ગુજરાતમાં પોલીસ પર સામાન્ય માણસને જરાય વિશ્વાસ નથી તેની પાછળ પોલીસની મેલી મુરાદ અને અન્યાયી સિસ્ટમ છે. અમદાવાદમાં એક દલિત યુવક એક મહિના પહેલા ગુમ થયો હતો. તેના પરિવારે તે ગુમ થયો તેના બીજા જ દિવસે વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પણ પોલીસે કોઈ જ તપાસ ન કરી. એ પછી યુવકના પત્નીએ હાઈકોર્ટમાં હેબિયસ કોર્પસની ફરિયાદ નોંધાવી હતી. તેના ચાર દિવસ પછી બોપલ પોલીસે યુવકના પત્નીને પોલીસ સ્ટેશન બોલાવીને જાણ કરી કે તમારા પતિનું ગુમ થયાના બીજા જ દિવસે મોત થઈ ગયું હતું. તેમની લાશ તેલાવ ગામની નર્મદા કેનાલમાંથી મળી હતી અને ત્યાં જ તેમની રિક્ષા પણ મળી આવી હતી. અમને 7 દિવસ સુધી વાલીવારસ અંગેની માહિતી ન મળતા લાશનો નિકાલ કરી દીધો હતો.
વેજલપુર અને બોપલ પોલીસની ઘોર બેદરકારી
આ આખી ઘટનામાં વેજલપુર અને બોપલ પોલીસની ઘોર બેદરકારી સૂચવે છે અને અનેક ગંભીર સવાલો ઉભા કરે છે. વેજલપુર પોલીસે એક મહિના સુધીમાં કેમ યુવકની તપાસ ન કરી, ત્યાં સુધી તપાસના નામે તેમણે માત્ર સમય પસાર કેમ કર્યો? બોપલ પોલીસે મૃતકના પત્નીએ હેબિયસ કોર્પસની અરજી કર્યા પછી મૃતકના પરિવારને ફોન કર્યો અને લાશનો નિકાલ કર્યાની જાણ કેમ કરી? ત્યાં સુધી પોલીસે લાશ કોની છે તે અંગે તપાસ કેમ ન કરી? યુવકની લાશ પાસેથી તેની ઓટોરિક્ષા મળી આવી હતી અને તે રિક્ષાના નંબરના આધારે પણ પોલીસ આસાનાથી યુવકના પરિવારજનો સુધી પહોંચી શકે તેમ હતી, તો શા માટે એવું ન કર્યું, આખરે બોપલ પોલીસ શું છુપાવવા માંગે છે? શું પોલીસને એક દલિત-વાલ્મિકી સમાજનો યુવક ગુમ થયો, તેનું મોત થઈ ગયું,
આ પણ વાંચો: પાટડીના સડલામાં પ્રા.શાળાના આચાર્યએ 9 વિદ્યાર્થીનીની છેડતી કરી?
મોત અકસ્માતે થયું કે હત્યા થઈ, આ બાબત જરાય ગંભીર નથી લાગતી? હાલ તો, આ ઘટનાને લઈને મૃતક યુવકનો પરિવાર વેજલપુર પોલીસ સ્ટેશન સામે ન્યાય માટે ધરણાં પર બેઠો છે. તેની સાથે દલિત સમાજના જાગૃત યુવાનો પણ જોડાયા છે. આ ઘટનાએ ફરી એકવાર અમદાવાદ પોલીસની જાતિવાદી માનસિકતા, ઘોર બેદરકારીને છતી કરી દીધી છે. દલિત સમાજના લોકો પોલીસની આવી હલકી માનસિકતા પર ફિટકાર વરસાવી રહ્યાં છે.
ઘટના શું છે?
અમદાવાદના વેજલપુર વિસ્તારમાં રહેતો 23 વર્ષનો દલિત યુવક ચિરાગ રમણભાઈ વાળા ઓટોરિક્ષા ચલાવીને પોતાનું અને પરિવારનું ગુજરાન ચલાવે છે. ગત તા. 23-06-2025ના રોજ સવારે તે પોતાની ઓટોરિક્ષા લઈને કામ પર ગયો હતો. એ પછી બપોર સુધી પરત ફર્યો નહોતો. જેના કારણે તેનો પરિવાર વેજપુલ પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. જ્યાં ફરજ પરના પોલીસકર્મીએ તેમને બીજા દિવસે તા. 24-06-2025ના રોજ આવવા કહ્યું હતું.(વિચારો, એક યુવક ગુમ થયો છે તેમ છતાં આપણી પોલીસ તેને શોધવાને બદલે તેના પરિવારને ફરિયાદ નોંધાવવા બીજા દિવસે આવવા કહે છે.) એ પછી ચિરાગનો પરિવાર બીજા દિવસે વેજલપુર પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ નોઁધાવવા માટે ગયો હતો. જ્યાં સવારે 11:00 વાગે ચિરાગના પત્ની મનીષાબેને તેમના પતિ ગુમ થયાની જાણવા જોગ ફરિયાદ લખાવી હતી. ત્યારબાદ ચિરાગના પરિવારજનો દરરોજ વેજલપુર પોલીસ સ્ટેશનમાં જઈને ચિરાગની રીક્ષા સહીત શોધખોળ કરવા પોલીસને વિનંતી કરતા હતા. પરંતુ પોલીસ ‘કાર્યવાહી ચાલુ છે. માહિતી મળશે એટલે તમને જાણ કરીશું’ તેમ કહીને બેદરકારી દાખવતી રહી.
હાઈકોર્ટમાં અરજી કર્યા પછી યુવકના મોતના સમાચાર મળ્યાં
આ રીતે ઘણાં દિવસો વીતી ગયા પણ ચિરાગ કે તેની રિક્ષાનો કોઈ પત્તો મળ્યો નહોતો. એ દરમિયાન ચિરાગના પત્નીએ કાનૂની સલાહ લઈને તા. 15-07-2025ના રોજ ગુજરાત હાઈકોર્ટમાં હેબિયર્સ કોર્પસની અરજી દાખલ કરીને તેમના પતિ ચિરાગને હાજર કરવા રજૂઆત કરી હતી. આ અરજી બાદ અમદાવાદની પોલીસ સફાળી જાગી હતી અને તેણે હાઈકોર્ટમાં થયેલી અરજીના આધારે તપાસ ચાલું કરી હતી.
આ અરજી થયાના ચાર દિવસ બાદ ચિરાગના પત્ની મનીષાબેનને બોપલ પોલીસ સ્ટેશનમાંથી ફોન આવ્યો અને તેમને પોલીસ સ્ટેશન બોલાવ્યા. જ્યાં હાજર પોલીસકર્મીએ મનીષાબેને મૌખિક રીતે માહિતી આપી કે, “તમારા પતિ ચિરાગભાઈની તે ગુમ થયાના બીજા જ દિવસે એટલે કે તા. 24-06-2025ના રોજ તેલાવ ગામની નર્મદા કેનાલમાંથી લાશ મળી આવી હતી. કેનાલના કાંઠે તેમની રિક્ષા પણ મળી આવી હતી. જો કે, અમને 7 દિવસ સુધી તેના વાલીવારસ વિશે કોઈ માહિતી ન મળતા લાશનું પોસ્ટમોર્ટમ કરાવીને નિકાલ કરી દીધો છે.”
આવતીકાલે હાઈકોર્ટમાં હિયરીંગ થશે
આ સાંભળતા જ ચિરાગભાઈના પત્ની સહિતના પરિવારજનો પર આભ ફાટી પડ્યું હતું. જો કે, આ સમગ્ર ઘટનાક્રમમાં વેજલપુર અને બોપલ પોલીસ સ્ટેશનના અધિકારીઓની ઘોર બેદરકારી સ્પષ્ટ જણાય છે. હવે મૃતક ચિરાગભાઈના પત્નીએ હાઈકોર્ટમાં કરેલી હેબિયર્સ કોર્પસની અરજીનું આવતીકાલે તા. 22-07-2025ને મંગળવારના રોજ પ્રથમ હિયરીંગ છે. ત્યારે આ મામલે વેજલપુર અને બોપલ પોલીસે તેમની બેદરકારી અંગે કોર્ટમાં આકરા સવાલોનો સામનો કરવો પડશે તે નક્કી છે.
આ પણ વાંચો: દલિત યુવકને 3 કલાક સુધી ઉંધો લટકાવી રાખી પેશાબ પીવડાવ્યો
પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઉભા થઈ રહ્યાં છે. જેમ કે,
- પોલીસ દ્વારા લાશ મળતાની સાથે પરિવારજનોને કેમ જાણ કરવામાં ન આવી?
- મૃતક ચિરાગની રીક્ષા કેનાલની બાજુમાંથી મળી આવી હતી, તો રીક્ષાના નંબર પરથી RTO દ્વારા નામ સરનામું મળી શકે તેમ હતું, છતાં પોલીસે તે કેમ ન મેળવ્યું?
- વેજલપુર પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં ગુમ થયાના કુલ 27 દિવસ બાદ પણ પોલીસ તપાસ કેમ ન કરવામાં આવી?
- પોલીસ દ્વારા લાશને બિનવારસી માનીને 7 દિવસમાં કેમ નિકાલ કરવામાં આવ્યો?
- હાઇકોર્ટમાં પીટીશન થયા બાદ જ કેમ પોલીસ દ્વારા મૌખિક માહિતી આપવામાં આવી?
- વેજલપુર પોલીસ દ્વારા કેમ આજ દિન સુધી માત્ર ઠાલું આશ્વાસન આપવામાં આવ્યું અને કેમ ચિરાગની શોધખોળ ન કરી?
- ચિરાગના મોત પાછળ કોણ જવાબદાર છે? ખરેખર તેનું મોત થયું છે કે હત્યા? આખરે વેજલપુર અને બોપલ પોલીસ શું છુપાવવા માંગે છે? શું ચિરાગ દલિત-વાલ્મિકી સમાજમાંથી આવે છે એટલે તેના જીવની અને પરિવારની લાગણીઓની પોલીસને કોઈ કિંમત નથી?
- શું પોલીસને એવુ લાગતું હશે કે દલિત-વાલ્મિકી સમાજની કોઈ વ્યક્તિ ગુમ થાય તો તેને શોધવાની કોઈ જરૂર નથી, કારણ કે તેમના જીવનની કોઈ કિમંત હોતી નથી?
વેજલપુર અને બોપલ પોલીસ શું છુપાવવા માંગે છે?
હાલ તો આ તમામ સવાલોના પોલીસ પાસે કોઈ જવાબ નથી. જો કે, આખી ઘટનામાં એટલું તો સ્પષ્ટ રીતે જણાઈ રહ્યું છે કે, એક નિર્દોષ દલિત યુવકની લાશ મળ્યા બાદ વેજલપુર અને બોપલ પોલીસ ચોક્કસ કશુંક છુપાવવા માંગે છે. નહીંતર, અમદાવાદ શહેરથી સાવ નજીકમાં એક યુવકની લાશ મળે અને એક મહિના સુધી પોલીસ તેની ઓળખ ન કરી શકે અને તેના પરિવારજનોને જાણ કર્યા વિના બારોબાર તેનો નિકાલ કરી નાખે તેવું બને નહીં. આ આખી ઘટનામાં વેજલપુર અને બોપલ પોલીસની કામગીરી શંકાના દાયરામાં છે. જો સમગ્ર ઘટનાની યોગ્ય તપાસ થાય તો ચોક્કસ કોઈ મોટું ષડયંત્ર ખૂલે તેમ જણાય છે. હાલ વેજલપુર પોલીસ સ્ટેશન ખાતે મૃતક યુવકના પરિવારજનો સાથે સ્થાનિક આગેવાનો રાકેશ મહેરિયા, દિક્ષિતકુમાર શારદાબેન, પ્રફુલ્લ ભાઈ સોલંકી, વિનોદ ભાઈ ચાવડા(એડવોકેટ) અને પ્રકાશભાઈ પંડયા ન્યાય માટે બેઠાં છે.
વિશેષ માહિતીઃ દિક્ષીતકુમાર શારદાબહેન (અમદાવાદ)
આ પણ વાંચો: પાડોશીના કૂતરાઓથી ત્રસ્ત દલિત સફાઈકર્મીએ આત્મહત્યા કરી?