સપનું આવ્યું અને 11 લોકો દ્વારકામાંથી શિવલિંગ ચોરી ગયા

દેવભૂમિ દ્વારકાના હર્ષદ વિસ્તારમાં વર્ષો જૂના શિવ મંદિરમાંથી શિવલિંગની ચોરી થઈ હતી. પોલીસે છેક હિંમતનગરથી 11 આરોપીને ઝડપી પાડ્યા છે. શા માટે શિવલિંગ ચોર્યું તે જાણીને તમે ચોંકી જશો.
theft of shivling

Theft of Shivling in Harshad Devbhoomi Dwarka: દેવભૂમિ દ્વારકા જિલ્લાના હર્ષદ (ગાંધવી) વિસ્તારમાં આવેલા એક પ્રાચીન અને પ્રખ્યાત શિવમંદિરમાં કેટલાક તસ્કરો ત્રાટક્યા હતા અને તેઓ અહીં સ્થાપિત શિવલિંગ ચોરીને લઈ ગયા હતા. આ મામલે પોલીસ દ્વારા 11 આરોપીઓની છેક હિંમતનગરથી ધરપકડ કરવામાં આવી છે. આ મામલે પોલીસ તપાસને અંતે આશ્ચર્યજનક કારણ સામે આવ્યું હતું. મળતી માહિતી મુજબ આરોપીઓએ પરિવારની એક મહિલા અને દીકરી સપનામાં શિવલિંગ દેખાતું હતું. તેઓ સતત પરિવારને કહેતી હતી કે આ શિવલિંગ લાવીને ઘરમાં સ્થાપિત કરશો તો સુખ સમૃદ્ધિ વધશે. આથી 11 લોકોએ મળીને મંદિરમાંથી શિવલિંગ ચોરવાનો પ્લાન બનાવ્યો હતો. આરોપીઓએ પહેલા રેકી કરી હતી અને પછી પ્લાન મુજબ શિવલિંગ ચોરી કરીને પોતાના ઘરે સ્થાપિત કર્યાનું ખુલવા પામ્યું છે. આ પ્રકરણમાં પોલીસે બે મોટરકાર સહિતના મુદ્દામાલ સાથે 3 મહિલાઓ અને 8 પુરુષોને ઝડપી લીધા છે.

મામલો શું છે?

આ સમગ્ર પ્રકરણની જાહેર થયેલી વિગતો મુજબ સાબરકાંઠા જિલ્લાના રહીશ રમેશસિંહ આલુસિંહ મકવાણાની પત્ની અને ભત્રીજીને અવારનવાર રાત્રિના સમયે એક સપનું આવતું હતું. જેમાં દ્વારકા જિલ્લાના હરસિધ્ધિ મંદિર પાસેના દરિયા કિનારે આવેલા ભીડભંજનેશ્વર મહાદેવ મંદિરનું શિવલિંગ દેખાતું હતું. આ મહિલા અને ભત્રીજીએ પરિવારને જણાવ્યું હતું કે, જો આ શિવલિંગને પોતાના ઘરે લાવીને જો સ્થાપન કરવામાં આવશે તો પરિવારની ખૂબ પ્રગતિ થશે અને ફાયદો થશે. જેને સાચું માની પરિવારજનોએ હર્ષદ ખાતે આવેલા ભીડભંજનેશ્વર મહાદેવ મંદિરમાં આવેલા શિવલિંગને ચોરવાનું કાવતરું રચ્યું હતું.

જુદા જુદા બે વાહનોમાં અહીં આવીને આ તમામ શખ્સો હર્ષદ ખાતે રોકાયા હતા અને રેકી કરી હતી. એ પછી બુધવારે શિવરાત્રીના એક દિવસ પહેલા આ શિવલિંગની ચોરી કરીને પોતાના વતન હિંમતનગર ખાતે લઈ ગયા હતા અને અહીંથી ચોરેલા શિવલિંગની પોતાના ઘરે સ્થાપના કરી દીધી હતી.

પોલીસે ટીમ બનાવી આરોપીઓને ઝડપી પાડ્યા

25 ફેબ્રુઆરીના રોજ શિવલિંગની થયેલી આ ચોરીએ સમગ્ર દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભારે ચર્ચા જગાવી હતી. જેને ગંભીરતાથી લઈને જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય દ્વારા ડીવાયએસપી, એલસીબી અને એસ.ઓ.જી.ના તમામ ચુનંદા અધિકારીઓની ટીમની રચના કરવામાં આવી હતી. આ પ્રકરણમાં પોલીસ સમક્ષ જુદા જુદા પડકારો હતા. જેમાં હર્ષદ ગામે આવેલું ઉપરોક્ત શિવ મંદિર માનવ વસ્તીથી દુર અને સમુદ્ર કિનારે આવેલું હતું. દિવસ દરમિયાન અહીં યાત્રિકોની અવર-જવર ચાલુ રહેતી. પરંતુ રાત્રિના સમયે અહીં કોઈપણ વ્યક્તિની આવન જાવન રહેતી નહીં. ભૌગોલિક રીતે દ્વારકા અને પોરબંદર જિલ્લાની જોડતા આ સ્થળે કોઈપણ સીસી ટીવી કેમેરા ન હતા. કોઈ વ્યક્તિ નજરે જોઈ શકે અને પોલીસને માહિતી મળી શકે તેવી શક્યતાઓ પણ ન હતી.

80 કિમીના હાઈવેના તમામ સીસીટીવી ચેક કર્યા અને પગેરૂ મળ્યું

આ પ્રકરણ માં જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય દ્વારા ડીવાયએસપી હાર્દિક પ્રજાપતિ, અને સાગર રાઠોડ સાથે એલ.સી.બી. પી.આઈ. કે.કે. ગોહિલ, એસ.ઓ.જી. પી.આઈ. પી.સી. સિંગરખીયા અને પી.આઈ. એ.એલ. બારસીયા સાથેના અધિકારીઓની ટીમ દ્વારા કુનેહપૂર્વક વિવિધ પ્રકારના ટેકનિકલ ડેટાઓ એકત્રિત કરી અને વિવિધ પરિસ્થિતિનું એનાલિસિસ કરવામાં આવ્યું હતું. જેમાં એફ.એસ.એલ. તેમજ સ્નીફર ડોગની સ્થળ વિઝીટ કરાવીને તેના ટ્રેક અને આરોપીઓના પગેરાનો આધાર બનાવવામાં આવ્યો હતો. આ ઉપરાંત બનાવના સ્થળની આજુબાજુની હોટલો, ધર્મશાળા, વાડી, ફાર્મ હાઉસમાં રહેતા લોકોને ચકાસી અને બનાવ પહેલા તથા બનાવ પછીની શંકાસ્પદ ગતિવિધિનો તાગ મેળવ્યો હતો. જ્યારે સૌથી કઠિન મનાતા દ્વારકા-સોમનાથ કોસ્ટલ હાઈવે નજીકના 80 કી.મી.ના હાઈવેના તમામ હોટલો, ટોલનાકાની અવરજવર તેમજ 70 જેટલા સીસીટીવી કેમેરા ચેક કરી અને પૃથક્કરણ બાદ પોલીસ તંત્રને આરોપીઓનું પગેરૂ સાબરકાંઠાના હિંમતનગર વિસ્તારમાં હોવાનું ધ્યાને આવ્યું હતું.

પોલીસે ત્રણ મહિલા સહિત 11ની ધરપકડ કરી

આથી અહીંના પોલીસ અધિકારીઓની ટીમે તાકીદે ઉપરોક્ત સ્થળે દોડી જઈ અને સ્થાનિક એલ.સી.બી. પી.આઈ. કરંગીયા તથા સ્ટાફને સાથે રાખી આ પ્રકરણમાં મહેન્દ્રસિંહ ઉર્ફે રમેશ કરણસિંહ મકવાણા (ઉ.વ. 35), જગતસિંહ ઉમેદસિંહ મકવાણા (ઉ.વ. 55), મનોજસિંહ અમરતસિંહ મકવાણા (ઉ.વ. 19), વનરાજસિંહ સમરતસિંહ મકવાણા (ઉ.વ. 40), રમેશસિંહ આલુસિંહ મકવાણા (ઉ.વ. 38), કેવલસિંહ રૂપસિંહ મકવાણા (ઉ.વ. 22), હરેશસિંહ જશવંતસિંહ મકવાણા (ઉ.વ. 25) અને અશોકસિંહ દિલીપસિંહ મકવાણા (ઉ.વ. 23) સાથે ત્રણ મહિલાઓ મળી 11 શખ્સોની અટકાયત કરી હતી.

પત્ની-ભત્રીજીને સપનું આવ્યું અને શિવલિંગ ઉપાડી લાવ્યા

ઉપરોક્ત તમામ આરોપીઓ હિંમતનગર તાલુકાના મેડી ટીંબા ગામના રહેવાસીઓ છે. આ પ્રકરણમાં જાહેર કરવામાં આવેલી વિગત મુજબ ઉપયોગ આસામીઓ અવારનવાર હરસિદ્ધિ માતાજીના મંદિરે દર્શન માટે આવતા હતા. જે પૈકી રમેશસિંહ મકવાણાના પત્ની અને ભત્રીજાને અવારનવાર સ્વપ્ન આવતું હતું કે પોતાના વતનના ઘર ખાતે આંગણામાં એક વહાણવટી માતાજીનું મંદિર અને એક અર્ધનારેશ્વરના શિવલિંગની સ્થાપના કરો તો તમારી ઉન્નતી થશે. જેથી પરિવારના ઉપરોક્ત તમામ 11 સભ્યો ગત તારીખ 23 ના રોજ ઈક્કો અને સેન્ટ્રો મોટરકાર મારફતે હર્ષદ ખાતે આવ્યા હતા. તેઓ તેમની પોતાની સાથે શિવલિંગ ઉખાડવાના સાધનો પણ સાથે લાવ્યા હતા.

આ પણ વાંચો: બ્રાહ્મણ પૌત્રએ ત્રિશૂળથી દાદીની હત્યા કરી લોહી શિવલિંગને ચડાવ્યું

આરોપીઓ જગડુશા ધર્મશાળામાં રોકાયા હતા. અહીં દિવસ અને રાત્રી દરમિયાન તકેદારી સાથે વાહન મારફતે તેમજ ચાલીને શિવ મંદિરની રેકી કરતા હતા. ત્યાર બાદ તારીખ 24 ફેબ્રુઆરીના રોજ સાંજના સમયે તેઓ ધર્મશાળા ખાલી કરીને નીકળી ગયા હતા અને આખી રાત જુદા જુદા સ્થળોએ ફરી અને મોડી રાત્રે શિવલિંગ અને થાળું જમીનમાંથી ઉખેડીને મંદિરથી દરિયા તરફ લઈ ગયા હતા. જે દરમિયાન શિવલિંગનું થાળું ખૂબ જ વજનદાર લાગતા તેઓએ સમુદ્ર કિનારે મૂકી દીધું હતું અને શિવલિંગને પોતાના વાહનમાં લઈને વહેલી સવારે 4 વાગ્યે નાસી છૂટ્યા હતા. આ સમગ્ર પ્રકરણમાં પોલીસે શિવલિંગ તેમજ સાથેના સર્પ, છત્તર અને ચાદર ઉપરાંત સેન્ટ્રો અને ઈક્કો મોટરકાર તથા મોબાઈલ ફોન મળી, કુલ રૂપિયા 3.15 લાખનો મુદ્દામાલ પણ કબજે કર્યો હતો.
પોલીસની કામગીરીની પ્રશંસા થઈ

વિચિત્ર ગણાતા આ કેસને પોલીસે જે રીતે ઉકેલ્યો તેની સમગ્ર જિલ્લામાં પ્રશંસા થઈ રહી છે. આ સાથે જ એકવીસમી સદીમાં પણ લોકો કેવી જાતભાતની અંધશ્રદ્ધામાં રાચતા હોય છે અને ગુનો કરવા સુધી જતા પણ અચકાતા નથી તે દિશામાં ચિંતા પણ વ્યક્ત કરાવે છે.

આ સમગ્ર કાર્યવાહી રાજકોટ વિભાગના આઈ.જી. અશોકકુમાર યાદવ તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ નિતેશ પાંડેયના સીધા માર્ગદર્શન હેઠળ ડીવાયએસપી હાર્દિક પ્રજાપતિ અને સાગર રાઠોડ સાથે એલ.સી.બી. પી.આઈ. કે.કે. ગોહિલ, એસ.ઓ.જી. પી.આઈ. પ્રશાંત સીંગરખીયા, આકાશ બારસીયા સહિતના સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.

આ પણ વાંચો: દલિત વરરાજાને ઘોડી પરથી ઉતારી લુખ્ખા તત્વો ઘોડી સાથે લઈ ગયા

5 1 vote
Article Rating
Subscribe
Notify of
guest
1 Comment
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
Prabudh BHARAT
Prabudh BHARAT
6 months ago

જો તે બહેન ને સપના માં જે તે જગ્યા નું શિવલિંગ લાવી ને સ્થાપિત કરે તો સુખ શાંતિ મળે તેવું દેખાયું…તો વાસ્તવિક જે બન્યું તે કે પરિવાર જેલ માં જશે તે કેમ ન દેખાયું?

શું તમે SC/ST એક્ટ હેઠળના કેસોની તપાસ અને સજાના દરથી સંતુષ્ટ છો?
1
0
Would love your thoughts, please comment.x
()
x