ગુજરાતમાં સરકારે અંધશ્રદ્ધા વિરોધી કાયદો બનાવ્યો હોવા છતાં પણ લોકોની આંખો ખૂલતી નથી. આવી જ ચોંકાવનારી ઘટના રાજકોટમાંથી સામે આવી છે. જ્યાં એક પરિવારે પોતાના બીમાર દીકરાને સાજો કરવા માટે માતાજીનો માંડવો કરી તેમાં 6 બકરાની બલિ ચઢાવી દીધી હતી. આ ઘટનાને લઈને સમગ્ર સૌરાષ્ટ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.
9 બકરાંને બચાવી લેવાયા, 6 બની બલિ ચઢી ગઈ
આ ઘટનાની મળતી માહિતી મુજબ, રાજકોટમાં એક પરિવારે વિહત માતાજીના માંડવામાં 6 બકરાની બલિ ચઢાવી હોવાનું સામે આવ્યું છે. જોકે, જીવરક્ષા ફાઉન્ડેશન ટ્રસ્ટના સમયસરના દરોડાથી અન્ય 9 પશુઓને બચાવી લેવામાં આવ્યા હતા. પોલીસને સાથે રાખીને આ દરોડા પાડવામાં આવ્યા હતા. જોકે, દરોડા દરમિયાન આરોપીઓ ત્યાંથી નાસી છૂટ્યા છે અને પોલીસ તેમની શોધખોળ કરી રહી છે.

આ પણ વાંચો: ગુજરાતમાં MGNREGA યોજના પણ મજૂરોને રોજગારી ન અપાવી શકી?
વિહત માતાના માંડવામાં માતાને બલિ ચઢાવાઈ
મળતી માહિતી મુજબ, રાજકોટમાં ગ્રીનલેન્ડ ચોકડી પાસે સોલંકી પરિવાર દ્વારા માંડવાનું આયોજન કરવામાં આવ્યું હતું. પોતાનો દીકરો બીમાર હતો તેથી તેના પિતાએ માનતા રાખી હતી અને માંડવામાં 16 પશુની બલિ ચઢાવવાની હતી. જેમાંથી 6 પશુઓની બલિ ચઢાવી દેવાઇ હતી. જોકે, સમયસર જીવરક્ષા ફાઉન્ડેશન અને પોલીસે દરોડો પાડતા અન્ય 9 પશુઓનો જીવ બચી ગયો હતો.

આ પણ વાંચો: દલિત મહાસંઘના પ્રમુખની જન્મદિવસે હત્યા, ટોળાએ આરોપીને પતાવી દીધો
પોલીસે દરોડા પાડતા ભૂવા સહિતના પુરૂષો ફરાર થઈ ગયા
નોંધનીય છે કે, ત્યાં હાજર રહેલી એક મહિલાએ સ્વીકાર્યું હતું કે, “મારા પતિએ બાધા માની હતી, દીકરો બીમાર રહેતો હતો એટલે આ બલિ ચઢાવવામાં આવી હતી. વર્ષોથી આ પરંપરા ચાલી આવે છે.” દરોડા દરમિયાન માંડવામાં હાજર તમામ પુરુષો ફરાર થઈ ગયા હતા અને માત્ર મહિલાઓ જ ત્યાં હાજર મળી આવી હતી.
માસૂમ પશુઓની બલિ ચઢાવવાની આ ચોંકાવનારી ઘટના અંગે પોલીસે હાલમાં ગુનો દાખલ કરી દીધો છે. ફરાર થઈ ગયેલા આરોપીઓ અને ભૂવાને ઝડપી પાડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. પોલીસ આ મામલે વધુ તપાસ હાથ ધરી રહી છે. આ સિવાય બચાવેલા જીવોને પાંજરાપોળમાં મોકલવામાં આવ્યા છે.
આ પણ વાંચો: મારા પિતાએ જે વેઠ્યું તે હું ફિલ્મોમાં બતાવું છુંઃ મારી સેલ્વરાજ












