ગઈકાલે બુદ્ધ પૂર્ણિમા નિમિત્તે ભારત સહિત દુનિયાભરમાં તથાગત ગૌતમ બુદ્ધના જન્મદિવસની અલગ અલગ રીતે ઉજવણી કરવામાં આવી હતી, ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના નાનકડા ગામ ઉંટડીમાં એક સુંદર કાર્યક્રમ યોજાયો હતો. અહીં દલિત-બહુજન સમાજના લોકોએ સાથે મળી બપોરે સમૂહ ભોજનનો કાર્યક્રમ યોજ્યો હતો અને સાંજે Phule ફિલ્મનું જાહેરમાં સ્ક્રીનીંગ કરવામાં આવ્યું હતું. જેનો બાળકોથી લઈને વડીલો સુધીના સૌ કોઈએ મોટી સંખ્યામાં હાજર રહીને લાભ લીધો હતો.
ઉઁટડી ગામના સમસ્ત અનુસૂચિત જાતિ સમાજના યુવાનો દ્વારા તા. 11 મે 2025ને રવિવારના રોજ બુદ્ધ પૂર્ણિમાની પૂર્વ સંધ્યાએ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સમૂહ ભોજન અને બાદમાં ફૂલે ફિલ્મ બતાવવાનું નક્કી થયું હતું.
મહિલાઓએ બાબાસાહેબ અને બુદ્ધને પુષ્પાંજલિ અર્પણ કરી
રવિવારે મધર્સ ડે હોવાથી કાર્યક્રમની શરૂઆતમાં દલિત વાસની મહિલાઓ દ્વારા ડો.આંબેડકર અને તથાગત ગૌતમ બુદ્ધની તસવીરને પુષ્પાંજલિ અને ફૂલહાર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ સમાજના વડીલો દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમ ખૂલ્લો મૂકવામાં આવ્યો હતો. કાર્યક્રમની શરૂઆતમાં કરૂણા મંદિર બૌદ્ધ વિહાર મોટા અંકેવાળિયાથી આવેલા ચંદ્રપાલ બૌદ્ધ દ્વારા પંચશીલ અને બુદ્ધ વંદનાનું સામૂહિક સંઘગાન કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો: ગુજરાતના પાઠ્યપુસ્તકમાં બુદ્ધ અને બુદ્ધિઝમ પર ભયંકર જુઠ્ઠાણાં છપાયા
ઓબીસી સમાજના પૂર્વ સરપંચે બુદ્ધ અને બાબસાહેબની સમજ આપી
એ પછી ઓબીસી સમાજમાંથી આવતા ગામના પૂર્વ સરપંચ મગનભાઈ દ્વારા ગૌતમ બુદ્ધ અને બાબાસાહેબ વિશે સમજ આપવામાં આવી હતી.

એ પછી ગામની શાળાના શિક્ષક દંપતી હસુભાઈ અને મીનાબહેન દ્વારા અભ્યાસ કરતા સમાજના વિદ્યાર્થીઓને ચોપડા અને પેનનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ સૌએ સાથે મળીને ભોજન લીધું હતું.
પહેલીવાર દલિતવાસમાં પ્રોજેક્ટર પર ફિલ્મ બતાવાઈ
સમૂહ ભોજન બાદ યુવાનો દ્વારા લાવવામાં આવેલા પ્રોજેક્ટર પર જ્યોતિબા ફૂલે અને સાવિત્રીબાઈ ફૂલેના જીવન પર આધારિત ફૂલે ફિલ્મ બતાવવામાં આવી હતી. જેનો મોટી સંખ્યામાં બાળકો, મહિલાઓ અને વડીલોએ લાભ લીધો હતો. રાત્રે 12 વાગ્યે તથાગત બુદ્ધની જન્મજયંતિ નિમિત્તે ઉપસ્થિત સૌને પ્રસાદરૂપે ખીર આપવામાં આવી હતી. આ પહેલો પ્રસંગ હતો જ્યારે દલિતવાસના લોકોએ પ્રોજેક્ટર પર ફિલ્મ નિહાળી હતી.
ક્રિકેટના મેદાનમાં વિચાર આવ્યો અને અમલ કર્યો
આમ સમાજ જાગૃતિ માટેનો પ્રથમવારનો પ્રયત્ન ખૂબ જ સફળ રહ્યો હતો. કાર્યક્રમને સફળ બનાવવા માટે ઉંટડીના દલિત સમાજના યુવકોએ સાથે મળીને ભારે જહેમત ઉઠાવી હતી. આ કાર્યક્રમનો વિચાર ક્રિકેટ રમતી વખતે યુવાનોને આવ્યો હતો અને તરત તેના પર સૌ સહમત થયા હતા.
ઉંટડીના ભરતભાઈ, જયંતીભાઈ, બીપીનભાઈ, હસુભાઈ, અમિતભાઈ, બાવલભાઈ, મયૂરભાઈ, અશોકભાઈ, સાગરભાઈ, કેશુભાઈ, નીતિનભાઈ, મુકેશભાઈ, પરેશભાઈ અને ભાવિનભાઈ સહિતના યુવાનો ખડેપગે સેવામાં હાજર રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન નરેશભાઈ ચાવડા અને બળવંતભાઈ ચાવડા દ્વારા કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો: અમદાવાદમાં ‘Phule’ ફિલ્મનો શો બમ્પર હાઉસફૂલ થયો
Jay Bhim Namo Budhdhay
Superb