વડોદરાની એમ.એસ. યુનિવર્સિટીના આર્કિયોલોજિકલ વિભાગમાં સાચવવામાં આવેલા તથાગત ગૌતમ બુદ્ધના અસ્થિઓના દર્શન માટે થાઈલેન્ડના ટોચના ધર્મગુરુ અને થાઈ બુધ્ધિસ્ટ સંઘના કાર્યકારી વડા એમિનન્સ સોમદેજ સહિત છ બૌધ્ધ ધર્મગુરુઓનું પ્રતિનિધિ મંડળ આજે વડોદરા પહોંચ્યું હતું. આ બૌદ્ધ પ્રતિનિધિ મંડળના સભ્યોએ એમ.એસ.યુનિવર્સિટીની મુલાકાત લઈ યુનિવર્સિટીના આર્કિઓલોજી વિભાગમાં સચવાયેલા ભગવાન બુધ્ધના અસ્થિની દર્શન કર્યા હતા. આ પ્રતિનિધિ મંડળમાં ઈન્ટરનેશનલ બુધ્ધિસ્ટ કાઉન્સિલના પ્રમુખ ટોંગથોંગ ચંદ્રાસુનો પણ સમાવેશ થતો હતો.
પ્રતિનિધિમંડળની સાથે આવેલા ભારત સરકારના સાંસ્કૃતિક મંત્રાલયના સેક્રેટરી કર્નલ સક્સેનાએ જણાવ્યું હતું કે, તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી થાઈલેન્ડની મુલાકાતે ગયા હતા. અહીં તેમણે બૌધ્ધ ધર્મગુરુઓને એમ.એસ.યુનિવર્સિટીમાં સચવાયેલા તથાગત બુદ્ધના અવશેષોની મુલાકાત લેવા માટે આમંત્રણ આપ્યું હતું. એ પછી આ પ્રતિનિધિમંડળ ભારત આવ્યું છે.
આ પ્રતિનિધિ મંડળ દ્વારકાની પણ મુલાકાત લેશે
કર્નલ સક્સેનાએ વધુમાં જણાવ્યું હતું કે, દિલ્હીમાં નેશનલ મ્યુઝિયમમાં સચવાયેલા ભગવાન બુદ્ધના અસ્થિઓની પૂજા કર્યા બાદ આ પ્રતિનિધિમંડળ ગુજરાતની મુલાકાતે આવ્યું છે. અહીં તેમણે વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીમાં સચવાયેલા તથાગત ગૌતમ બુદ્ધના અસ્થિઓના દર્શન કર્યા હતા. એમ.એસ.યુનિવર્સિટીમાં સચવાયેલા ભગવાન બૌધ્ધના અસ્થિઓને થાઈલેન્ડ લઈ જવાની પણ યોજના છે. જેથી થાઈલેન્ડના લોકો પણ તેના દર્શન કરી શકે.
આ પણ વાંચો: જ્યારે રાજ કપૂરે કહ્યું, ‘ડો.આંબેડકર મારા પ્રેરણાસ્ત્રોત છે’
જોકે આ માટે બંને સરકારો વચ્ચે વાતચીત કરવાની અને લાંબી પ્રક્રિયા પૂરી કરવાની બાકી છે. તાજેતરમાં જ ભારત સરકાર દ્વારા આ જ રીતે સારનાથમાં સચવાયેલા અસ્થિઓને વિએટનામ પણ લઈ જવાયા હતા. થાઈલેન્ડનું આ પ્રતિનિધિ મંડળ તા.૨૦ અને ૨૧ જૂનના રોજ દ્વારકાની મુલાકાત લઈ દ્વારકા પીઠના શંકરાચાર્ય સાથે પણ સંવાદ કરશે.
દેવની મોરીમાંથી બુદ્ધના અવશેષો મળ્યા હતા
ઉલ્લેખનીય છે કે વર્ષ ૧૯૬૦માં દેવનીમોરી સાઈટના ઉત્ખનન દરમિયાન બુદ્ધના આ પવિત્ર અસ્થિ મળ્યા હતા. સાંબરકાંઠા જિલ્લામાં આવેલી બુધ્ધિસ્ટ સાઈટ દેવનીમોરી ખાતે એમ.એસ.યુનિવર્સિટીના આર્કિઓલોજી વિભાગના પ્રોફેસર આર એન મહેતા તેમજ એસ એન ચૌધરીના માર્ગદર્શન હેઠળ એમ.એસ.યુનિવર્સિટીના આર્કિઓલોજી વિભાગે ૧૯૬૦ થી ૧૯૬૩ના સમયગાળમાં ઉત્ખનન હાથ ધર્યું હતું. જેમાં તે સમયની ધાતુનું એક પાત્ર મળ્યું હતું. તેના પર ભગવાન બુધ્ધના અસ્થિ આ પાત્રમાં સચવાયેલા છે તેવો ઉલ્લેખ પણ હતો. ત્યારથી આ અસ્થિ આર્કિઓલોજી વિભાગમાં સાચવવામાં આવ્યા છે.
થાઈલેન્ડથી આવેલું બૌદ્ધ ધર્મગુરૂઓનું પ્રતિનિધિ મંડળ આ જ અવશેષોના દર્શન કરવા માટે આવ્યું છે.
આ પણ વાંચો: તથાગત બુદ્ધના અવશેષો વિયેતનામથી ભારત પરત લવાયા