બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાની વેકરી આશ્રમશાળામાં બે દિવસ પહેલા 42થી વધુ બાળકોને ફૂડ પોઈઝનની અસર થઈ હતી. એ પછી તમામને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. બાદમાં એક વિદ્યાર્થીનું મોત થઈ ગયું હતું. આ ઘટના બાદ વાલીઓ પોતાના બાળકોને આશ્રમશાળામાંથી ઘરે પરત લઈ જતા 500 વિદ્યાર્થીઓથી ધમધમતી આ આશ્રમશાળા ખાલી થઈ ગઈ છે. વાલીઓએ શાળાને તાળાં મારી દેવામાં આવે તેવી માંગ છે. કારણ કે અહીં જે ભોજન આદિવાસી વિદ્યાર્થીઓને પિરસવામાં આવે છે, તે ઢોર પણ ખાય તેમ નથી.
આશ્રમના સ્ટોર રૂમમાં સડેલાં શાકભાજી મળી આવ્યા છે, ગંદી દાળ અને રોટલી પર માખીઓ બણબણતી હોવાનું રિયાલિટી ચેકમાં સામે આવ્યું છે. આદિજાતિ વિભાગે બે ઈન્ચાર્જ આચાર્યોને ફરજમોકૂફ કર્યા છે.
આશ્રમ શાળામાંથી તમામ વિદ્યાર્થીઓને વાલીઓ ઘરે લઈ ગયા
વેકરી આશ્રમ શાળામાં બનેલી ફૂડ પોઇઝિનિંગની ઘટનાના પડઘા સમગ્ર ગુજરાત રાજ્યમાં પડ્યા છે. તેને લઈ તમામ શાળાઓમાં અધિકારીઓનો તપાસનો દોર શરૂ કરાયો છે. દાંતાની માતૃશ્રી દૂધીબા ડાહ્યાભાઈ હુંબલ (આહિર) કન્યા છાત્રાલયમાં ચાલતી આદિવાસી આશ્રમશાળામાં લગભગ 500 વિદ્યાર્થીઓ ધોરણ 1 થી 12 માં અભ્યાસ કરતા હતા. પરંતુ બાળકોને ફૂડ પોઈઝનની અસર થવાની ઘટના બની તેના બીજા દિવસે આ શાળાને તાળા લાગેલા જોવા મળ્યા હતા. એક નહીં પણ તમામ રૂમને તાળા લાગેલા મળ્યા હતા અને એક પણ વિદ્યાર્થી શાળામાં જોવા ન મળ્યો હતો.
42 વિદ્યાર્થીઓને ફૂડ પોઈઝનની અસર થઈ હતી
આ મામલે શાળાના આચાર્ય ગોવિંદભાઈ ઠાકોરને પૂછતા તેમણે જણાવ્યું હતું કે, સ્કૂલમાં ખોરાકી ઝેરની જે ઘટના બની તેને લઈ એક પણ બાળક આવ્યું નથી. તમામ બાળકોને તેમના વાલીઓ ડરના માર્યા ઘરે લઈ ગયા છે. 42 વિદ્યાર્થીઓને ફૂડ પોઈઝનિંગ થયું હતું અને તેમાં એક બાળકનું મોત થયું હતું. ત્રણ શિક્ષકોને પણ તેની અસર થઈ હતી. હાલ તમામને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. પરંતુ હવે તમામ વિદ્યાર્થીઓને તેમના વાલીઓ ઘરે લઈ ગયા છે. પરિણામે 500 વિદ્યાર્થીઓથી ધમધમતી આ આશ્રમશાળા ખાલીખમ થઈ ગઈ છે.
આ પણ વાંચો: દલિત કર્મચારીઓના નામે કંપનીએ 100 કરોડની બેનામી સંપત્તિ ખરીદી
રિયાલિટી ચેકમાં ગંદા શાકભાજી, દાળ જોવા મળ્યાં
khabarantar.in વતી એક સ્થાનિક પત્રકારે આ શાળાની ઓચિંતી મુલાકાત લઈને રિયાલિટી ચેક કરતા ચોંકાવનારી બાબતો સામે આવી હતી. તમામ રૂમને તાળાં મારેલા હતા અને આરોગ્ય વિભાગની ટીમ પોતાનું કામ કરી રહી હતી. ખાસ તો શાળાના રસોડા અને સ્ટોર રૂમમાં જે દ્રશ્યો જોવા મળ્યાં તે જોઈને કોઈને પણ ઉલટી થઈ જાય તેમ હતી. અહીં ચોતરફ ગંદકી જોવા મળી. એક તરફ સડેલાં દુર્ગંધ મારતા બટેટાં જોવા મળ્યાં, જેમાં જીવાત પડી ગઈ હતી. એટલી જ ગંદી શાકભાજી પણ પડી હતી. આરોગ્ય વિભાગે તાત્કાલિક આ સડેલાં બટેટા-શાકભાજીનો નિકાલ કરાવ્યો હતો.
સ્ટોર રૂમમાં પડેલી દાળમાં જીવાત દેખાઈ
ત્યારબાદ બાદ સ્ટોર રૂમમાં જઈને દાળ સહિતની ચીજો ચેક કરતા તેમાં પણ જીવાત પડી ગઈ હોય તેમ લાગતું હતું. સ્ટોરરૂમમાં હવાની કોઈ અવરજવર નહોતી. જેના કારણે ફૂગ અને જંતુઓની અસર સ્ટોરમાં સંગ્રહ કરેલી ચીજો પર પડી હોવાનું માનવામાં આવે છે. જો કે, આટલી ગંભીર પરિસ્થિતિ પછી પણ શાળા સંચાલકોએ તેને ગંભીરતાથી લીધી નહોતી. 24 કલાક પછી પણ પરિસ્થિતિ જેમની તેમ જ રહી હતી. ગંદા શાકભાજી અને જીવાતવાળી દાળની ખીચડી ખાઈને 42 બાળકોને ફૂડ પોઈઝનની અસર થઈ હતી અને દાખલ કરવામાં આવ્યા હતા. એક બાળકનું મોત થયું છે, તાં સ્થિતિ જેમની તેમ છે. અગાઉ દાંતાની ચીખલા પ્રાથમિક શાળામાં પણ આવી જ ફૂડ પોઈઝનિંગની ઘટના બની હતી.
શાળા સંચાલકોની બેદરકારીને કારણે એક વિદ્યાર્થીએ જીવ ગુમાવ્યો
શાળાની બેદરકારીને કારણે જેમણે પોતાનો દીકરો ગુમાવ્યો છે તે પરિવારને સહાય ચૂકવવામાં આવે તેવી માંગ ઉઠી છે. આ ઘટનામાં ગંભીર બેદરકારી દાખવાનારા બે ઇન્ચાર્જ આચાર્યો સામે નિયામક આદિજાતિ વિકાસ કચેરી ગાંધીનગર દ્વારા કડક પગલાં લેવાયા છે અને ઇન્ચાર્જ આચાર્ય તથા મદદનીશ શિક્ષક ભરત ચૌહાણ તથા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક આશ્રમ શાળાના ઇન્ચાર્જ આચાર્ય અને મદદનીશ શિક્ષક ગોવિંદ ઠાકોરને ફરજ મોકૂક કરાયા છે.
આ આદિવાસી આશ્રમ શાળામાં રહેતા વિદ્યાર્થીઓએ ખીચડી-કઢી આરોગ્યા બાદ તેમને ફૂડ પોઇઝનની અસર થતા સારવાર અર્થે ખેસેડાયા હતા. જેમાં નાથાભાઈ બુંબડિયા નામના વિધાર્થીનું મોત થયું હતું. આ ઘટનાએ સરકારી શાળાઓના સ્તરની પોલ ખોલી નાખી છે. નાગરિકોએ આ બાબતે અવાજ ઉઠાવવાની જરૂર છે. અહીં મોટાભાગના વિદ્યાર્થીઓએ આદિવાસી સમાજના છે.
આ પણ વાંચો: દાંતાની વેકરી પ્રા. શાળામાં 30 થી વધુ બાળકોને ફૂડ પોઈઝનિંગ, એકનું મોત