સુરેન્દ્રનગર જિલ્લામાં તસ્કરોએ મેલડી માતાના મંદિરોને જાણે ટાર્ગેટ બનાવવાનું નક્કી કર્યું હોય તેમ એક પછી એક મેલડી મંદિરોમાં ચોરીઓ થઈ રહી છે. બે દિવસ પહેલા વઢવાણના વસ્તડી ગામના જાણીતા સામા કાંઠાના મેલડી મંદિરમાં તસ્કરો દાનપેટીની રોકડ રકમ સહિત અનેક કિંમતી ચીજવસ્તુઓ ચોરી ગયા હતા. હવે ધ્રાંગધ્રાના મસાણી મેલડી માતાના મંદિરમાંથી એક જ વર્ષમાં ચોથી વાર ચોરી થતા ચકચાર મચી ગઈ છે. ગઈકાલે રાત્રે રોકડ, આભૂષણોની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા છે. એક વર્ષમાં આ મંદિરમાં ચોથીવાર ચોરી થતાં પોલીસની કામગીરી સામે સવાલ ઉભા થયા છે. એટલું જ નહીં, મંદિરમાં ચોરી થતા ભક્તોની આસ્થાને પણ ઠેસ પહોંચી છે.
આ પણ વાંચોઃ સપનું આવ્યું અને 11 લોકો દ્વારકામાંથી શિવલિંગ ચોરી ગયા
ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ
ગઈકાલે રાત્રે ધ્રાંગધ્રા શહેરમાં આવેલ સ્મશાનવાળા મેલડી માતાજીના મંદીરમાં તસ્કરો દાનપેટીની રોકડ રકમ તેમજ માતાજીના આભૂષણોની ચોરી કરીને નાસી છુટયા હતા. વસ્તડીના મંદિરની જેમ આ મંદિરમાં પણ ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઇ છે. સીસીટીવી કેમેરાના ફૂટેજમાં જણાય છે કે, બે બુકાનીધારી શખ્સો મોડી રાતના સમયે મંદિરમાં પ્રવેશ્યા હતા અને મંદિરના મુખ્ય દરવાજાનું તાળું તોડી મંદિરમાં રાખેલી દાનપેટીની રોકડ રકમ તેમજ માતાજીના આભુષણોની ચોરી કરી નાસી છુટયા હતા.
એક જ વર્ષમાં ચોથી વખત ચોરી થઈ
મેલડી માતાજીના આ મંદિરમાં એક વર્ષમાં સતત ચોથી વખત ચોરીનો બનાવ બનતા ગ્રામજનોમાં પણ રોષ જોવા મળ્યો છે અને લોકો પોલીસની કામગીરી સામે પણ અનેક સવાલો ઉઠાવી રહ્યા છે. લોકોનું કહેવું છે કે, મંદિરોમાં ભગવાન પણ હવે સલામત નથી. જોવાનું એ રહેશે કે, પોલીસ તસ્કરોને ક્યારે ઝડપી પાડે છે અને વસ્તડીના મેલડી મંદિર તથા આ મંદિરમાં થયેલી ચોરીમાં કોઈ કનેક્શન છે કે નહીં.
આ પણ વાંચોઃ વસ્તડીના મેલડી માતાના મંદિરમાંથી તસ્કરો દાનપેટી ચોરી ગયા