મીતલીમાં વણકરોના કૂવામાં ગંદકી ફેંકવા મુદ્દે કેબિનેટ મંત્રીને રજૂઆત

ખંભાતના મીતલીમાં વણકરોના કૂવામાં અસામાજિક તત્વો દ્વારા શૌચ કરી જવા મામલે સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રીને રજૂઆત કરાઈ છે.
mitali news

ખંભાતના મીતલી ગામમાં વણકરોના પીવાના પાણીના કૂવામાં અસામાજિક તત્વોએ મળ-મૂત્ર નાખીને ભરઉનાળે પાણીની સમસ્યા ઉભી કરી છે. આ ઘટનાને લઈને સમગ્ર પંથકમાં હોબાળો મચી ગયો છે. 100 જેટલા દલિત પરિવારોને પીવાના પાણીની મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે હવે ગામના સરપંચે આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવી હોવાનું જાણવા મળ્યું છે. મીતલી ગામના સરપંચે આ મામલે અજાણ્યા ઇસમો વિરુદ્ધ પોલીસ મથકે લેખિત ફરિયાદ નોંધાવી છે. સાથે જ કૂવાની સફાઈ કરાવવાની બાહેંધરી આપી છે.

mitali news

આ સાથે જ સામાજિક કાર્યકર કિરીટ રાઠોડ દ્વારા સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી ભાનુબેન બાબરીયા અને વિભાગના અગ્રસચિવ, આણંદના કલેક્ટર સહિતના ઉચ્ચ અધિકારીઓને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે. દલિત સમાજના આગેવાનોએ જવાબદારોની ધરપકડની માગ કરી છે. જો આરોપીઓને વહેલી તકે પકડવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચેતવણી આપી છે.

મંત્રી ભાનુબેન બાબરીયાને લેખિત ફરિયાદ કરાઈ છે

મીતલી ગામમાં દલિત સમાજને પીવાના પાણીની સમસ્યા મુદ્દે વીરમગામના સામાજિક કાર્યકર કિરીટ રાઠોડે સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી ભાનુબેન બાબરીયા, વિભાગના અગ્ર સચિવ, અનુસૂચિત જાતિ કલ્યાણ વિભાગના નિયામક સહિત ઉચ્ચ અધિકારીઓને લેખિત પિટિશન દાખલ કરવામાં આવી હતી, જેને ધ્યાને લઈને નિયામક શ્રી અનુસૂચિત જાતિ કલ્યાણ ખાતા તેમજ તકેદારી અધિકારી વડોદરા દ્વારા જિલ્લા કલેકટર આણંદ અને જિલ્લા પોલીસ વડા આણંદ ને પત્ર લખી સમગ્ર બનાવને લઈને તપાસ કરવા તેમજ જરૂરી કાર્યવાહી કરી અહેવાલ માંગવામાં આવ્યો છે.

આ પણ વાંચો: દલિત યુવકે માટલામાંથી પાણી પીતા સવર્ણ દુકાનદારોએ માર માર્યો

આ બાબતે કિરીટ રાઠોડ દ્વારા વડગામના ધારાસભ્ય શ્રી જીગ્નેશભાઈ મેવાણી ને પણ રજૂઆત કરી હતી અને તેમણે પણ આણંદ જિલ્લા પોલીસ વડાને ટેલીફોનિક સૂચના આપીને કાર્યવાહી કરવાની વાત કરી હોવાનું જાણવા મળ્યું છે.

મીતલીમાં દલિતો સવર્ણોના કૂવામાંથી પાણી ભરી શકતા નથી

દલિતોને મળતી અનામત વ્યવસ્થાનો આર્થિક આધાર પર વિરોધ કરતા જાતિવાદી તત્વો જ્યારે દલિતો સાથે રાખવામાં આવતા ભેદભાવની વાત આવે ત્યારે મૌન થઈ જાય છે. તેઓ જેટલી આક્રમકતાથી દલિતોને મળતી અનામતનો વિરોધ કરે છે, તેના પોણા ભાગનો વિરોધ પણ દલિતો સાથે રાખવામાં આવતી અસ્પૃશ્યતા, ભેદભાવ મુદ્દે નથી કરતા. આજની તારીખે પણ ગુજરાતના અમુક અપવાદોને બાદ કરતા મોટાભાગના ગામોમાં દલિતોને સવર્ણ હિંદુઓના કૂવેથી પાણી ભરવા દેવામાં આવતું નથી. મીતલી ગામમાં પણ દલિતો સાથે આવો જ ભેદભાવ રાખવામાં આવે છે. ગામના અન્ય સમાજના કૂવાઓમાં દલિત સમાજના લોકોને પાણી ભરવા દેવામાં આવતું નથી. દલિતોના કૂવામાં જાતિવાદી તત્વો દ્વારા ફેલાવાતી ગંદકીથી તેમને પીવાનું પાણી મેળવવા માટે પણ કૂવાની ચોકી કરવી પડે તેવી સ્થિતિ છે. વારંવાર થતી આ પ્રકારની ગંદકીથી સ્થાનિક રહીશોમાં રોષ ફેલાયો છે. આરોગ્યને જોખમ ઊભું થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

mitali news

મીતલી ભાજપના પૂર્વ ધારાસભ્યનું પૈતૃક ગામ છે

ચૂંટણી આવે ત્યારે દલિતોના હામી હોવાનું અને તેમના દુઃખમાં પોતે પણ દુઃખી હોવાનું ગાણું ગાતા સત્તાધારી ભાજપ અને તેના નેતાઓ સવર્ણ હિંદુઓ દ્વારા દલિતો પર કરવામાં આવતા અત્યાચારો મુદ્દે મૌન ધારણ કરીને બેસી જાય છે. આવું જ કંઈક મીલતી ગામની આ ઘટના મુદ્દે પણ જોવા મળી રહ્યું છે.

 

ભાજપ અને તેના નેતાઓના દલિતો મામલે બેવડા ધોરણો

મીતલી ભાજપના પૂર્વ ધારાસભ્ય મયુર રાવલનું પૈતૃક ગામ છે. પણ સવર્ણ હિંદુઓની રાજનીતિ કરતી ભાજપ અને તેના નેતા મયુર રાવલ પોતાના જ ગામમાં દલિતો પ્રત્યે સવર્ણ હિંદુઓ દ્વારા રાખવામાં આવતા આ ભેદભાવને દૂર કરવામાં જરાય રસ નથી ધરાવતા. કરોડોના વિકાસ કાર્યોના બણગાં ફૂંકતા ભાજપના નેતાઓ તેમના ખુદના ગામમાં આઝાદીના 75 વર્ષ પછી પણ દલિતો સાથે રાખવામાં આવતી આભડછેટને દૂર કરી શક્યા નથી. જે બતાવે છે કે ભાજપ અને તેના સવર્ણ હિંદુ નેતાઓનો દલિતપ્રેમ સૌથી મોટો દંભ છે.

mitali news

ભાલ પંથકના દલિતોમાં રોષ

મીતલી ગામમાં બનેલી આ ઘટનાથી સમગ્ર ભાલ પંથકના દલિતોમાં રોષ ફેલાયો છે. વારંવાર દલિતો સાથે રાખવામાં આવતા ભેદભાવો બાદ હવે તેમના કૂવામાં પણ અસામાજિક તત્વો દ્વારા ગંદકી ફેંકી જવા મુદ્દે દલિતો ન્યાય માંગી રહ્યાં છે. સ્થાનિક દલિતોએ તેમના કૂવાની ફરતે દીવાલ બનાવવાની માગ કરી છે. સરપંચે ફરિયાદ તો નોંધાવી છે પરંતુ ગુજરાતનો અત્યાર સુધીનો દલિત અત્યાચારનો ઈતિહાસ નજર સામે રાખીને જોતા આરોપીઓને સજા થાય તેવી આશા રાખવી ઠગારી છે.

આ પણ વાંચો: કડાણામાં ના. મામલતદારે અડધા દિવસમાં 357 ST પ્રમાણપત્ર કાઢતા સસ્પેન્ડ

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
1 Comment
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
રવિરત્ન
રવિરત્ન
3 months ago

શું આ દેશમાં આપણું કોઈ અસ્તિત્વ જ નથી કે શું?
માણસ માટે પણ આટલું ઝેર, ખરેખર ભારત સરકાર શું ઇચ્છે છે, રાજ્ય સરકાર શું ઇચ્છે છે. શું સરકાર હવે એક નવું રાજ્ય કે દેશ બંને તેવું ઇચ્છે છે. પરીસ્થીતી દિવસે ને દિવસે બંદ થી બદતર થતી જાય છે.

શું તમે SC/ST એક્ટ હેઠળના કેસોની તપાસ અને સજાના દરથી સંતુષ્ટ છો?
1
0
Would love your thoughts, please comment.x
()
x