે થેલીમાં રહેલા પૈસામાંથી છુટા પૈસા કાઢવા અથવા લેવા બાબતે વિરમભાઈ સાથે જીભાજોડી શરૂ કરી હતી. વિરમભાઈએ તેને અટકાવતા જણાવ્યું હતું કે આ તેમની મહેનતની કમાણી છે અને તેમાંથી આ રીતે પૈસા ન લઈ શકાય. આ વાત સાંભળતા જ પ્રવીણસિંહનો અહમ ઘવાયો હતો અને તે ઉશ્કેરાઈ ગયો હતો.

આ પણ વાંચો: દલિત સગીર પર હુમલાનો વીડિયો વાયરલ થતા સ્કૂલે જવાનું બંધ કર્યું

થેલીમાં હાથ નાખીને પૈસા ન કાઢવા દેતા હુમલો કર્યો

ઉશ્કેરાયેલા પ્રવીણસિંહ ભીખુભા પિંગળ અને તેની સાથે આવેલા ભરતસિંહ કેશુભા તથા અજીતસિંહ મઘાજી પિંગળ નામના શખ્સોએ ભેગા મળી વિરમભાઈ અને તેમના ભાઈઓ પર હુમલો કરી દીધો હતો. આરોપીઓએ કોઈ પણ જાતના ડર વગર જાહેરમાં ત્રણેય ભાઈઓને ઢીંકાપાટુનો માર માર્યો હતો. એટલું જ નહીં, આરોપીઓએ તેમને જ્ઞાતિ પ્રત્યે અત્યંત નીચલા સ્તરના શબ્દો કહી હડધૂત કર્યા હતા. આ હુમલાને કારણે લગ્ન પ્રસંગમાં ભાગદોડ મચી ગઈ હતી અને ભયનો માહોલ ફેલાયો હતો.

આરોપીઓએ ફરિયાદ ન કરવા મહિલાઓને ધમકાવી

આ મામલો અહીં જ અટકતો નથી. હુમલાખોરોનો આતંક એટલો વધ્યો હતો કે તેઓએ પીડિતોના ઘરે જઈને પણ ધાક-ધમકી આપવાનું ચાલુ રાખ્યું હતું. ઘટના બાદ જ્યારે પીડિતો ઘરે પહોંચ્યા, ત્યારે ત્રણેય આરોપીઓ સમાધાન કરવાના બહાને વિરમભાઈના ઘરે ગયા હતા. ત્યાં જઈને તેમણે ઘરની મહિલાઓ સાથે અભદ્ર વર્તન કર્યું અને ગાળો ભાંડી હતી. આરોપીઓએ એવી ધમકી આપી હતી કે જો આ બાબતે પોલીસમાં ફરિયાદ કરવામાં આવશે, તો તેઓને જાનથી મારી નાખવામાં આવશે.

આ પણ વાંચો: “તમારી હદમાં રહો, તમને મંદિરમાં પ્રવેશવાની મંજૂરી નથી”

એટ્રોસિટી એક્ટ સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધાઈ

અંતે, આરોપીઓના ત્રાસથી કંટાળીને અને ન્યાયની આશા સાથે વિરમભાઈ ભોજાભાઇએ જામનગર પંચકોશી બી. ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ મામલે ગંભીરતા દાખવીને ત્રણેય આરોપીઓ – પ્રવીણસિંહ પિંગળ, ભરતસિંહ પિંગળ અને અજીતસિંહ પિંગળ વિરુદ્ધ આઈ.પી.સી.ની વિવિધ કલમો તેમજ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ અત્યાચાર નિવારણ ધારો (SC-ST Act) હેઠળ ગુનો દાખલ કર્યો છે.

જામનગરમાં લુખ્ખા તત્વોની દાદાગીરી વધી

આ કેસની વધુ તપાસ ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા હાથ ધરવામાં આવી છે. ગ્રામીણ વિસ્તારોમાં દલિતો પર વધતા જતા હુમલાના બનાવોને રોકવા માટે સામાજિક સંગઠનોએ પણ કડક કાર્યવાહીની માંગ કરી છે. હાલમાં પોલીસ દ્વારા આરોપીઓને ઝડપી પાડવા માટે અલગ-અલગ દિશાઓમાં ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

આ ઘટનાએ ફરી એકવાર જામનગર જિલ્લામાં લુખ્ખા તત્વોની દાદાગીરી વધી હોવાનું સાબિત કર્યું છે. ગઈકાલે જ અહીંના પીપળી ગામે ભરવાડ સરપંચે ચૂંટણીની અદાવતમાં એક નિર્દોષ દલિત પર જીવલેણ હુમલો કર્યો હતો. આ ઘટનાની શ્યાહી હજુ સૂકાઈ નથી, ત્યાં આ વધુ એક ઘટના બની છે.

આ પણ વાંચો: જામનગરના પીપળીમાં દલિત યુવક પર 6 ભરવાડોનો હુમલો

5 1 vote
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
તમારા મતે ગુજરાતમાં દારૂબંધી કેટલી સફળ છે?
0
Would love your thoughts, please comment.x
()
x