ભરત દેવમણી
Phule Review: “હમારા દેશ એક ભાવુક દેશ હૈ, યહાં ધર્મ ઔર જાતિ કે નામ પર લોગોં કો લડાના બડા હી સરળ હૈ. યહ ભવિષ્ય મેં ભી હોગા. ઔર ભી બાધાયેં આયેગી. બસ ક્રાંતિ કી ઇસ જ્યોત કો જલાયે રખના. યહી આપ કો સહી રાહ દિખલાયેગી.”
મહાન સમાજ સુધારક મહાત્મા જ્યોતિબા ફૂલે અને સાવિત્રીબાઈ ફૂલે ના જીવન પર આધારિત “ફૂલે” ફિલ્મ તમામ અટકળો અને વિરોધ બાદ દેશનાં સિનેમાઘરોમાં રિલીઝ થઈ ચૂકી છે. ફિલ્મમાં જ્યોતિબા ફૂલેના આ અંતિમ શબ્દો છે જે આજના સમયના પરિપ્રેક્ષ્યમાં પણ એટલાં જ સાચા છે.
મસાલા ફિલ્મથી એકદમ “હટકે” આ ફિલ્મ તમારા બાળકો, સગીરો અને આવનારી પેઢીને અચૂક બતાવો. કોઈને નીચા બતાવવા માટે નહીં પરંતુ એ બતાવવા માટે કે આપણા દેશમાં ભૂતકાળમાં શું બન્યું હતું અને આજે આપણે ક્યાં પહોચ્યા છીયે. દરેક દેશનું બાળક તેના દેશની તબક્કાવાર વિકાસની પ્રક્રિયાથી અવગત હોવું જોઈએ. ફિલ્મ નખશિખ કલાત્મક બની છે. અનંત મહાદેવનનું દિગ્દર્શન શ્રેષ્ઠ છે. તેનું કાસ્ટિંગ જોરદાર છે. જ્યોતિબા ફૂલેના પાત્રમાં પ્રતીક ગાંધીએ અફલાતૂન અભિનય કર્યો છે. જ્યોતિબા ફૂલેનું પાત્ર એવું નિભાવ્યું છે કે તેમની આગળની ફિલ્મોનો અભિનય ભુલાઈ જવાય.
આ પણ વાંચો: અમદાવાદમાં ‘Phule’ ફિલ્મનો શો બમ્પર હાઉસફૂલ થયો
પત્રલેખા આબેહૂબ સાવિત્રીબાઈ ફૂલે લાગે છે. અનંત મહાદેવનની સ્ક્રિપ્ટ આડેઅવળે ક્યાંય ફંટાયા વગર પોતાના લક્ષ્ય તરફ આગળ વધે છે. મુઆઝમ બેગના સંવાદ સચોટ છે. એક દ્રશ્યમાં જ્યોતિબા ફૂલે કહે છે, “અમારો વિરોધ કોઈ બ્રાહ્મણ સાથે નથી પણ એ વ્યવસ્થા સામે છે જેણે અમને અછૂત બનાવીને અમારો સમાનતાનો અધિકાર છીનવી લીધો.”
ફૂલે દંપતિને આઝાદીના આંદોલનમાં જોડાવા માટે કહેવામાં આવે છે ત્યારે તે કહે છે, “અંગ્રેજો જતા રહેશે પણ તમે એમની જગ્યા લઈ લેશો. તમને પણ એ જ જોઈએ છે ને જે અંગ્રેજોને જોઈએ છે- સત્તા? કરી દો અમને આ ગુલામીમાંથી આઝાદ, પછી સાથે મળીને લડીશું અંગ્રેજો સામે.”
સસરા ગોવિંદરાવના સાવિત્રીબાઈના નિસંતાન હોવાના મહેણા માર્યા પછી અગ્નિસંસ્કાર કોણ કરશે એવા પ્રશ્નના જવાબમાં સાવિત્રીબાઈ ખુમારીથી કહે છે, “ચિંતા ન કરો, અમારી ચિતાને અગ્નિ આપવા સેંકડો બાળકો હશે.”
“ફૂલે” ફિલ્મ એ પેઢી માટે છે જેમણે શાળામાં ક્યારેય જ્યોતિરાવ ફૂલે અને સાવિત્રીબાઈ ફૂલેનું નામ પણ સાંભળ્યું નથી. આ ફિલ્મ એ બેટીઓ માટે છે જેમને આજે પણ શિક્ષણ મેળવવા લડવું પડે છે. આ ફિલ્મ એવા યુવાનો માટે છે જેઓ જૂઠા ઈતિહાસની ગુલામી કરવા માંગતા નથી. આ ફિલ્મમાં વિદ્રોહ છે, સંઘર્ષ છે. દલિતોને કૂવામાંથી પાણી ભરવાની મનાઈ ફરમાવનાર સામાજિક વ્યવસ્થાને ચેલેન્જ આપીને પોતાના આંગણામાં જ દલિતો માટે આગવો કૂવો ખોદાવનાર ફૂલે દંપતીના સામાજિક બળવાની કહાની છે. “ગુલામગીરી” લખ્યા બાદ જ્યોતિબા ફૂલે કહે છે, “આ પુસ્તક મેં બ્રાહ્મણ સમાજને નીચો બતાવવા માટે નહીં પણ મારા સમાજને ઊંચો ઉઠાવવા લખ્યું છે. આશા રાખું છું કે આવનારી પેઢી તેને વાંચશે અને અધર્મ આધારિત પાખંડથી બચતી રહેશે.જેનો શિકાર સદીઓથી શોષિત સમાજ રહ્યો છે.”
નાની ઉમરમાં વિધવા બનનાર કાશીને કોઈ સગાએ ગર્ભવતી કરી ત્યારે સાવિત્રીબાઈ તેના બાળકને દત્તક લે છે અને તેને યશવંત નામ આપે છે અને પોતાનો વારસદાર પણ બનાવે છે. સાવિત્રીબાઈ કાશીને કહે છે, “તું જે રીતે જીવવા માંગતી હોય તે રીતે જીવી શકે છે. તારે પુનર્વિવાહ કરવા હશે તો અમે તારી મદદ કરીશું.” આ એ સમયની હિંમત છે જ્યારે વિધવાના માથાના વાળ કાઢી નખાતા અને પુનર્લગ્નની તો કલ્પના જ નહોતી કરી શકાતી.
આ પણ વાંચો: દેશની પ્રખ્યાત કોલેજો પર સવર્ણોનો કબ્જો, દલિતો-આદિવાસીઓ ગાયબ
ફૂલે દંપતિને મારી નાખવા આવેલ વ્યક્તિને સાવિત્રીબાઈ સમજાવે છે, “અમે તમારા બાળકોના હાથમાં કલમ પકડાવવા માંગીએ છીએ, જેથી કરીને ભવિષ્યમાં કોઈ તેમને પૈસા આપીને તેમના હાથમાં ચપ્પુ ન પકડાવી શકે” ફિલ્મમાં નિર્દેશકે હિંમત દાખવીને કેટલાયે પ્રસંગો સચોટ રીતે રજૂ કર્યા છે. પેરાલિસિસને લીધે પથારીવશ થયેલ જ્યોતિબાને બાકી રહી ગયેલા કાર્યોની ચિંતા સતાવે છે. ઘણું કરવાનું બાકી છે અને સમય ઘણો ઓછો છે. કોઈ યુદ્ધથી ઓછું નથી આ.
આકાશ તરફ જોઈને ઈશ્વરને કહે છે, “અહીં તો મંદિરના દરવાજા હંમેશા અમારા માટે બંધ જ રહ્યા, તમે તો દરવાજો ખોલશો ને!”
ફિલ્મ શરૂ થાય એ પહેલા એવું લાગતું હતું કે વિરોધ અને સેન્સર બોર્ડના કટને લીધે ફિલ્મમાં ઘણા બધા સત્યો કપાઈ જશે પણ આશ્ચર્ય વચ્ચે એવું જરાયે ન લાગ્યું. સેન્સર બોર્ડે જે કટ સૂચવેલા તેમાં “માંગ,” “મહાર”, પેશ્વા” “મનુની વર્ણવ્યવસ્થા” જેવા શબ્દો દૂર કરવાની બાબત હતી. જે દૂર કરાયા છે.
દલિત માણસ કમરે ઝાડુ બાંધીને જાય છે એ પણ કાપવાનું હતું પણ દિગ્દર્શકે એ દ્રશ્યને બીજી રીતે સિફતપૂર્વક બતાવ્યું છે. સાવિત્રીબાઈ પતિને અગ્નિદાહ આપે છે એ દ્રશ્ય પ્રેક્ષકોને સ્પર્શી જાય છે. કારણ કે હજારો વર્ષના ઇતિહાસમાં કદાચ પહેલીવાર કોઈ મહિલાએ તેના પતિની ચિતાને અગ્નિદાહ આપ્યો હશે. તે સમયની રૂઢિવાદી વ્યવસ્થાને જોતાં ખૂબ જ ક્રાંતિકારી કહી શકાય.
જ્યોતિબા ફૂલે અને સાવિત્રીબાઈ ફૂલેના જીવનમાં બે વ્યક્તિઓનો ફાળો મહત્વનો રહ્યો હતો: ફાતિમા શેખ અને તેમના ભાઈ ઉસ્માન શેખ. ડર હતો કે આ બંને જણાને ફિલ્મમાં સમાવાશે કે નહીં. પરંતુ ફિલ્મકારે ફાતિમા શેખ અને ઉસ્માન શેખ બંને ના પાત્રોને યોગ્ય ન્યાય આપ્યો છે. આ બંને એવી વ્યક્તિઓ છે જેમણે ભારતની સર્વપ્રથમ કન્યા શાળા શરૂ કરવામાં પોતાના ઘરની જગ્યા આપીને ઐતિહાસિક કાર્ય કર્યું હતું. ફાતિમા શેખ દેશનાં પ્રથમ મુસ્લિમ શિક્ષિકા હતા. ફાતિમા શેખ અને ઉસ્માન શેખ વગર ફૂલે દંપતિનું જીવન વૃત્તાંત અધૂરું છે. ફૂલે દંપતિના સામાજિક અને શૈક્ષણિક સુધારાઓના કાર્યમાં તાત્યા ભીડે અને વિષ્ણુ પંત (બ્રાહ્મણ) નો પણ અમૂલ્ય ફાળો હતો.
‘Phule’ ફિલ્મમાં કેટલીક બાબતો સમાવાઈ નથી. જેમકે, જ્યોતિબા ફૂલેને અંગ્રેજી શાળામાં દાખલ કરાવવા માટે અને ઉસ્માન શેખની ઓળખાણ કરાવવા માટે મુનશી ગફારના યોગદાનને ભૂલી શકાય તેમ નથી. ફિલ્મમાં મુનશી ગફારનો ઉલ્લેખ નથી. જ્યોતિબા ફૂલેએ છત્રપતિ શિવાજી મહારાજની સમાધિને રાયગઢ પાસેથી શોધી કાઢી હતી તેનો પણ ઉલ્લેખ નથી. છત્રપતિ શિવાજી મહારાજ પર સૌપ્રથમ પોવાડા લખનાર જ્યોતિબા ફૂલે હતા. શિવાજી મહારાજની મહારાષ્ટ્રમાં જન્મજયંતીની ઉજવણી શરૂ કરનાર પણ જ્યોતિબા ફૂલે હતા તે પણ દર્શાવ્યું નથી. ફિલ્મમાં કહેવાતા સવર્ણોની દીકરીઓને પણ શાળામાં ભણાવવામાં આવતી તે સ્પષ્ટ થતું નથી.
આમ છતાં, ફિલ્મ એક ક્લાસિક રચના બની છે તેમાં કોઈ શંકાને સ્થાન નથી. ફિલ્મમાં ગીતોએ પ્રસંગોને અનુરૂપ વાતાવરણ પેદા કર્યું છે. “સાથી, સાથી, હર જીવન કે હમ સાથી” ખુબ જ સુંદર રીતે આલેખાયું છે. “ધૂન લાગી રે આઝાદી કી ધૂન લાગી” ગીત જુસ્સો ઉભો કરે છે. ‘કેરાલા સ્ટોરી’ ‘કાશ્મીર ફાઇલ્સ’, ‘છાવા’, ‘ધી એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર’ જેવી પ્રોપેગેંડા ફિલ્મોને સેન્સર સર્ટિફિકેટ અને ટેક્સ ફ્રી પણ સરળતાથી મળી જાય છે પણ “ફૂલે” જેવી ઐતિહાસિક સત્ય ધરાવતી ફિલ્મને સર્ટિફિકેટ મેળવવામાં તકલીફ પડે તે વિડંબણા છે. જ્યોતિબા ફૂલે અને સાવિત્રીબાઈ ફૂલેને ભારતીય ઇતિહાસમાં એવું સ્થાન મળ્યું નથી જેના તેઓ હકદાર હતા. જોકે હવે બહુજન સમાજની જાગરૂકતાને લીધે ધીરે ધીરે આ બહુજન નાયકો કાળની ગર્તામાંથી બહાર આવી રહ્યા છે. ફાતિમા શેખ જેવા મહાન નાયિકા પણ ભારતીય ઇતિહાસમાંથી ગાયબ કરી દેવાયા છે. ફાતિમા શેખ અને ફૂલે દંપતીએ ખભેખભા મિલાવીને ભારતમાં મહિલા શિક્ષણનો પાયો નાખ્યો હતો.
“ફૂલે” એક સંવેદનશીલ ફિલ્મ છે. ફિલ્મને જોકે થિયેટર્સ ઓછા મળ્યા છે પણ જે રીતે આ ફિલ્મને કંડારી છે તે જોતા આ ફિલ્મ નૅશનલ એવોર્ડ મેળવવાને લાયક છે. તેને ટેક્સ ફ્રી પણ કરી દેવી જોઈએ. પરિવાર સાથે સહુએ એક વાર તો આ ફિલ્મ જોવી જ જોઈએ.
(લેખક આકાશવાણી સમાચાર, અમદાવાદના ઉપનિર્દેશક અને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ પત્રકાર સંઘ (અજાજ મીડિયા)ના મહામંત્રી છે.)
*આયુ.અનંત મહાદેવન, પ્રતિક ગાંધી, મુઆઝમ બેગ અને ભરત દેવાણી આપ સૌએ “ફુલે” ફિલ્મને સફળતાનાં
શિખરો સર કરાવ્યા છે, તે બદલ સૌને સપ્રેમ જયભીમ સાથે ખુબ ખુબ ધન્યવાદ સાધુવાદ!