વડોદરાના વાઘોડિયા વિસ્તારમાં દશામાના વ્રત દરમિયાન એક મંદિરમાં સાંઢણીની આંખોમાંથી ઘી નીકળતું હોવાની એક ઘટનાનો વીડિયો વાયરલ થયો હતો. એ પછી આ ઘટના સમગ્ર ગુજરાતમાં ચર્ચાનો વિષય બની હતી અને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ માતાજીના દર્શન કરવા માટે આ મંદિરમાં આવવા લાગ્યા હતા. પરંતુ હવે આ આખી ઘટના બોગસ હોવાનું સામે આવ્યું છે અને મંદિરની ભૂઈએ રૂપિયા કમાવા માટે પુત્ર સાથે મળીને આ તરકટ રચ્યું હોવાનો પર્દાફાશ થયો છે.
સામાન્ય બુદ્ધિ અને તર્ક ધરાવતી વ્યક્તિ પણ સમજી જાય કે, માટીની બનેલી સાંઢણીના આકારની પ્રતિમામાંથી કદી ઘી નીકળે નહીં. પરંતુ ધર્મના નશામાં ભાન ભૂલેલી ભીડ આ ઘટનાને તાર્કિક દ્રષ્ટિકોણથી જોવાને બદલે તેને માતાજીનો ચમત્કાર સમજીને દર્શન કરવા માટે ઉમટી પડી હતી. હવે વિજ્ઞાન જાથાની ટીમે આ મંદિરમાં પહોંચીને તપાસ કરતા આખો મામલો બોગસ હોવાનું સામે આવ્યું છે.
આ પણ વાંચો: ‘શંભુનાથ ટુંડિયા અને તેમના માણસો સરકારી બાંધકામમાં હપ્તા લે છે’
આ મંદિરની ભૂઈએ લેખિતમાં કબૂલાત આપી છે કે, તેણે જ સાંઢણીની આંખોમાંથી ઘી વહેતું હોવાનું નાટક ઉભું કર્યું હતું. જેથી વધુને વધુ લોકો મંદિરમાં દર્શન કરવા આવે અને દાનપેટીમાં રૂપિયા નાખે, જેથી તેને આખા વર્ષની કમાણી થઈ જાય અને કશો કામ ધંધો ન કરવો પડે. ભાંડો ફૂટી જતા દશામા મંદિરની ભૂઈએ લેખિતમાં માફી માંગીને પોતે આ ધતિંગ ઉભું કર્યું હોવાનું સ્વીકાર્યું હતું. સાથે જ, હવે પછી ક્યારેય પોતે અંધશ્રદ્ધા ફેલાવી લોકોની ધાર્મિક લાગણીઓનો ફાયદો ઉઠાવશે નહીં તેની ખાતરી આપી હતી.
મામલો શું હતો?
વડોદરાના વાઘોડિયા રોડ પર આવેલા દશામાના મંદિરમાં સાંઢણીની આંખમાંથી ઘી નીકળતું હોવાની ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. એ પછી અંધશ્રદ્ધાળુ લોકોના ટોળેટોળા આ ચમત્કારિ સાંઢણીના દર્શન અને પૂજા અર્ચના કરવા ઉમટી પડ્યા હતા. ઘટનાની જાણ થતા વિજ્ઞાન જાથાની ટીમ સત્યની તપાસ કરવા માટે મંદિરે પહોંચી હતી. જ્યાં ખ્યાલ આવ્યો હતો કે, આ આખું તરકટ મંદિરની ભૂઈમા સીતાબા ગણપતસિંહ ગોહિલ અને તેના પુત્ર સતિષસિંહ ગોહિલે રૂપિયા કમાવા માટે રચ્યું હતું.
ભૂઈ અને તેના પુત્રની પોલીસે અટકાયત કરી
વિજ્ઞાન જાથાએ તપાસ કરતા આ તરકટ બહાર આવ્યું હતું એ પછી આ બંને ઢોંગીઓ ભાંગી પડ્યા હતા અને પોતાના ગુનાની કબૂલાત કરી લીધી હતી. એ પછી વિજ્ઞાન જાથાની ટીમે વડોદરા પોલીસ કમિશનર, ડેપ્યૂટી પોલીસ કમિશનર, પાણીગેટ પોલીસ સ્ટેશનના પીઆઈ એ.બી પટેલ, એસપી ભરવાડ, મહિલા પોલીસ તથા પોલીસ કર્મીઓની હાજરીમાં આ તરકટના પર્દાફાશમાં મદદ કરી ભૂઈ સીતાબા ગોહિલ અને તેના પુત્ર સતિષસિંહની અટકાયત કરાવી હતી.
દશામાના વ્રતમાં રૂપિયા કમાઈ લેવા તરકટ રચ્યું હતું
ભૂઈ સીતાબાએ દશામાના વ્રતની તકનો લાભ લઈને સાંઢણીની આંખમાંથી ઘી વહેતું થયું હોવાની વાત ફેલાવી દીધી હતી. જેથી વધુને વધુ લોકો તેના મંદિરમાં આવે અને દાનપેટીમાં રૂપિયા નાખે. આ રીતે તેણે કાયમ માટે આર્થિક સમસ્યા હલ કરવાનું નક્કી કર્યું હતું. પણ તેનો ભાંડો ફૂટી ગયો હતો. પોલીસ અને વિજ્ઞાન જાથાની ટીમને જોતા જ ભૂઈ સીતાબાના હાજાં ગગડી ગયા હતા અને તે અસ્વસ્થ હોવાનું નાટક કરવા લાગી હતી.
વારંવાર પાણી પીને તે બેભાન થઈ રહી હતી. પણ પોલીસ સામે તેની એકેય કારી ફાવી નહોતી. આમ વિજ્ઞાન જાથાની ટીમના કારણે ધર્મના નામે ચાલતા એક મોટા ધતિંગનો પર્દાફાશ થયો હતો. આ પર્દાફાશ દરમિયાન વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યા, ભક્તિબેન રાજગોર, રોમિત રાજદેવ, સાહિલ રાજદેવ, ગુલાબસિંહ ચૌહાણ, રવિ પરબતાણી વગેરે હાજર રહ્યા હતા
આ પણ વાંચો: ક્રિકેટમાં રૂ. 50 હારી જતા 7 યુવકોએ દલિત વિદ્યાર્થી સાથે દુષ્કર્મ કર્યું