Urvashi Shrimali Suicide Case: મહેસાણાની મર્ચન્ટ હોમિયોપેથી કોલેજમાં આપઘાત કરનાર દલિત સમાજની હોનહાર વિદ્યાર્થિની ઉર્વશી શ્રીમાળીના કેસમાં પોલીસ જાણીજોઈને ઢીલ દાખવી રહી હોવાનું ચિત્ર ઉપસી રહ્યું છે. આ મામલે પોલીસે આરોપીઓના રિમાન્ડ પણ નથી માંગ્યા. જેના કારણે ઉર્વશીના પરિવારને મોટો અન્યાય થઈ રહ્યો છે. જેના વિરોધમાં ગઈકાલે વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી અને મૃતક ઉર્વશી શ્રીમાળીના પરિવારજનોએ મોટી સંખ્યામાં દલિત સમાજના આગેવાનો સાથે મળીને જિલ્લા કલેક્ટર અને પોલીસ વડાને આવેદનપત્ર આપ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના નગવાડા ગામની 18 વર્ષની દીકરી ઉર્વશી શ્રીમાળીએ બે મહિના પહેલા મહેસાણાની મર્ચન્ટ કોલેજની હોસ્ટેલના રૂમ નંબર બી/212માં અગમ્ય કારણોસર આપઘાત કરી લીધો હતો. પ્રોફેસરોના ત્રાસથી કંટાળીને આ પગલું ભર્યાનો તેના પરિવારજનો અને ઓળખીતા લોકોનો આરોપ છે. ઉર્વશીના પિતાએ આચાર્ય અને 4 પ્રોફેસર સહિત 5 વિરુદ્ધ મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પણ પોલીસ દ્વારા આખા કેસને લૂલો કરી નાખવા માટે જાણીજોઈને ઢીલી નીતિ દાખવવામાં આવી રહી હોવાના આક્ષેપો લાગ્યાં છે.
આ પણ વાંચો: એટ્રોસિટીના એક કેસમાં 101 આરોપીમાંથી 98ને આજીવન કેદની સજા થઈ
ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ જણાવ્યું હતું કે, ઉર્વશીએ શંકાસ્પદ પરિસ્થિતિમાં આત્મહત્યા કરી હતી. તેના મા-બાપ અને પરિવારને હજુ શંકા છે કે તેની ક્યાંક હત્યા તો નથી કરાઈ ને. પ્રાથમિક દ્રષ્ટિએ સ્યુસાઈડ નોટ જોતા આત્મહત્યાનો મામલો જણાય છે. તો આત્મહત્યા પાછળ કોની દુષ્પ્રેરણા હતી? એવા તો કેવા સંજોગો મર્ચન્ટ કોલેજમાં નિર્માણ થયા કે એક 19 વર્ષની દીકરીને આત્મહત્યા કરવી પડી? તેની તપાસ થવી જોઈએ. આ કેસમાં પોલીસે આરોપીના રિમાન્ડ પણ માગ્યા નથી, આવો આપઘાતનો કે દુષ્પ્રેરણાનો મામલો હોય તો કોલેજમાં શું ટોર્ચર થયું હશે તેની તો કલ્પના જ કરવી રહી. દીકરી સાથે એવું શું વર્તન કરવામાં આવતું હતું કે તેણીએ આવું અંતિમ પગલું ભરવું પડ્યું? તેની પોલીસે તપાસ કરવી જોઈએ. તેના માટે પોલીસે આ કેસના આરોપીઓના રિમાન્ડ માગવા જોઈએ. પરંતુ પોલીસે રિમાન્ડ ન માગતા તેમની કામગીરી પર શંકા પેદા થાય છે.
મેવાણીએ ત્રણ મુખ્ય માગણીઓ રજૂ કરી હતી. જેમાં કેસની નિષ્પક્ષ તપાસ થવી જોઈએ, મજબૂત પુરાવા સાથે ચાર્જશીટ રજૂ થવી જોઈએ અને બે વર્ષમાં કેસની ટ્રાયલ પૂરી થવી જોઈએ
મેવાણીએ વધુમાં જણાવ્યું કે, મીડિયાની હાજરીમાં આ કોલેજના સતાધીશો પર આરોપ છે કે, તેઓ કેટલાક લોકોને ડરાવતા-ધમકાવતા હતા. દીકરીની લાશ પડી હોય તેમ છતાં જો આ લોકો આટલી હિંમત કરતા હોય તો તેનો અર્થ એ થાય કે તેમના રાજકીય પના છે અને તેના બળ પર જ તેઓ આટલી હદે દાદાગીરી કરી શકે. અમારું કહેવાનું એટલું જ છે કે, તેમના જેટલા પના હોય, બસ ઉર્વશીના પરિવારને ન્યાય મળવો જોઈએ. મૃતક ઉર્વશી રોજ ડાયરી લખતી હતી એ પણ ગાયબ છે એ પણ એક શંકાના દાયરામાં છે.
અમે જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરીએ છીએ કે આ કેસમાં નિષ્પક્ષ તપાસ થાય અને દોષિતોને કડકમાં કડક સજા થાય. જેથી ફરી કોઈ નિર્દોષ ઉર્વશીએ પોતાનું જીવન ટૂંકાવવું ન પડે.
આ પણ વાંચો: દલિત મહિલા પર દુષ્કર્મના કેસમાં ભાજપ ધારાસભ્યને પોલીસ રક્ષણ?
*શા માટે દલિત વિધાર્થિનીઓ કે વિદ્યાર્થીઓને જ આત્મ હત્યાનો ભોગ બનવું પડે છે? આપણા દલિત બીજેપી/કોંગ્રેસનાં માટીપગા નેતાઓની જધન્ય બનાવો સમયે તેઓની શું શું ફરજો હોય છે???
જયભીમ જય સંવિધાન જય ભારત જય લોકતંત્ર!