ઝારખંડના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને દિશોમ ગુરૂ તરીકે જાણીતા શિબૂ સોરેનનું લાંબી બીમારી બાદ આજે સવારે નિધન થયું છે. ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેને ઇન્સ્ટાગ્રામ પર તેમના નિધનની માહિતી આપી. ઝારખંડ મુક્તિ મોરચા (JMM) ના સ્થાપક, સંરક્ષક શિબુ સોરેન એક મહિનાથી વધુ સમયથી દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ હતા. કિડની સંબંધિત સમસ્યાઓને કારણે શિબુ સોરેન (81) ને જૂનના છેલ્લા અઠવાડિયામાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
શિબુ સોરેનના નિધનની પુષ્ટિ કરતા ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેને ઇન્સ્ટાગ્રામ પર લખ્યું, ‘આદરણીય દિશોમ ગુરુજી આપણા બધાને છોડીને ગયા છે. આજે હું શૂન્ય થઈ ગયો છું…’ હોસ્પિટલ દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે ભૂતપૂર્વ મુખ્યમંત્રીને સવારે 8:56 વાગ્યે મૃત જાહેર કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચો: 9 વર્ષના દલિત બાળકની હત્યા કરી લાશ બાવળે લટકાવી દીધી
કિડનીની સમસ્યાથી પીડાતા શિબૂ સોરેનને દોઢ મહિના પહેલા સ્ટ્રોક આવ્યો હતો. તેઓ લગભગ એક મહિનાથી લાઇફ સપોર્ટ સિસ્ટમ પર હતા. ડોકટરોની એક ટીમ સતત ICUમાં તેમનું નિરીક્ષણ કરી રહી હતી. પરંતુ આખરે તેમને બચાવી શકાયા નહીં.
आदरणीय दिशोम गुरुजी हम सभी को छोड़कर चले गए हैं।
आज मैं शून्य हो गया हूँ…
— Hemant Soren (@HemantSorenJMM) August 4, 2025
શિબુ સોરેન ત્રણ વખત ઝારખંડના મુખ્યમંત્રી બન્યા હતા. તેમણે 38 વર્ષથી વધુ સમય સુધી ઝારખંડ મુક્તિ મોરચાનું નેતૃત્વ કર્યું હતું. તેમણે ઝારખંડ રાજ્ય માટે લાંબા આંદોલનનું નેતૃત્વ કર્યું અને ત્રણ વખત ઝારખંડના મુખ્યમંત્રી રહ્યા. તેમણે 2 માર્ચ 2005ના રોજ પહેલી વાર મુખ્યમંત્રી તરીકે શપથ લીધા, પરંતુ બહુમતી સાબિત ન કરી શકવાને કારણે 12 માર્ચ 2005ના રોજ રાજીનામું આપવું પડ્યું. પહેલીવાર તેઓ માત્ર 10 દિવસ માટે જ મુખ્યમંત્રી રહી શક્યા.
બીજી વખત, તેઓ 27 ઓગસ્ટ 2008 ના રોજ મુખ્યમંત્રી બન્યા અને 19 જાન્યુઆરી 2009 સુધી આ પદ પર રહ્યા. તેમણે 30 ડિસેમ્બર 2009 ના રોજ ત્રીજી વખત મુખ્યમંત્રી પદ સંભાળ્યું અને 1 જૂન 2010 સુધી રહ્યા. ઝારખંડને બિહારથી અલગ રાજ્યનો દરજ્જો અપાવવામાં તેમનો સિંહફાળો રહ્યો છે. આદિવાસી સમાજને મુખ્યધારાની રાજનીતિના કેન્દ્રમાં લાવવામાં પણ શિબૂ સોરેનનો મોટો ફાળો રહ્યો છે.
આ પણ વાંચો: માનગઢમાં હજારો આદિવાસીઓ ઉમટ્યાં, અલગ ભીલ પ્રદેશની માંગ કરી