ચંદુ મહેરિયા
સર્વોચ્ચ અદાલતની જસ્ટિસ અભય ઓકા અને ઉજ્જવલ ભુઈયાંની ખંડપીઠે હમણાના એક ચુકાદામાં પગપાળા રાહદારી માટે અબાધિત અને સલામત ફૂટપાથના અધિકારને જીવનના અધિકારનો હિસ્સો માન્યો છે. ભારતીય બંધારણના અનુચ્છેદ ૨૧ હેઠળ નાગરિકોને જીવન જીવવાનો મૂળભૂત અધિકાર છે. તેમાં પગે ચાલતા નાગરિકના સલામત, યોગ્ય અને સુલભ ફૂટપાથના હકનો સમાવેશ કર્યો છે. ફૂટપાથના અભાવે પગે ચાલનારાને જીવના જોખમે રસ્તા પર ચાલવું પડે છે. જે તેના માટે જીવલેણ સાબિત થઈ શકે છે. વિશ્વ આરોગ્ય સંસ્થાના રિપોર્ટ પ્રમાણે દુનિયાભરમાં માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામનારા લોકોમાં ૨૧ ટકા પગે ચાલનારા હોય છે. ભારતમાં ૨૦૨૩માં સડક દુર્ઘટનાઓમાં મરનારાઓમાં દર પાંચમી વ્યક્તિ પગપાળા ચાલનારી હતી. તેમના મૃત્યુનું મુખ્ય કારણ ફૂટપાથના અભાવે રસ્તા પર ચાલવું હતું.
સુપ્રીમ કોર્ટે તેના આદેશમાં જણાવ્યું છે કે નગરો અને મહાનગરોના નાગરિકો અબાધિત ફૂટપાથનો ચાલવા માટે ઉપયોગ કરી શકે તે સુરક્ષિત અને સન્માનજનક જીવનનો ભાગ છે. ફૂટપાથ વગર પગે ચાલનારાને રસ્તા પર ચાલવા મજબૂર કરવા તે તેમના જીવન જીવવાના મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન છે. ફૂટપાથોનું નિર્માણ અને સારસંભાળ માત્ર સામાન્ય લોકો જ નહીં દિવ્યાંગો પણ સહેલાઈથી વપરાશ કરી શકે તેમ હોવું જોઈએ. ફૂટપાથ પરથી ગેરકાયદે દબાણો હઠાવવા જોઈએ અને લોકો અબાધિત ઉપયોગ કરી શકે તેવી હોવી જોઈએ. સર્વોચ્ચ અદાલતે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને ફૂટપાથોની ઉપલબ્ધતા અને સારસંભાળ સુનિશ્ચિત કરતી નીતિ ઘડવા પણ હુકમ કર્યો છે. અગાઉ ૨૦૧૮માં બોમ્બે હાઈકોર્ટે આ અંગે આપેલ ચુકાદાને તમામ રાજ્યો આદર્શ ગણી તે પ્રમાણેની માર્ગદર્શક સુચનાઓ અને અમલનો અહેવાલ બે મહિનામાં રજૂ કરે તેમ પણ અદાલતે જણાવ્યું છે.
આ પણ વાંચો: દલિત યુવકનું મોં કાળું કરી, ચંપલનો હાર પહેરાવી ગામમાં ફેરવ્યો
દેશની સૌથી મોટી અદાલતને ફૂટવે અને ફૂટપાથ અંગે ચિંતા વ્યક્ત કરતા આદેશો કરવા પડે છે ત્યારે સ્થિતિ કેટલી ગંભીર હશે અને પગપાળા રાહદારીઓ માટે કેટલું જોખમ હશે તેની ગંભીરતા સમજાવી જોઈએ. શહેરી ભારતમાં ૨૮ ટકા લોકો પગપાળા ફરે છે. શહેરોમાં આસપાસના ગામડાના લોકો પણ ખરીદી માટે આવતા હોય છે અને તેઓ પણ મોટેભાગે પગપાળા જ હોય છે.
આ સંજોગોમાં આઈઆઈટી દિલ્હીનો તાજેતરનો ઈન્ડિયા સ્ટેટસ રિપોર્ટ ઓન રોડ સેફ્ટી આપણી આંખ ઉઘાડનારો છે. દેશમાં સરેરાશ ૧૯ થી ૭૩ ટકા સડકો પર જ ફૂટપાથ આવેલી છે. જમ્મુ કશ્મીરમાં માત્ર ૩ જ ટકા ફૂટપાથ છે. તે પછીના ક્રમે પુડુચેરીમાં ૫ ટકા છે. બિહારમાં ૧૯ અને હરિયાણામાં ૨૦ ટકા રોડ સાથે ફૂટપાથ છે. સૌથી વધુ ફૂટપાથ ધરાવતું રાજ્ય મહારાષ્ટ્ર છે.
બાળકો અને બુઝુર્ગો માટે આપણા રસ્તા સવિશેષ મુશ્કેલ છે. માર્ગ અકસ્માતનો ભોગ બનેલામાં ૧૯.૫ ટકા પગે જતા રાહદારીઓ છે. ૨૦૧૯થી ૨૦૨૩ સુધીમાં કુલ ૭.૯ લાખ લોકોના મોત માર્ગ અકસ્માતમાં થયા હતા. તેમાંથી ૧.૫ લાખ લોકો પગપાળા જતા માર્ગ અકસ્માતનો ભોગ બન્યા હતા. તેમની સલામતી માટેની કાયદાકીય જોગવાઈઓ સીમિત છે. તેથી આ દિશામાં કોઈ ખાસ ધ્યાન આપતું નથી.
શહેરોની ચોથા ભાગની વસ્તી પગપાળા રાહદારીઓની હોવા છતાં આપણા શહેરી આયોજનમાં ફૂટપાથની પાયાની જરૂરિયાતનું કોઈ સ્થાન જોવા મળતું નથી. ભારતના બંધારણે નાગરિક માત્રને દેશમાં ગમે ત્યાં નિર્બાધ ફરવાનો અધિકાર તો આપ્યો છે પરંતુ શહેરોમાં અસલામત રસ્તા અને ફૂટપાથના અભાવે પગપાળા રાહદારીના અધિકારો ઉવેખાય છે. ફૂટપાથ સમાવેશી અને બાધામુક્ત હોવી જોઈએ. પણ વાસ્તવમાં ફૂટપાથોનો અભાવ છે અને જ્યાં છે ત્યાં તેના પર દબાણો છે. ફૂટપાથ વૈકલ્પિક સગવડ નથી પણ અનિવાર્ય આવશ્યકતા છે તે સાદું સત્ય કોઈને સમજવું નથી.
ફૂટપાથો પર નાના મોટા ધંધા-રોજગાર કરનારાઓનું દબાણ છે. ધાર્મિક સ્થળોનું દબાણ છે અને ગરીબોમાં સૌથી વધુ ગરીબ લોકોનો આશિયાના ફૂટપાથ છે. એક અંદાજ મુજબ દેશમાં પચીસેક લાખ લોકો ફૂટપાથને ઘર બનાવી જીવનના દિવસો ટૂંકા કરે છે. જે લોકો ફૂટપાથ પર રહેવા લાચાર છે તેમની ઘરવખરીમાં રાંધી ખાવા ચુલો કે થોડા વાસણો, ગાભા-ડૂચા અને ગંધાતી ગોદડીઓ હોય છે.
જસ્ટિસ એમ.પી. ઠક્કરની આગેવાની હેઠળના લો કમિશનના ૧૩૮મા અહેવાલમાં ટાટા ઈન્સ્ટિટ્યૂટ ઓફ સોશિયલ સાયન્સિસ, બોમ્બેના સર્વેક્ષણના તારણો ટાંકવામાં આવ્યા હતા. તે પ્રમાણે ફૂટપાયરીઓ પર જીવતા લોકોમાં ૫૩ ટકા શાકભાજી, ફળ-ફૂલ, આઈસ્ક્રીમ, રમકડાં, ફુગ્ગા વેચવાના અને બીજા નાના સ્વરોજગાર કરનાર અને ૩૮ ટકા ઘરેલુ નોકર, બાંધકામ મજૂર અને છૂટક મજૂરી જેવી આકસ્મિક રોજી કરનારા હતા. ભારતના ગરીબોને તેમની રહેઠાણની સ્થિતિ પ્રમાણે ક્રમ આપવો હોયતો પહેલા ચાલીઓમાં રહેતા, તે પછી ઝૂંપડાઓમાં રહેતા અને અંતે ફૂટપાથ પર રહેનાર છે.
સર્વોચ્ચ અદાલતનો વર્તમાન ચુકાદો ફૂટપાથ પર ચાલવાનો નાગરિક અધિકાર સ્થાપે છે અને દબાણમુક્ત ફૂટપાથ ઈચ્છે છે ત્યારે ફૂટપાથ પર રહેનારા ગરીબોનું શું તેવો સવાલ ઉઠે છે. કેરળ અને કર્ણાટક હાઈકોર્ટના અગાઉના ચુકાદાઓમાં મંદિર સહિતના ધાર્મિક દબાણો ફૂટપાથ પર ન હોવા જોઈએ તેમ જણાવ્યું છે. ત્રિવેન્દ્રમ ચેમ્બર ઓફ કોમર્સની રિટ પર કેરળ હાઈકોર્ટે રાજકીય પક્ષો અને બીજા સંગઠનો ધરણા, આંદોલન, દેખાવો માટે ફૂટપાથને બાધિત ન કરી શકે તેમ જણાવ્યું હતું. એટલે ફૂટપાથને ઘર બનાવનારા પણ દબાણકર્તા છે અને તેમને હઠાવવા પડે. ત્યારે ફૂટપાથ પર પહેલો હક કોનો ? પેટનો કે પગનો? તેવો સવાલ વિચારવો પડે.
આ પણ વાંચો: એક જાગૃત દલિત યુવકને સરપંચ બનતો રોકવા કેવા કાવાદાવા થયા?
ગઈ સદીના નવમા દાયકે માનવ અધિકાર સંગઠન PUCLના એક સંમેલનમાં જસ્ટિસ વી.એમ. તારકુડેએ કહ્યું હતું, ‘ફૂટપાથના રહેવાસીઓને પણ રહેવાનું સ્થાન મેળવવાનો મૂળભૂત અધિકાર છે. એમનો એ અધિકાર બીજાના અધિકારની આડે આવતો હોય, જેમકે ટ્રાફિક અથવા તો કહેવાતી ડિસન્સી, તો પણ ડિસન્ટ લાઈફ કરતાં લાઈફ મહત્વની છે. લાઈફના ભોગે ડિસન્સી જળવાતી હોય તો આપણે ડિસન્સીનો ભોગ આપીને લાઈફને જ જાળવવા ઠેક સુધી પ્રયત્ન કરવા જોઈશે.
થોડા ઉચ્ચ કે ઉપલા મધ્યમવર્ગના ‘ડિસન્સી’ના ખ્યાલો જો ગરીબ શ્રમજીવી જનતાના રહેઠાણ મેળવવાના હકની આડે આવતા હોય તો એ ડિસન્સી અને ટ્રાફિક સેન્સ જહન્નમમાં જાય! જે દેશ પોતાના નાગરિકોને આઠ ચોરસ ફૂટનો ઓટલો નથી આપી શકતો તે દેશમાં ડિસન્સી શક્ય બનવાની નથી. આસમાનની નીચે રહેવાનો અધિકાર માત્ર બંધારણે બક્ષ્યો છે એમ નહીં, બંધારણ બનતાં પહેલાંનો, અરે બાવા આદમની ઓલાદ પેદા થઈ ત્યારથી એને પ્રાપ્ત થયેલો અધિકાર છે. એને માત્ર રહેવાનો નહીં, કામની જગાએ, જ્યાં રોજી પ્રાપ્ત થાય તેવી જગાએ રહેવાનો મૂળભૂત અધિકાર છે” અબાધિત ફૂટપાથના અધિકાર સંબંધી વર્તમાન ચુકાદાના સંદર્ભમાં પણ જસ્ટિસ તારકુંડેએ કશું જૂદું કહ્યું ન હોત. એટલે પગની સલામતીમાં પેટ વિસરાવું જોઈએ નહીં.
maheriyachandu@gmail.com
(લેખક વરિષ્ઠ પત્રકાર, રાજકીય વિશ્લેષક અને બહુજન સમાજના પ્રશ્નોના તલસ્પર્શી અભ્યાસુ છે.)
આ પણ વાંચો: ધર્મ અને જાતિથી પરે બાળકો જ દેશની અસલી આશા છે: હાઈકોર્ટ જજ