કપડવંજમાં પુત્રના મોહમાં પિતાએ સાત વર્ષની દીકરીને કેનાલમાં ફેંકી દીધી

ખેડાના કપડવંજનો ક્રૂરતાની હદ વટાવતો કિસ્સો. દીકરીને ફેંકી દીધા બાદ પતિએ પત્નીને કહ્યું- 'કોઇને કહીશ તો તને છુટાછેડા આપી દઇશ'
kapadvanj news

ખેડા જિલ્લાના કપડવંજમાંથી ક્રૂરતાની હદ વટાવતો કિસ્સો સામે આવ્યો છે.પુત્રના મોહમાં એક પિતાએ પોતાની સાત વર્ષની દીકરીને કેનાલમાં ફેંકીને હત્યા કરી નાખી છે. પુત્રની ખેવના ધરાવતો પિતા બે પુત્રીના જન્મથી જ અણગમો ધરાવતો હતો અને છેવટે તેણે પોતાની 7 વર્ષની મોટી દીકરીને પત્નીની નજર સામે જ કેનાલમાં ફેંકીને હત્યા કરી દીધી છે. એટલું જ નહીં, ત્યારબાદ તેણે પત્નીને પણ ધમકી આપી હતી કે આ વાત કોઇને કહીશ તો તને છુટાછેડા આપી દઇશ. જોકે, પત્નીએ પોતાના ભાઇને વાત કરતા સમગ્ર મામલો સામે આવ્યો છે.

મામલો શું છે?

કપડવંજ તાલુકાના માલવણ તાબે ચેલાવત ગામમાં 35 વર્ષીય અંજનાબેન સોલંકી રહે છે. તેમના લગ્ન 11 વર્ષ પહેલા વિજય સોલંકી સાથે થયા હતા. લગ્ન બાદ અંજનાબેને બે દીકરીઓને જન્મ આપ્યો હતો. જેમાં મોટી દીકરી ભૂમિકા (ઉ.વ.7) અને તેનાથી નાની એક ત્રણ વર્ષની દીકરી છે. જોકે, પતિ વિજય સોલંકીને આ પુત્રીઓ ખટકતી હતી અને પુત્રનો મોહ હતો. જેથી વિજય અવારનવાર પોતાની પત્ની સાથે આ બાબતે ઝઘડો કરતો હતો. જેથી અંજનાબેન ઘણી વખત રિસાઈને પોતાના પિયર આવી જતાં હતા, પરંતુ સમજાવટથી બાદ મામલો થાળે પાડી વિજય પરત લઇ જતો હતો.

kapadvanj news

ગત ગુરુપૂર્ણિમાના દિવસે એટલે કે 10 જુલાઈના રોજ વિજય પોતાની પત્ની અંજના અને સાત વર્ષની દીકરી ભૂમિકાને બાઇક પર બેસાડી દીપેશ્વરી માતાના મંદિરે દર્શન કરવા લઈ ગયો હતો. માતાજીના દર્શન કરીને પરત ફરતી વખતે અંજનાએ પોતાના પતિને કહેલું કે મારે મારા પિયર જવું છે. જોકે, પતિ વિજયે ના પાડી હતી અને કહ્યું હતું કે, ‘મારે છોકરો જોઈતો હતો અને તે છોકરીઓ પેદા કરી તેમ કહી ઘરે આવતા સમયે રાત્રે આઠ વાગ્યાની આસપાસ કપડવંજના વાઘાવત સીમમાંથી પસાર થતી નર્મદા કેનાલ પરના વાઘાવત પુલ પર વિજયે બાઇક ઊભુ રાખ્યું હતું અને ત્યારબાદ અચાનક વિજયે 7 વર્ષની ભૂમીને જીવતી કેનાલના ધસમસતા પાણીમાં નાખી દીધી હતી અને પત્નીને ધમકી આપતા વિજયે કહ્યું હતું કે, જો તું આ બાબતે કોઈને વાત કરીશ તો તને છુટાછેડા આપી દઈશ‌. આમ પત્નીને ધમકી આપીને વિજય ઘરે લઇ આવ્યો હતો.

આ પણ વાંચો: ગુંડાએ દલિત દંપતીને માર માર્યો, દંપતીએ FIR કરી તો હાથ ભાંગી નાખ્યા

આ ઘટનાના બીજા દિવસે વઘાવત કેનાલના પાણીમાંથી આ દીકરીનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતદેહ મળ્યા બાદ આતરસુબા પોલીસે તપાસ હાથ ધરી હતી. તે વખતે પણ પતિ વિજયે પોતાની પત્નીને દબાણ કરી કહ્યું કે, તારે એવું કહેવાનું કે ભૂમીકાને માછલી જોવા લઈ જતી વેળાએ આ ઘટના બની છે. પતિના ડરથી તે સમયે પત્નીએ એવુ સ્ટેટમેન્ટ આપ્યું હતું પરંતુ અંજનાબેને સમગ્ર હકીકત પોતાના ભાઈઓને કહેતા હિંમત આવતા સમગ્ર બનાવ પરથી પડદો ઉચકાયો છે અને આ બનાવ સંદર્ભે અંજનાબેને પોતાના પતિ વિજય સોલંકી સામે આ બાબતે આતરસુબા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મારી નજર સામે જ મારી દીકરીને ફેંકી દીધી: અંજનાબેન

મૃતક ભૂમિકાની માતા અંજનાબેને જણાવ્યું હતું કે, ‘પૂનમ હતી, વિજય દર્શન કરવા મંદિરે લઇ લાવ્યો હતો. પહેલાંથી જ કાવતરાનો ઈરાદો હતો. મંદિરે દર્શન કર્યા ન કર્યા ને ઉતાવળે અમને પરત બાઇક પર બેસાડી દીધા અને પરત આવતા બનાવ સ્થળે કેનાલ પાસે મને પગમાં ખાલી ચઢી ગઈ છે તેમ કહી વિજયે બાઇક ઊભુ કર્યું હતું. બાદમાં મેં તેડેલી મારી દીકરીને તેના હાથમાં લઈ માછલી બતાવું તેમ કહી નહેરના પાળે લઈ ગયો અને હું કાંઈ સમજુ તે પહેલાં જ 7 વર્ષની મારી દીકરીને મારી નજર સામે જ કેનાલમાં નાંખી દીધી હતી. બાદમાં કોઈને કશું કહીશ નહીં તેવી ધમકીઓ આપી હતી.’

જિલ્લા પોલીસ વડાએ શું કહ્યું?

આ અંગે જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢીયાએ જણાવ્યું હતું કે, 10 તારીખે રાતનો બનાવ છે. આરોપી અને તેની પત્ની અને મોટી દીકરી માતાજીના દર્શન કરી પરત આવતા હતા ત્યારે જે પ્રકારે શરુઆતમાં આ દંપતીએ એવું નિવેદન આપ્યું હતું કે, માછલી જોવા કેનાલાના પાળે ઊભા હતા અને દીકરી હાથમાંથી છટકી ગઈ જે બાદ બિજા દિવસે આ દીકરી ભૂમિકાનો મૃતદેહ કેનાલના પાણીમાંથી મળી આવ્યો હતો. આતરસુબા પોલીસે જે તે સમયે આકસ્મિક મૃત્યુની નોંધ કરી તપાસ હાથ ધરી હતી. આ બાદ પોલીસને શંકાસ્પદ મોત લાગતાં મૃતક દિકરીના નાના-નાની અને અન્ય સગાઓની પોલીસે પુછપરછ કરી હતી. આ બાબતે આરોપી વિજયની અમે આ ગુનામાં ધરપકડ કરી તેની પુછપરછ કરતા આ બાબતની કબુલાત કરેલ છે.

દીકરીની બલિ ચડાવવાના આરોપની પણ તપાસ કરાશે

પોલીસે વધુમાં જણાવ્યું હતું કે, આ બનાવમા મોસાળ પક્ષ તરફથી આ વિજય પર આરોપ મુકવામાં આવ્યા છે કે તે અંધશ્રદ્ધામાં માનતો અને આ દીકરીની બલી ચઢાવવાનો હતો. જો કે, આ બાબતે જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું કે, હાલની અમારી તપાસમાં આવુ કોઈ તારણ બહાર આવ્યું નથી પરંતુ પોલીસ આ દિશામાં પણ તપાસ કરી રહી છે.

આ પણ વાંચો: બોરસદનો મુજપુર ગંભીરા બ્રિજ તૂટતા 4 વાહન નદીમાં પડ્યાં, 2ના મોત

5 1 vote
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
તમારા મતે બહુજન સમાજ માટે સૌથી મહત્વના મુદ્દા ક્યા છે?
0
Would love your thoughts, please comment.x
()
x