મધ્યપ્રદેશના રાયસેન જિલ્લામાં પશુઓની હેરફેર કરતા બે મુસ્લિમ ડેરી સંચાલકોને કથિત ગૌરક્ષકોએ આખી રાત ગોંધી રાખીને નિર્દયતાથી માર માર્યો હતો, જેમાં એકનું મોત થઈ ગયું છે. કથિત ગૌરક્ષકો સાથે બંને ડેરી સંચાલકોની બોલાચાલી થઈ હતી. આરોપ છે કે ગૌરક્ષકોએ બંનેને નિર્દયતાથી માર માર્યો હતો, ત્યારબાદ 35 વર્ષીય ડેરી સંચાલક જુનૈદ કુરેશીનું સારવાર દરમિયાન મોત થયું હતું. જ્યારે અન્ય યુવક અરમાન વેન્ટિલેટર પર છે. બંનેના પરિવારજનોનો આરોપ છે કે તેમને માર મારનારા ગૌરક્ષકોમાં ‘બજરંગ દળના કાર્યકરો’ પણ સામેલ હતા.
20-25 ગૌરક્ષકોના ટોળાંએ રોક્યા, આખી રાત માર માર્યો
ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ, જુનૈદ કુરેશી ભોપાલના જિન્સી વિસ્તારમાં ડેરીનો ધંધો કરતો હતો અને વિદિશામાં દૂધના વ્યવસાય સાથે સંકળાયેલો હતો. ઘટનાના દિવસે જુનૈદ કુરેશી અને અરમાન મેહરગાંવ ગામ નજીક એક પિકઅપ ટ્રકમાં સાત ગાયો અને એક બળદ લઈને જઈ રહ્યા હતા. તેમના પરિવારના સભ્યોનો આરોપ છે કે સાંચી અને રાયસેન વચ્ચે 20-25 ગૌરક્ષકોના ટોળાએ તેમનું વાહન રોક્યું હતું. એ પછી તેમણે બંનેને ગોંધી રાખી આખી રાત માર માર્યો હતો.
હુમલાખોરો 2 લાખ રૂપિયા પણ લૂંટી ગયાનો આક્ષેપ
જુનૈદ કુરેશીના પરિવારના એક સભ્ય મોહમ્મદ માઝ કુરેશીએ આરોપ લગાવ્યો છે કે, તેઓ ગાયોને ડેરીમાં લઈ જઈ રહ્યા હતા. ગૌરક્ષકોએ તેમને મેગૌનમાં રોક્યા અને આખી રાત માર માર્યો હતો. બાદમાં, જુનૈદ કુરેશીનું હમીદિયા હોસ્પિટલમાં મૃત્યુ થયું, જ્યારે શ્યામપુરના રહેવાસી તેના મિત્ર અરમાનની હાલત ગંભીર છે. પરિવારે એવો પણ દાવો કર્યો હતો કે હુમલાખોરોએ તેમની પાસેથી લગભગ 2 લાખ રૂપિયા પણ લૂંટી લીધા હતા.
આ પણ વાંચો: મહાકુંભ ભાગદોડના મૃતકોના પરિવારોને હજુ સુધી વળતર ચૂકવાયું નથી
10 થી 15 અજાણ્યા લોકો સામે એફઆઈઆર નોંધાઈ
ઈન્ડિયા ટુડેના એક રિપોર્ટ મુજબ, પોલીસે આ કેસમાં 10 થી 15 અજાણ્યા લોકો સામે FIR નોંધી છે. તેમાંથી ત્રણની ધરપકડ પણ કરવામાં આવી છે. આજ તક સાથે વાત કરતા, જુનૈદ કુરેશીના પરિવારના સભ્યોએ આરોપ લગાવ્યો કે બજરંગ દળના કાર્યકરોએ તેમને મેહગાંવમાં રોક્યા હતા. ત્યારબાદ બજરંગ દળના કાર્યકરો ચંદન યાદવ અને ચંદન કુશવાહ જુનૈદ અને અરમાનને વિદિશા પોલીસ સ્ટેશન લઈ ગયા હતા. ત્યાંથી તેઓ તેમને સાંચી પોલીસ સ્ટેશનના મેહગાંવ લઈ ગયા અને ત્યાં આખી રાત ગોંધી રાખીને ઢોર માર માર્યો હતો.
ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી
બીજી તરફ રાયસેનના એસડીઓપી પ્રતિભા શર્માએ મીડિયાને જણાવ્યું હતું કે, આ મામલામાં ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે. તેમના નામ ધ્રુવ ચતુર્વેદી, ગગન દુબે અને રામપાલ રાજપૂત છે. ધ્રુવ અને ગગન વિદિશાના રહેવાસી છે અને રામપાલ કરારિયાનો રહેવાસી છે.
આરોપીઓ પર પહેલેથી જ કેસ નોંધાયેલો છે
પોલીસનું કહેવું છે કે આ લોકો કોઈ સંગઠન સાથે સંકળાયેલા છે કે નહીં તેની હજુ સુધી પુષ્ટિ થઈ નથી, પરંતુ પરિવારના સભ્યોના આરોપોની તપાસ કરવામાં આવી રહી છે. ધરપકડ કરાયેલા આરોપીઓ પર પહેલાથી જ પ્રાણીઓ પર ક્રૂરતા, ગેરકાયદેસર પરિવહન અને હુમલા જેવા ગુનાઓનો કેસ નોંધાયેલો છે.
આ પણ વાંચો: પાલનપુરના દલિત પોલીસકર્મીએ SP-PIના ત્રાસથી આપઘાત કર્યો?