સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના ડેરવાળા ગામના વતની અને કચ્છના અંજાર ખાતે ASI તરીકે બજાવતા અરૂણાબેન જાદવની તેમના પ્રેમીએ ગળું દબાવીને હત્યા કરી નાખી હતી. આ ઘટનાને લઈને સમગ્ર ગુજરાતમાં સનસનાટી મચી ગઈ હતી. મૃતકનો પ્રેમી પોતાનો ગુનો કબૂલ કરીને પોલીસ સ્ટેશનમાં હાજર થઈ ગયો હતો. હવે મૃતક અરૂણાબેન જાદવની તેમના વતન સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના ડેરવાળા ગામે અંતિમ ક્રિયા કરવામાં આવી હતી. જ્યાં જિલ્લા પોલીસે ગાર્ડ ઓફ ઓનર સાથે તેમને અંતિમ વિદાય આપી હતી. આ દરમિયાન મોટી સંખ્યામાં પોલીસકર્મીઓ, પરિવારજનો અને ગામલોકો હાજર રહ્યા હતા.
હોનહાર દીકરીની હત્યા કરાતા જાદવ પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. મૃતદેહનું પીએમ કર્યા બાદ અરૂણાબેનના પાર્થિવ દેહને તવન ડેરવાળા ખાતે લાવવામાં આવ્યો હતો. તેમના નિવાસસ્થાને સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. ત્યારબાદ તેમના પાર્થિવદેહને પોલીસકર્મીઓ, સગા સંબંધીઓ, ગ્રામજનો સહિત લોકો મોટી સંખ્યામા ઉપસ્થિત રહીને શ્રધ્ધા સુમન અર્પણ કર્યા હતા. ત્યારબાદ તેમના નિવાસ સ્થાનેથી અંતિમયાત્રા નીકળીને ડેરવાળા મોક્ષધામ ખાતે પહોચીને અંતિમક્રિયા કરવામાં આવી હતી. આ ઘટનાને લઈને સમગ્ર ડેરવાળા ગામ અને લખતર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
આ પણ વાંચો: અમરેલીના દલિત યુવકના હત્યારાને આજીવન કેદની સજા કરાઈ
અરૂણાબેનનું મોત કેવી રીતે થયું હતું?
કચ્છના અંજાર શહેરમાં ASI તરીકે ફરજ બજાવતા અરુણાબેન જાદવની તેમના જ પ્રેમી દિલીપ ડાંગશિયા દ્વારા ગળું દબાવીને હત્યા કરવામાં આવી હતી. ઘટના 19મી જુલાઈએ રાત્રે અંજારની ગંગોત્રી સોસાયટી-2માં અરુણાબેનના નિવાસસ્થાને બની હતી.
જ્યાં અરૂણાબેન અને તેમના લીવ ઈન પાર્ટનર દિલીપ ડાંગશિયા વચ્ચે કોઈ બાબતે ઉગ્ર બોલાચાલી થઈ હતી. બબાલ એટલી વધી ગઈ કે દિલીપે ગુસ્સામાં અરુણાબેનનું ગળું દબાવી દીધું હતું, જેના કારણે તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. ત્યારબાદ આરોપી દિલીપ ડાંગચીયા જાતે જ અંજાર પોલીસ મથકે હાજર થઈ ગયો હતો અને ગુનાની કબૂલાત કરી હતી. દિલીપ ડાંગશિયા પોતે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)માં ફરજ બજાવે છે અને હાલ મણિપુરમાં તેનું પોસ્ટિંગ છે.
આ પણ વાંચો: ‘લાંબા વાળ કેમ રાખ્યા છે?’ કહી 3 શખ્સોએ દલિત યુવકને માર્યો