કોંગ્રેસ અને તેના નેતા રાહુલ ગાંધી દેશમાં દલિતોને તેમના હક-અધિકારો અપાવવા માટેનો ઝંડો લઈને ફરે છે પરંતુ હાલ એક એવી ઘટના સામે આવી છે જેના વિશે કોંગ્રેસ કે તેના નેતાઓ એક શબ્દ પણ બોલી શકે તેમ નથી. બન્યું છે એવું કે એક પ્રસિદ્ધ મંદિરના કાર્યક્રમમાં કોંગ્રેસના દલિત પ્રદેશ પ્રમુખને મંદિરમાં પ્રવેશતા રોકવામાં આવ્યા હતા. જ્યારે ભાજપના સવર્ણ જાતિના પ્રદેશ પ્રમુખનું મંદિર દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ ઘટનાએ ફરી એકવાર સાબિત કરી દીધું કે દલિતો ગમે તેટલા મોટા પદ કે હોદ્દા પર પહોંચી જાય તો પણ મનુવાદી હિંદુ ધર્મ તેમનું સ્થાન શુદ્રથી વિશેષ નથી. જાતિવાદી હિંદુ ધર્મમાં વ્યક્તિની લાયકાત નહીં પરંતુ તેની જાતિ જોઈને જ તેમની સાથે કેવું વર્તન કરવું તે નક્કી થાય છે. પછી તમે ભલેને તમે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ હો, પરંતુ દલિત સમાજના છો, તો તમને મંદિરમાં પ્રવેશ નહીં મળે.
પેરિયારની ભૂમિ તમિલનાડુની ઘટના
ઘટના પેરિયારની ભૂમિ તમિલનાડુની છે. અહીં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ(Tamil Nadu Congress chief) કે. સેલ્વાપેરુથંગાઈને તમિલનાડુના વલ્લકોટ્ટાઈ મુરુગન મંદિરના કુંભભિષેકમમાં હાજરી આપવાથી રોકવામાં આવ્યાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. કાંચીપુરમ સ્થિત મંદિરમાં 17 વર્ષ પછી આયોજિત આ સમારોહમાં હાજરી આપવાથી તેમને રોકવામાં આવ્યા બાદ વિવાદ થયો છે. આ જ સમારોહમાં, ભાજપના નેતા તમિલિસાઈ સુંદરરાજનને પ્રવેશ આપવામાં આવ્યો હતો, પરંતુ કોંગ્રેસના પ્રદેશ વડા દલિત હોવાથી તેમને મંદિરમાં પ્રવેશવા દેવાયા નહોતા.
આ પણ વાંચો: દલિત નેતા મંદિરમાં જતા ભાજપ નેતાએ ગંગાજળ છાંટી મંદિર ‘પવિત્ર’ કર્યું
કોંગ્રેસના દલિત અધ્યક્ષને મંદિરમાં જતા રોક્યા
ઈન્ડિયા ટુડેના અહેવાલ મુજબ, ભાજપના નેતા સુંદરરાજનને ‘કુડામુઝુકુ’ (કળશ પર પવિત્ર પાણી રેડવાની વિધિ) માટે મંદિરના મુખ્ય ટાવર પર લઈ જવામાં આવ્યા હતા. તે જ સમયે, કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ કે. સેલ્વાપેરુથંગાઈને રોકવામાં આવ્યા હતા. આ પછી, તેમના સમર્થકોએ આનો વિરોધ કર્યો હતો. ભારે હોબાળો થતા આખરે તેમને ભાજપના પ્રદેશ અધ્યક્ષ પછી મુખ્ય ટાવર પર જવાની પણ મંજૂરી આપવામાં આવી હતી. જો કે હિન્દુ ધાર્મિક અને ચેરિટેબલ એન્ડોમેન્ટ્સ (HR&CE) ના અધિકારીઓએ તેમને ધાર્મિક વિધિઓમાં ભાગ લેતા અટકાવ્યા હોવાનો આરોપ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કોંગ્રેસના નેતાને પ્રતીકાત્મક સન્માન સમો મંદિરનો ધ્વજ પણ આપવામાં આવ્યો ન હતો. જે સ્પષ્ટ રીતે જાતિવાદ દર્શાવે છે.
કોંગ્રેસના દલિત અધ્યક્ષે શું પ્રતિક્રિયા આપી?
તેમની સાથે થયેલા વર્તન પર નિરાશા વ્યક્ત કરતા સેલ્વાપેરુંથાગાઈએ કહ્યું, “કુડામુઝુકુ ઉત્સવ સરસ રહ્યો અને મારા તરફથી અભિનંદન. લાખો લોકોએ થિરુચેંદૂર મંદિરની મુલાકાત લીધી. હું મંત્રીની દેખરેખ હેઠળ ત્યાં ગયો હતો પરંતુ અધિકારીઓની ઉદાસીનતા સ્પષ્ટપણે દેખાઈ રહી હતી. અમને ખબર નથી કે કોણ કોને નિયંત્રિત કરી રહ્યું છે.”
આ 2000 વર્ષ જૂની સમસ્યા છેઃ કોંગ્રેસ પ્રમુખ
તેમણે વધુમાં કહ્યું કે, મંદિરમાં બધું શાંતિથી હાથ ધરવામાં આવ્યું હતું. પરંતુ આ ઘટનાએ ઊંડા વ્યવસ્થાગત મુદ્દાઓને ઉજાગર કર્યા છે. સેલ્વાપેરુથંગાઈએ કહ્યું, “આ 2000 વર્ષ જૂનો મુદ્દો છે અને તેનો રાતોરાત ઉકેલ લાવી શકાતો નથી. અધિકારીઓએ તેને અંજામ આપ્યો અને અમે લોકો સાથે ઉભા રહીને તમાશો જોતા રહ્યા. હું એવું કંઈ કહેવા માંગતો નથી જે મુખ્યમંત્રી કે મંત્રી પીકે શેખરબાબુની છબીને ખરાબ કરે.”
કોંગ્રેસ પ્રમુખને દર્શન કરવાની મંજૂરી ન અપાઈ
સેલ્વાપેરુથંગાઈ, જે અનુસૂચિત જાતિના છે, તેમણે કહ્યું કે તેમને ભગવાનના દર્શન કરવાની મંજૂરી આપવામાં આવી નહોતી. તેમણે કહ્યું કે અધિકારીઓએ અધિકારીઓની જેમ વર્તવું જોઈએ. તેમણે એમ પણ કહ્યું કે તેમને ખબર નથી કે અધિકારીઓએ તેમને કેમ રોક્યા અને અંદર જવા દીધા નહીં.
આ પણ વાંચો: સવર્ણોની દાદાગીરી છતાં પોલીસે દલિતોને મંદિર પ્રવેશ કરાવ્યો