tribal family commits mass suicide: મધ્યપ્રદેશ(MP)ના દેવાસ(dewas) જિલ્લાના ધોપઘટા ગામમાં એક દુ:ખદ ઘટના પ્રકાશમાં આવી છે. અહીં એક આદિવાસી પરિવાર(tribal family)ના 4 સભ્યોએ સામૂહિક આત્મહત્યા(mass suicide) કરી. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં સનસનાટી મચી ગઈ છે. ઝેરી પદાર્થ પીધા બાદ પરિવારના સભ્યો ગંભીર હાલતમાં હોસ્પિટલ પહોંચ્યા હતા. પરંતુ કમનસીબે પતિ-પત્ની અને એક પુત્રીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું. જ્યારે બીજી પુત્રીની હાલત હજુ પણ ગંભીર છે.
મામલો શું છે?
આ દુ:ખદ ઘટના રવિવારે રાત્રે ઉદયનગર પોલીસ સ્ટેશન વિસ્તારના ધોપઘટા ગામમાં બની હતી. પરિવારના વડા રાધેશ્યામ (50), તેમની પત્ની રંગુ બાઈ (48) અને તેમની બે પુત્રીઓ આશા (23) અને રેખાએ એક જ સમયે ઝેર પી લીધું હતું. રાધેશ્યામે સૌથી પહેલા ઝેર પીધું હતું. એ પછી પત્ની રંગુ બાઈએ પણ આ જ પગલું ભર્યું. ત્યારબાદ તેમની બંને પુત્રીઓએ પણ તેમના માતા-પિતાને જોયા પછી આ ભયાનક પગલું ભર્યું.
આ પણ વાંચોઃ 55 વર્ષની આદિવાસી મહિલાએ ભાલા ફેંકમાં દેશ માટે ગોલ્ડ જિત્યો
પડોશીઓએ હોસ્પિટલમાં દાખલ કર્યા
ઘટનાની જાણ થતા તેમના પડોશીઓ દોડી આવ્યા હતા અને તેમણે તાત્કાલિક પરિવારને ઇન્દોરની એક હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. જ્યાં ડોક્ટરોએ પતિ-પત્નીને મૃત જાહેર કર્યા. બાદમાં સોમવારે પુત્રી આશાનું પણ મોત નીપજ્યું. જ્યારે બીજી પુત્રી રેખાની હાલત નાજુક છે. તેની સારવાર ચાલી રહી છે. આ ઘટનાએ લઈને ગામમાં હડકંપ મચી ગયો છે. સૌ કોઈ સ્તબ્ધ થઈ ગયા છે.
સામાજિક બહિષ્કાર આત્મહત્યાનું કારણ બન્યો
સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર, આ સામૂહિક આત્મહત્યા માટે પરિવારના પુત્ર પપ્પુના પ્રેમ સંબંધને જવાબદાર ઠેરવવામાં આવી રહ્યો છે. મળતી માહિતી મુજબ, પપ્પુને એક યુવતી સાથે પ્રેમ સંબંધ હતો. તે તેની પ્રેમિકા સાથે ભાગી ગયો હતો. એ પછી, સમાજના કેટલાક લોકોએ આખા પરિવારનો સામાજિક બહિષ્કાર કર્યો હતો. આ માનસિક તણાવ અને સામાજિક બહિષ્કાર પરિવાર માટે ભારે સાબિત થયો. એ પછી, પરિવારે આ પીડાદાયક પગલું ભર્યું. જોકે, પોલીસે હજુ સુધી આ વાતની સત્તાવાર પુષ્ટિ કરી નથી.
આ પણ વાંચોઃ આદિવાસી મિત્રની ડિગ્રી પર સવર્ણ યુવક ડોક્ટર બની ગયો
પોલીસને મોડી માહિતી મળી
પોલીસને ઘટનાની માહિતી થોડી મોડી મળી હતી. ઉદયનગર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ સુનિતા કટારેના નેતૃત્વમાં પોલીસ કેસની તપાસ કરી રહી છે. પોલીસે અત્યાર સુધી પરિવારના નિવેદન અને આસપાસના લોકો પાસેથી માહિતી એકત્રિત કરવાનું શરૂ કર્યું છે. આ કેસ હજુ પણ તપાસ હેઠળ છે અને પોલીસ દરેક પાસાની તપાસ કરી રહી છે.
આ પણ વાંચોઃ અહીં OTP મેળવવા આદિવાસીઓએ પહાડ ચડવો પડે છે