જાતિવાદ માત્ર આર્થિક, સામાજિક, રાજકીય સહિતની દુનિયામાં જ જોવા મળે છે તેવું નથી. ડિજિટલ ક્ષેત્રે પણ જાતિવાદ એટલો જ જામેલો છે અને તેનું ઉદાહરણ ચેક કરવું હોય તો ઓપન સોર્સ ગણાતા Wikipedia પર જવું પડે. એક્ટિવિસ્ટ રાજુ સોલંકીએ કરેલા ચેકિંગ મુજબ તેમણે જ્યારે ગૂગલ પર ‘ગુજરાતી સાહિત્યકારો’ની યાદી એમ લખીને સર્ચ કર્યું તો તેમને સૌથી પહેલી લિંક Wikipedia ની મળી હતી. જેમાં તેમણે ચેક કર્યું તો ખ્યાલ આવ્યો કે, ગુજરાતી સાહિત્ય અકાદમી, ગુજરાતી સાહિત્ય પરિષદની જેમ Wikipedia માં પણ ગુજરાતી સાહિત્યકારોની યાદીમાંથી દલિત કવિઓ-લેખકોના નામ ગાયબ છે. સમ ખાવા પુરતા બે નામો જોસેફ મેકવાન અને માવજી મહેશ્વરીના જોવા મળે છે.
જ્યારે દિગ્ગજ દલિત સાહિત્યકારો દલપત ચૌહાણ, મોહન પરમાર, હરીશ મંગલમ, પ્રવીણ ગઢવી ઉપરાંત દલિત કવિઓ નીરવ પટેલ, સાહિલ પરમાર, શંકર પેન્ટરમાંથી પણ કોઈનું નામ આ યાદીમાં જોવા મળતું નથી. જે પહેલી નજરે જ યાદી તૈયાર કરનાર જાતિવાદથી ગ્રસ્ત હોય તેમ જણાય છે.
રાજુ સોલંકીએ શું કહ્યું?
એક્ટિવિસ્ટ રાજુ સોલંકીએ khabarantar.in સાથે વાત કરવા જણાવ્યું હતું કે, કહેવા માટે તો વીકિપીડિયા એક ઓપન સોર્સ પ્લેટફોર્મ છે પરંતુ તેના ઉપર પણ જાતિવાદ હાવી હોય તેમ જણાય છે. અગાઉ એક ઓબીસી મિત્રે કેટલાક લેખકો-કવિઓના નામો તેમાં ઉમેરવા પ્રયત્ન કર્યો હતો પરંતુ તે કવિ-લેખકોનો આ વીકિપીડિયાની યાદીમાં સમાવેશ થઈ શક્યો નહોતો. એનો અર્થ એવો થાય કે કોઈ તો છે, જે આ ગુજરાતી સાહિત્યકારોની યાદીને મેનેજ કરે છે.
આ પણ વાંચો: સરપંચ પતિપ્રથા મહિલા અનામતના હેતુને નબળો પાડે છે
ડિજિટલ માધ્યમનો કોઈ ચહેરો નથી અને તે જ સમસ્યા છેઃ રાજુ સોલંકી
રાજુ સોલંકી વધુ એક ઉદાહરણ આપતા કહે છે કે, વિખ્યાત ગાયકની જાતિ વિશે વીકિપીડિયામાં અપડેટ મોકલ્યું હતું પરંતુ તેણે તે સુધારો સ્વીકાર્યો નહોતો. તેઓ વધુમાં જણાવે છે કે, પ્રિન્ટ, ઈલેક્ટ્રોનિક મીડિયાની માલિકીને લઈને આપણને તેના ચહેરાનો ખ્યાલ હોય છે અને આપણને કોઈ બાબતે વાંધો હોય તો આપણે તેમને સીધી કે આડકતરી રીતે ફરિયાદ કરી શકીએ છીએ. પણ ડિજિટલ માધ્યમમાં, ખાસ કરીને વીકિપીડિયા બાબતે કોઈ સમસ્યા હોય તો તેની સામેનો વાંધો કોની સામે પ્રગટ કરવો? કેમ કે આપણને તેના પ્રાદેશિક અધ્યક્ષની પણ ખબર નથી.
“આ ગંભીર બાબત કહેવાય, વીકિપીડિયાને મેઈલ કરીશું” – ભરત દેવમણી
આકાશવાણી સમાચાર અમદાવાદના પૂર્વ ઉપનિર્દેશક અને ગુજરાત અનુસૂચિત જાતિ-જનજાતિ મીડિયા સંઘના મહામંત્રી ભરત દેવમણી આ બાબતને ખૂબ જ ગંભીર ગણાવે છે. તેમના મતે આ બાબતે દલિત સમાજના જાગૃત અને જાણકાર લોકોએ વીકિપીડિયાને આ બાબતે ઈ મેઈલથી ફરિયાદ કરવી જોઈએ. જો તેમ છતાં પણ તેઓ આ યાદીને અપડેટ ન કરે તો તેની સામે કાયદાકીય પગલાં પણ લેવા જોઈએ. બહુજન સાહિત્યકારો, કવિઓએ પણ આ પ્રકારના ડિજિટલ જાતિવાદ સામે અવાજ ઉઠાવવો જોઈએ. જો તેમ છતાં પણ તેમાં કોઈ સુધારો ન થાય તો પછી કાયદાકીય લડત લડવામાં પણ પાછી નહીં કરીએ.
“દલિત કવિ-લેખકોએ આ બાબતે ધ્યાન આપવું પડશે”- દલપત ચૌહાણ
દિગ્ગજ દલિત લેખક, નવલકથાકાર, વાર્તાકાર દલપત ચૌહાણ વીકિપીડિયાની યાદીમાંથી દલિત કવિ-લેખકોની બાદબાકી બાબતે ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, જો ડિજિટલ પ્લેટફોર્મ પર પણ ગુજરાતી સાહિત્યકારોની યાદીમાંથી દલિત કવિ-લેખકોના નામ ગાયબ થઈ ગયા હોય તો તે ચિંતાજનક બાબત છે. જો આ બાબતે કોઈ આગળ જઈને વીકિપીડિયાને ફરિયાદ કરવા માંગતું હોય તો તેમાં મારો સહકાર ગણવો. આ બાબતે અન્ય કવિ-લેખકોને પણ જાણ કરવી જોઈએ, જેથી તેઓ પણ તેમની મત વ્યક્ત કરી શકીએ.
આ પણ વાંચો: ધંધુકામાં પહેલીવાર દલિત મહિલાઓએ સમાજનું બંધારણ ઘડ્યું
આજનું Wikipedia અને ગાંધી પિક્ચર” જેમ કે ડો.બાબાસાહેબની પૃષ્ઠ ભૂમિકા સિવાય પિક્ચર અધૂરૂ છે! તેવું જ જાતિવાદી માનસિકતા ધરાવતું ગુજરાતનું “સાહિત્ય જગત” છે!. જયભીમ નમો બુદ્ધાય!