આદિવાસી સમાજના યુવાનો જો યોગ્ય તક મળે તો પોતાની પ્રતિભાના જોરે દેશનું નામ રોશન કરી શકે છે. ખાસ કરીને ખેલકૂદમાં તેમની તોલે કોઈ આવે તેમ નથી. આવું જ કંઈક બિરસા મુંડાની ભૂમિ ઝારખંડમાં એક આદિવાસી કિશોરે કરી બતાવ્યું છે. ધોરણ 8માં અભ્યાસ કરતા આ આદિવાસી કિશોરની ભારતની અંડર-16 કિક્રેટ ટીમમાં પસંદગી કરવામાં આવી છે. તેના પિતા ગામમાં વેલ્ડીંગનું કામ કરે છે અને માતા સિવણકામ કરે છે.
ઘટના ઝારખંડના ગુમલા જિલ્લાની છે. આ જિલ્લાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે આ ભૂમિ માત્ર સંસ્કૃતિ અને સંઘર્ષની જ નહીં, પરંતુ પણ ખેલ પ્રતિભાઓની પણ જનની છે. ગુમલા શહેરની સરકારી શાળામાં આઠમા ધોરણમાં અભ્યાસ કરતા 14 વર્ષના આદિવાસી વિદ્યાર્થી કૃષ્ણા ટાના ભગતની ભારતની અંડર-16 ક્રિકેટ ટીમમાં પસંદગી થઈ છે. આ સમાચાર મળતાં જ શાળામાં ખુશીનું મોજું ફરી વળ્યું અને શિક્ષકો, વિદ્યાર્થીઓ તથા સ્થાનિક લોકો પણ ગર્વથી ઝૂમી ઉઠ્યા હતા.
આ પણ વાંચો: દલિત યુવકને દારૂ પીવડાવી માથાભારે શખ્સે પાઈપ મારી હત્યા કરી
કૃષ્ણાના પિતા વેલ્ડિંગનું કામ કરે છે
કૃષ્ણા સિસાઈ તાલુકાના સિસકારી ગામનો છે, પરંતુ હાલમાં તેનો આખો પરિવાર હિમાચલ પ્રદેશમાં સ્થાયી થયો છે. પિતા ત્યાં વેલ્ડિંગનું કામ કરે છે, જ્યારે માતા સીવણકામ સંભાળે છે. આર્થિક રીતે મર્યાદિત સંસાધનો હોવા છતાં કૃષ્ણાએ ક્યારેય ક્રિકેટ પ્રત્યેનો પોતાનો જુસ્સો ખતમ થવા દીધો નહોતો. તેના માતાપિતાએ હંમેશા તેને પ્રોત્સાહન આપ્યું અને આ સહકાર તેની સફળતાનો પાયો બન્યો.
કૃષ્ણા એક મિત્ર સાથે ભાડાના ઘરમાં રહે છે
ડિસેમ્બર 2024 માં રાંચીમાં યોજાયેલી ટ્રાયલમાં કૃષ્ણાએ બેટ્સમેન તરીકે શાનદાર પ્રદર્શન કર્યું હતું, ત્યારબાદ તેની ભારત અંડર-16 ટીમમાં પસંદગી થઈ છે. હાલમાં, તે સિસાઈના મહુઆદીપામાં એક મિત્ર સાથે ભાડાના મકાનમાં રહે છે અને દરરોજ બસમાં બેસીને શાળાએ જાય છે. સાંજે પરત ફરીને તે પરમવીર આલ્બર્ટ એક્કા સ્ટેડિયમમાં કોચ જ્ઞાન સરના માર્ગદર્શન હેઠળ સખત પ્રેક્ટિસ કરે છે.
માત્ર શાળા જ નહીં પરંતુ સમગ્ર ગુમલા જિલ્લો કૃષ્ણાની આ સિદ્ધિ પર ગર્વ અનુભવે છે. આ સફળતા યુવા ખેલાડીઓ માટે પ્રેરણા બની છે કે મુશ્કેલીઓ છતાં જો જુસ્સો હોય, તો મંજિલ દૂર નથી. શાળા પરિવાર અને સ્થાનિક લોકોએ કૃષ્ણાને ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છા પાઠવી છે.
આ પણ વાંચો: ‘સ્વામીનારાયણ, બ્રહ્માકુમારી, ઈસ્કોન વગેરે ફ્રોડ સંપ્રદાયો છે!’ : શંકરાચાર્ય