બોરસદ પાસેનો ગંભીરા બ્રિજ તૂટી પડવાની ઘટનામાં 21 લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ ઘટનાના ઘા હજુ તો રુઝાયા નથી ત્યાં વધુ એક બ્રિજ ધરાશાયી થયો છે. મળતી માહિતી મુજબ જૂનાગઢના માંગરોળ તાલુકાના આજક ગામે બ્રિજ તૂટી પડ્યો છે. જેમાં હીટાચી મશીન સાથે આઠથી વધુ લોકો 15 ફૂટ ઉપરથી નદીમાં ખાબક્યા હતા, જોકે, સદનસીબે કોઈ જાનહાનિ થઈ નહોતી અને તમામનો બચાવ થયો હતો.
આજક ગામે આવેલો પુલ કેશોદને માધવપુર સાથે જોડતો મહત્વનો માર્ગ છે, જ્યાં ઘણા વાહનો રોજ પસાર થાય છે. આજે સવારે પુલના સમારકામનું કામ ચાલી રહ્યું હતું. હીટાચી મશીન સાથે કામગીરી ચાલી રહી હતી ત્યારે અચાનક પુલનો સ્લેબ ધરાશાયી થતાં ભારે અવાજ સાથે હીટાચી મશીન નીચે ખાબક્યું હતું. પુલના સ્લેબ પર આઠ-દસ લોકો પણ ઉભા હતા, જે સ્લેબ તૂટી પડતાં સીધા નદીમાં ખાબક્યા, પરંતુ સદનસીબે કોઇ ગંભીર ઇજા કે જાનહાનિ નહીં થઇ. દુર્ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર પણ ઝડપથી વાયરલ થયો છે, જેમાં જોવા મળે છે કે પુલનો સ્લેબ તૂટતાં લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો.
આ પણ વાંચો: ઈડરના ચિત્રોડામાં મહાદેવ મંદિરમાંથી 11.36 લાખનો ગાંજો ઝડપાયો
સ્થાનિકોનો આક્ષેપ છે કે, સમારકામ પૂરું જોખમ રાખીને કરવામાં આવી રહ્યું હતું. કોઈ સુરક્ષા વ્યવસ્થા નહિ હોવાથી આવા અકસ્માતો સર્જાય છે. આ રસ્તો છે જાહેર રસ્તો, હજારો વાહનો પસાર થાય છે, અહીં કામ કરવાની યોગ્ય તૈયારી વગર લોકોના જીવ સાથે રમત થઈ રહી છે, એવું સ્થાનિક રહીશોએ જણાવ્યું હતું.
વડોદરાના ગંભીરા બ્રિજ બાદ હવે જૂનાગઢના માંગરોળના આજક ગામે જર્જરિત બ્રિજનો સ્લેબ તૂટી પડતા 8 લોકો હીટાચી મશીન સાથે નદીમાં ખાબક્યા હતા. કોઈ જાનહાનિ નથી થઈ. પૂલના સમારકામ દરમિયાન ઘટના બની.
#junagadh #riverbridge #bridgecollapse pic.twitter.com/XX0UbCobId— khabar Antar (@Khabarantar01) July 15, 2025
ધારાસભ્યનું દેવા માલમનું કહેવું છે કે આ બ્રિજ પહેલાથી જર્જરિત જ હતો અને તેને તોડવાનો જ હતો. જોકે તેનું સમારકામ ચાલી રહ્યું હતું ત્યારે જ તે તૂટી પડ્યું. આ દરમિયાન બ્રિજ પર ઊભેલા લોકો નદીમાં ખાબકી ગયા. જોકે કોઇ જાનહાનિ થઈ નહોતી. લોકોને ઘટનાસ્થળે હાજર લોકોએ જ બચાવી લીધા હતા.
આજક ગામના સરપંચે કહ્યું છે કે નવો પુલ બનાવવા માટે જૂનો બ્રિજ તોડવામાં આવી રહ્યો હતો. જોકે આ દરમિયાન જ દુર્ઘટના સર્જાઈ ગઇ હતી કેમ કે બીજી સાઈડથી બ્રિજ તૂટી પડ્યો હતો. આ દરમિયાન હીટાચી મશીન સાથે 8 થી વધુ લોકો નદીમાં ખાબકી ગયા હતા. જોકે ઘટનાસ્થળે હાજર ટીમને કારણે તમામને બચાવી લેવામાં સફળતા મળી હતી. આ પુલ 20 થી 22 વર્ષ જૂનો હતો.
આ પણ વાંચો: સુરેન્દ્રનગરના વસ્તડીનો બ્રિજ 3 વર્ષથી તૂટેલો છતાં રિપેર કરાતો નથી