આંધ્રપ્રદેશના કડપ્પા જિલ્લામાં એક ત્રણ વર્ષની દલિત બાળકીની દુષ્કર્મ આચર્યા બાદ હત્યા કરી દેવામાં આવી છે. 23મી માર્ચે યોજાયેલા એક લગ્નમાં પોતાના માતાપિતા સાથે આવેલી બાળકીને રહેમતુલ્લા નામનો 25 વર્ષનો યુવક મીઠાઈ ખવડાવવાની લાલચ આપી મંડપ પાછળ લઈ ગયો હતો. જ્યાં તેણે બાળકી પર દુષ્કર્મ ગુજાર્યું અને પછી ગળું દબાવીને તેની હત્યા કરી નાખી. ઘટનાની જાણ થતા કડપ્પા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.
પોલીસે શું કહ્યું?
ચકચારી આ કેસની માહિતી આપતા અધિક પોલીસ અધિક્ષક પ્રકાશ બાબુએ જણાવ્યું હતું કે, “23મી મેને શુક્રવારના રોજ બપોરે માયલાવરમ તાલુકાના કમ્બલાદિન્ને ગામના રહેવાસી રહમતુલ્લા નામના યુવકે કથિત રીતે એક દલિત બાળકી પર દુષ્કર્મ આચર્યું હતું અને પછી તેની હત્યા કરી હતી. આરોપી હાલમાં પોલીસ કસ્ટડીમાં છે.”
આ પણ વાંચો: સવર્ણોની ધમકી બાદ પોલીસ સુરક્ષા વચ્ચે દલિતનો વરઘોડો નીકળ્યો
પોલીસના જણાવ્યા અનુસાર, પ્રોદ્તુરુની રહેવાસી મૃતક બાળકીના માતા-પિતા કડપા જિલ્લાના કમ્બલાદિન્ને ગામમાં એક સંબંધીને ત્યાં લગ્નમાં હાજરી આપવા માટે ગયા હતા. આરોપી યુવક રહેમતુલ્લાહ કમ્બલાદિન્ને ગામનો જ રહેવાસી છે.
મીઠાઈની લાલચ આપીને પોતાની સાથે લઈ ગયો
પોલીસના જણાવ્યા પ્રમાણે ત્રણ વર્ષની બાળકી તેના માતાપિતા સાથે લગ્નમાં આવી હતી અને મંડપ પાસે રમી રહી હતી. એ દરમિયાન આરોપી રહેમતુલ્લાહે તેને મીઠાઈની લાલચ આપીને પોતાની પાસે બોલાવી. ત્યારબાદ તે બાળકીને મંડપની પાછળ લઈ ગયો અને ત્યાં તેની પર બળાત્કાર ગુજાર્યો અને પછી તેનું ગળું દબાવીને હત્યા કરી દીધી.
આરોપી વિરુદ્ધ પોક્સો અને એટ્રોસિટી એક્ટ હેઠળ કેસ નોંધાયો
આ કેસમાં, અધિક પોલીસ અધિક્ષક પ્રકાશ બાબુએ જણાવ્યું હતું કે, “પોલીસે આરોપી રહેમતુલ્લાહની ધરપકડ કરી છે અને તેની સામે અનુસૂચિત જાતિ-અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમ (SC-ST એક્ટ) અને જાતીય ગુનાઓથી બાળકોના રક્ષણ અધિનિયમ (POCSO એક્ટ) હેઠળ કેસ નોંધ્યો છે. ઘટનાને લઈને સ્થાનિકોમાં રોષ છે અને તેઓ આરોપીને કડકમાં કડક સજા થાય તેવી માંગ કરી રહ્યાં છે.
આ પણ વાંચો: શેત્રુજીમાં ડૂબાયેલા 4 દલિત યુવકોના મૃતદેહ સાથે ભેદભાવ