Dalit News: તમિલનાડુના તિરુપુર જિલ્લામાં એક સરકારી શાળામાં દલિત મહિલા રસોઈયાને બાળકો માટે મધ્યાહન ભોજન બનાવતી અટકાવવામાં આવી હતી, આ કેસમાં એક ખાસ અદાલતે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. કોર્ટે છ લોકોને દોષિત ઠેરવીને તેમને બે વર્ષની સજા અને રૂ. 5,000 નો દંડ ફટકાર્યો છે.
આખો મામલો શું હતો?
44 વર્ષીય દલિત મહિલા પપ્પલની તિરુમલાઈ ગૌંડનપાલયમની સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળામાં રસોઈયા તરીકે નિયુક્ત કરવામાં આવી હતી. જોકે, કેટલાક સ્થાનિકો અને વાલીઓએ જાતિના આધારે વિરોધ કર્યો હતો અને તેણીને ભોજન બનાવતા અટકાવી હતી.
આ પણ વાંચો: પોલીસે BSP નેતાને છત પરથી ફેંકી દેતા મોત? SC-ST act નો કેસ થયો
આ ભેદભાવ સામે તમિલનાડુ અસ્પૃશ્યતા નાબૂદી મોરચાએ વિરોધ નોંધાવ્યો હતો. વિરોધ બાદ, દલિત મહિલા પપ્પલની બદલી કરવામાં આવી હતી. આ ફરિયાદ બાદ, જુલાઈ 2018 માં પોલીસે SC/ST એક્ટ સહિત વિવિધ કલમો હેઠળ 35 લોકો સામે કેસ દાખલ કર્યો હતો. પોલીસે આમાંથી આઠ વ્યક્તિઓની ધરપકડ કરી હતી.
6 ને દંડ અને જેલ, 25ને નિર્દોષ જાહેર કરાયા
આ કેસની ટ્રાયલ દરમિયાન જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એમ. સુરેશે તપાસ અને સાક્ષીઓના આધારે છ લોકોને દોષિત ઠેરવ્યા હતા. દોષિતોમાં પી. પલાનીસામી ગૌંડર, એન. સાક્ષીવેલ, આર. શનમુગમ, સી. વેલિંગિરી, એ. દુરાઈસામી અને વી. સીતાલક્ષ્મીનો સમાવેશ થાય છે. તેમને બે વર્ષની સખત કેદ અને ₹5,000 નો દંડ ફટકારવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: બહેને દલિત યુવક સાથે લગ્ન કરતા ભાઈઓએ 5 ગોળી મારી દીધી
ચુકાદા બાદ, બધાને કોઈમ્બતુર સેન્ટ્રલ જેલમાં મોકલવામાં આવ્યા હતા. પુરાવાના અભાવે 25 લોકોને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા, જ્યારે 4 લોકો ટ્રાયલ દરમિયાન મૃત્યુ પામ્યા હતા.
પીડિતાના વકીલે શું કહ્યું?
આ ચૂકાદા બાદ પીડિતાના વકીલ પી.પી. મોહને કહ્યું કે, આ જાતિવાદી તત્વો માટે એક સબક છે અને ન્યાયની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે. તેમણે એમ પણ કહ્યું કે બીડીઓ અને પપ્પલની ટ્રાન્સફર કરાવનાર કેટલાક પોલીસ અધિકારીઓ સામે કાર્યવાહી થવી જોઈએ, તો જ પીડિતાને સંપૂર્ણ ન્યાય મળશે.
આ પણ વાંચો: ‘જ્યાં સુધી બ્રાહ્મણ દીકરી ન આપે, ત્યાં સુધી અનામત ચાલુ રહેશે’










