કડીના વણસોલમાં બુટલેગરે દલિત દંપતી પર જીવલેણ હુમલો કર્યો

બુટલેગર દલિત દીકરીની છેડતી કરતા દીકરીના માતાપિતાએ ઠપકો આપ્યો હતો. જેનાથી ઉશ્કેરાયેલા બુટલેગરે તેમને કારથી ઉડાવી દીધાં.
dalit news

જાતિવાદી તત્વોની લુખ્ખી દાદાગીરી માટે કુખ્યાત મહેસાણા જિલ્લાના કડી તાલુકાના વણસોલ ગામમાં દલિત અત્યાચારની વધુ એક ચોંકાવનારી ઘટના બની છે. અહીં નર્સિંગનો અભ્યાસ કરતી એક અનુસૂચિત જાતિ સમાજની દીકરીની ઠાકોર સમાજમાંથી આવતા એક બુટલેગર દ્વારા વારંવાર છેડતી કરવામાં આવતી હતી.

આથી દીકરીએ તેના પરિવારને આ બાબતની જાણ કરી હતી. એ પછી દીકરીના પિતા બુટલેગરને આ બાબતે ઠપકો આપવા માટે ગયા હતા. જેનાથી બુટલેગર ઉશ્કેરાઈ ગયો હતો અને દીકરીના પિતાને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારબાદ સાંજના સમયે જ્યારે દીકરીના પિતા તેની માતા સાથે બાઈક પર બેસીને બહારગામ જઈ રહ્યા હતા ત્યારે આરોપીએ નંબર પ્લેટ વિના કારમાં પોતાના સાગરિતો સાથે ધસી આવીને બાઈકને પાછળથી ફૂલ સ્પીડમાં આવીને ટક્કર મારી હતી. જેમાં દલિત દંપતી ઉછળીને પટકાયું હતું. આરોપીઓ કરેલા આ જીવલેણ હુમલામાં દીકરીના માતાપિતાને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જ્યાં તેમની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.

મામલો શું છે?

આ ઘટનાની મળતી વિગતો મુજબ મહેસાણાના કડી તાલુકાના વણસોલ ગામમાં રહેતા અનુસૂચિત જાતિ સમાજના મેલાભાઈ સેનમાની નર્સિંગમાં અભ્યાસ કરતી દીકરીની ગામમાં જ રહેતા બુટલેગર રાહુલજી બળદેવજી ઠાકોર દ્વારા વારંવાર હેરાનગતિ કરવામાં આવતી હતી. જેને લઈને મેલાભાઈ તા. 8-6-2025ના રોજ સવારે 11 વાગ્યા આસપાસ બુટલેગર રાહુલ ઠાકોરને ઠપકો આપવા ગયા હતા. જ્યાં રાહુલે તેમની સાથે માથાકૂટ કરીને તેમની સાથે મારામારી કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

dalit news

આરોપીએ કારથી એક્ટિવાને ટક્કર મારી જીવલેણ હુમલો કર્યો

એ પછી સાંજે 5:00 વાગ્યે મેલાભાઈ અને તેમના પત્ની કંચનબેન જેઓ આશાવર્કર તરીકે નોકરી કરે છે, તેઓ કામ અર્થે એક્ટિવા લઈને નર્મદા કેનાલથી કડી જવા માટે નીકળ્યા હતા. એ દરમિયાન બુટલેગર રાહુલ ઠાકોરે તેના બે સાગરિતો સાથે નંબર પ્લેટ વિનાની અલ્ટો કાર લઈને મેલાભાઈ અને કંચનબેનનો પીછો કરીને ખૂન કરવાના ઈરાદા સાથે તેમના એક્ટિવાને પાછળથી આવીને જોરદાર ટક્કર મારી હતી. જેનાથી દંપતી ઉછળીને રસ્તા પર પટકાયું હતું.

આ પણ વાંચો: મહાકુંભ ભાગદોડના મૃતકોના પરિવારોને હજુ સુધી વળતર ચૂકવાયું નથી

મેલાભાઈના પત્ની ચાર દિવસથી કોમામાં છે

આ ઘટનામાં કંચનબેન અને મેલાભાઈ ગંભીર ઇજાઓ થતા તેમને તાત્કાલિક સારવાર માટે કડીની ભાગ્યોદય હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બુટલેગર રાહુલ ઠાકોરે કરેલા આ જીવલેણ હુમલામાં મેલાભાઈ બચી ગયા છે પરંતુ તેમના પત્ની કંચનબેનને ગંભીર ઈજાઓ પહોંચી છે અને તેઓ છેલ્લાં ચાર દિવસથી ભાનમાં આવ્યા નથી.

મુખ્ય આરોપીની ધરપકડ, બે આરોપી ફરાર

આ ઘટનાની જાણ થતા નવસર્જન ટ્રસ્ટના કાર્યકરો દ્વારા તાત્કાલિક સ્થળ ઉપર મુલાકાત કરીને અને કડી તાલુકા પોલીસ સ્ટેશનમાં બી એન એસ ની કલમ 109 અને એટ્રોસિટી એકટ મુજબ ગુનો દાખલ કરાવી મુખ્ય આરોપીની ધરપકડ કરાવી છે. આ હુમલાના બે આરોપી હજુ પણ ફરાર છે. જે જગ્યા પર એક્ટિવા હતું તેનું પંચનામું કરવાનું હતું તે ગુમ થઈ ગયેલ છે.

dalit news

વણસોલ જાતિગત અત્યાચારો માટે કુખ્યાત ગામ

ઉલ્લેખનીય છે કે, વણસોલ જાતિ આધારિત અત્યાચારો માટે કુખ્યાત ગામ છે. અગાઉ અહીં દલિત અત્યાચારના ચાર જેટલા બનાવો બની ચૂક્યા છે. સૌથી પહેલા અનુસૂચિત જાતિ સમાજની એક દીકરી પર બળાત્કારનો કેસ નોંધાયો હતો. એ પછી એક દલિત વરરાજાનો વરઘોડો રોકી હુમલો કરવામાં આવ્યો હતો. આ વરઘોડાની જ અદાવત રાખીને એક દલિત યુવક પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. હવે ફરી એકવાર અહીં લુખ્ખા તત્વો દ્વારા અનુસૂચિત જાતિ સમાજના દંપતી પર હુમલો કરવામાં આવ્યો હતો. આ ત્રણેય કેસો મહેસાણા સેશન્સ કોર્ટમાં ચાલી રહ્યા છે.

મનુમીડિયાએ જાતિવાદી હુમલાની ઘટનાને અકસ્માત ગણાવી

હાલમાં કડીમાં વિધાનસભાની પેટા ચૂંટણી હોવાથી આ ઘટનાનું રાજકીય નુકસાન ન થાય તે માટે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ વણસોલના પીડિત પરિવારના કંચનબહેનના ખબરઅંતર પૂછવા માટે કડીની ભાગ્યોદય હોસ્પિટલ પહોંચી ગયા હતા. જો કે, આરોગ્યમંત્રીની મુલાકાત બાદ આ આખી ઘટનાને મનુમીડિયાએ અકસ્માતમાં ખપાવી દીધી છે. ત્યારે આ ઘટનામાં પીડિત પરિવારને ન્યાય મળે તે જરૂરી છે.

(વિશેષ માહિતીઃ ભરતભાઈ પરમાર, સામાજિક કાર્યકર, મહેસાણા)

આ પણ વાંચો: ‘તારે ફોન રેકોર્ડ કરવો હોય તો કરી લે, હું તને પતાવી દઈશ?’

4.5 2 votes
Article Rating
Subscribe
Notify of
guest
1 Comment
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
Soma parmar
Soma parmar
2 days ago

Aa sala harami ni paidash ne jail bhego karo ane aajivan jail ma nakho

ગ્વાલિયર હાઈકોર્ટ પરિસરમાં ડો.આંબેડકરની પ્રતિમા મૂકવાને લઈને તમે શું માનો છો?
1
0
Would love your thoughts, please comment.x
()
x