કહેવાય છે કે જો કોઈ વ્યક્તિ પોતાના સપનાઓને ઈમાનદારી અને પ્રામાણિકતાથી પૂરા કરવાનો પ્રયાસ કરે છે તો તે પોતાના મુકામ પર પહોંચે છે. આવી જ કહાની છે ઓડિશાના મંગલા મુદુલીની. જેણે ઈન્ટરનેટ અને સ્માર્ટફોન વિના જ NEET UG પરીક્ષા પાસ કરીને ઇતિહાસ રચી દીધો છે. આ સાથે જ તે પોતાના સમાજમાંથી MBBS કરનાર પહેલો વિદ્યાર્થી બની ગયો છે.
ઓડિશાની બોંડા જનજાતિમાંથી આવતા મંગલા મુદુલીએ વર્ષ 2024ની NEET UG ની પરીક્ષા પાસ કરી છે. મંગલાએ આ પરીક્ષામાં 261મો ક્રમ મેળવ્યો છે. માત્ર 19 વર્ષની ઉંમરે તેણે સ્માર્ટફોન અને ઇન્ટરનેટ વિના પહેલા પ્રયાસમાં આ અઘરી ગણાતી પરીક્ષા પાસ કરીને છાકો પાડી દીધો છે.
બોંડા જનજાતિમાં MBBS કરનાર પ્રથમ વિદ્યાર્થી
એક નાનકડા આદિવાસી ગામમાં રહેતા મંગલાના ઘરે હાલના સમયમાં બેઝિક કહી શકાય તેવી સુવિધા પણ નથી. તેની પાસે ન તો સ્માર્ટફોન છે, ન તો ઈન્ટરનેટની સુવિધા છે. તેમ છતાં તેણે સ્માર્ટફોન, ઇન્ટરનેટ અને કોચિંગ વિના પહેલા પ્રયાસમાં NEET-UG પરીક્ષા પાસ કરી અને પોતાના ગામમાં MBBS કરનાર પ્રથમ વિદ્યાર્થી બન્યો છે. મંગલાની આ સફળતાએ સાબિત કરી દીધું છે કે, મક્કમ મનોબળ અને આકરી મહેનત સામે સંસાધનોની કમી આડે આવી શકતી નથી.
આ પણ વાંચો: વાવના વાછરડામાં કૂવામાંથી દલિત યુવકની હત્યા કરાયેલી લાશ મળી?
એક શિક્ષકની મદદ નીટ પાસ કરી
મંગલા ખૂબ જ સામાન્ય પરિવારમાંથી આવે છે. તેના પરિવારમાં માતા-પિતા, એક ભાઈ અને એક બહેનનો સમાવેશ થાય છે. મંગલાએ ગામડાની શાળામાંથી પોતાનું શિક્ષણ પૂર્ણ કર્યું છે. તેણે ૫૦ ટકા માર્ક્સ સાથે ૧૦મું ધોરણ પાસ કર્યું હતું. ૧૧મું ધોરણ ભણવાની સાથે સાથે તેણે મેડિકલના અભ્યાસની તૈયારી પણ શરૂ કરી દીધી હતી. તેણે NEET માટે કોચિંગમાં પ્રવેશ મેળવ્યો હતો. જોકે, સૌથી ખાસ વાત એ છે કે મંગલાના શિક્ષકે તેને આ પરીક્ષા આપવા માટે પ્રેરણા આપી હતી, એ શિક્ષકના કારણે જ તેને કોચિંગમાં પ્રવેશ મળ્યો હતો.
ગામમાં ખુશીનો માહોલ
મંગલાએ પહેલા જ પ્રયત્નમાં નીટ યુજીની પરીક્ષા પાસ કરી લીધી છે અને હવે તે MKCG મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાંથી MBBSનો અભ્યાસ કરી રહ્યો છે. તેની આ સફળતા બદલ તેનો પરિવાર તેમજ ગામના લોકો તેના પર ગર્વ અનુભવી રહ્યા છે. એટલું જ નહીં, તેની સફળતા જોઈને તેના ગામના અન્ય બાળકો પણ અભ્યાસ કરવા માટે પ્રેરિત થઈ રહ્યા છે
આ પણ વાંચો: ગુજરાતની ‘પ્રથમ સરકારી સ્માર્ટ સ્કૂલ’ ના બાળકો પતરાં નીચે ભણે છે