લગ્નની સિઝનની સમાંતરે દલિતોની જાન પર હુમલા થવાની ઘટનાઓ પણ શરૂ ચૂકી છે. હરિયાણાના રાયપુર રાણી વિસ્તારના મૌલી ગામમાં એક દલિત યુવકના લગ્નના વરઘોડાને જાતિવાદી તત્વો દ્વારા રોકવામાં આવ્યો હતો. આરોપીઓએ જાતિસૂચક ગાળો ભાંડી ધમકીઓ આપીને હુમલો કર્યો હોવાના સમાચાર છે. પોલીસે 9 એપ્રિલ 2025ને બુધવારે આ કેસમાં બે અલગ અલગ FIR નોંધી છે, જેમાં કુલ 11 લોકોને આરોપી બનાવવામાં આવ્યા છે. જોકે, હજુ સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી. રાયપુર રાની પોલીસ સ્ટેશનના એસએચઓ સોમબીર ઢાકાએ એફઆઈઆર નોંધાઈ હોવાનું કન્ફર્મ કર્યું હતું અને કહ્યું કે આ મામલાની તપાસ ચાલી રહી છે.
આ ઘટનાના વિરોધમાં દલિત સમાજના લોકોએ સ્થાનિક પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો હતો અને આરોપીઓની ધરપકડની માંગ કરી હતી. આ દબાણ હેઠળ પોલીસે બંને ફરિયાદો પર FIR નોંધી.
વરરાજાની જાન રોકી હુમલો કર્યો
પહેલી ફરિયાદ અંબાલાના રહેવાસી 23 વર્ષીય વરરાજા દ્વારા દાખલ કરવામાં આવી હતી. તેણે કહ્યું કે તેના લગ્ન મૌલી ગામની કન્યા સાથે નક્કી થયા હતા અને 6 એપ્રિલે તે વરઘોડા માટે ઘોડી પર બેસીને ગામ પહોંચવાનો હતો.
આ પણ વાંચો: રઘલા, મેતરના છોકરાને વરઘોડો ન હોય, આ બેનાળી જોઈ છે…?
ફરિયાદ મુજબ, જ્યારે ગામના કેટલાક ઉચ્ચ જાતિના લોકોને આ વરઘોડા વિશે ખબર પડી, ત્યારે તેમણે વરરાજાના સસરાને ધમકી આપી અને તેને મોટરસાયકલ પર એવી જગ્યાએ લઈ ગયા જ્યાં લગભગ 200 ઉચ્ચ જાતિના લોકો હાજર હતા. ત્યાં યુવકના સસરાને ધમકી આપવામાં આવી હતી કે જો વરરાજા ઘોડી પર બેસીને ગામમાં આવશે તો તેને પ્રવેશવા દેવામાં આવશે નહીં. આ દરમિયાન તેમને જાતિસૂચક અપશબ્દો પણ બોલવામાં આવ્યા હતા. આ સંદર્ભે, વરરાજાના સસરાએ 28 માર્ચે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
૬ એપ્રિલના રોજ, ગામમાં પોલીસ તૈનાત હોવા છતાં લગ્નના વરઘોડા દરમિયાન, કેટલાક ઉચ્ચ જાતિના લોકોએ વરઘોડો રોકીને તેના ચાલકને રોકીને તેને માર માર્યો હતો. ફરિયાદીએ જણાવ્યું હતું કે એ પછી વરઘોડા પર પણ હુમલો કરવામાં આવ્યો હતો અને વરરાજા ઘોડી પર આવશે તો તેને ગોળી મારી દેવાની ધમકી આપવામાં આવી હતી.
આ મામલે આઠ આરોપીઓ સામે SC/ST એક્ટની કલમ 3(1)(s) અને ભારતીય દંડ સંહિતા (BNS) ની કલમ 115, 126 અને 351(2) હેઠળ FIR નોંધવામાં આવી હતી.
બીજી FIRમાં દલિત દીકરીની છેડતીનો આરોપ
બીજી ફરિયાદ 22 વર્ષીય અનુસૂચિત જાતિની દીકરી દ્વારા દાખલ કરવામાં આવી છે. તેણીએ પોલીસને જણાવ્યું કે 8 એપ્રિલના રોજ જ્યારે તે તેના મિત્ર અને કાકી સાથે કોલેજથી પાછી ફરી રહી હતી ત્યારે બે મહિલાઓ અને ઉચ્ચ જાતિના એક યુવકે તેમને રોક્યા અને કહ્યું, “તમે ઘોડી પર વરઘોડો કાઢીને ખોટું કર્યું છે.” આરોપીએ જાતિસૂચક અપશબ્દોનો ઉપયોગ કર્યો અને જાનથી મારી નાખવાની ધમકી આપી.
ફરિયાદમાં જણાવાયું છે કે યુવકે પીડિતા અને તેના મિત્રના કપડાં ફાડી નાખ્યા હતા અને તેની છેડતી કરી હતી. પીડિતાની કાકીને પણ જાતિવાદી ગાળો ભાંડી અપમાનિત કરવામાં આવ્યા હતા.
આ કેસમાં, ત્રણ આરોપીઓ સામે SC/ST એક્ટની કલમ 3(1)(s) અને 3(5) અને ભારતીય દંડ સંહિતાની કલમ 126, 351(2) અને 74 હેઠળ FIR નોંધવામાં આવી હતી.
ગામમાં તણાવભરી સ્થિતિ, કામચલાઉ પોલીસ ચોકી ઉભી કરવી પડી
ઘટના બાદ ગામમાં તણાવપૂર્ણ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પંચકુલાના ડીસીપી હિમાદ્રી કૌશિકે ગુરુવારે મૌલી ગામની મુલાકાત લઈને કાયદો વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરી હતી. ડીસીપીએ ગામમાં એક હંગામી પોલીસ ચોકી સ્થાપવાનો આદેશ આપ્યો છે. હાલમાં ગામમાં 100 થી વધુ પોલીસકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે. ગામમાં અને તેની આસપાસ સાત ચેકપોસ્ટ બનાવવામાં આવી છે. પરિસ્થિતિને નિયંત્રણમાં રાખવા માટે વરિષ્ઠ અધિકારીઓને પણ સ્થળ પર તૈનાત કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો: ‘ઈસ કમબખ્ત મુલ્ક મેં ચમાર કભી Prime Minister નહીં બન સકતા..’