પીડિતાને જ દોષિત ઠેરવી દેતી પિતૃસત્તાત્મક માનસિકતા

patriarchal mentality: પીડિતાને દોષી ઠેરવી દેવાનું પિતૃસત્તાત્મક વલણ કુટુંબ, સમાજ, રાજકારણ, મીડિયા અને અદાલતો એમ ઠેરઠેર જોવા મળે છે.
patriarchal mentality victim blaming

ચંદુ મહેરિયા

patriarchal mentality that blames the victim: સુરતના કોંચિંગ ક્લાસમાં અધ્યાપન કાર્ય કરતી પાટીદાર યુવતી પર નીલ દેસાઈ નામનો સગીર તેની સાથે સંબંધ રાખવા બળજબરી કરતો હતો. તેની સતત હેરાનગતિ અને ધાકધમકીથી કંટાળીને યુવતીએ આત્મહત્યા કરી. આત્મહત્યા માટેની દુષ્પ્રેરણાના આરોપસર સગીરની અટકાયત પછી મીડિયા રિપોર્ટ મુજબ કથિત આરોપી સગીરના કુટુંબીજનો અને જ્ઞાતિજનોએ યુવતીના મેસેજો સોશિયલ મીડિયામાં વાઈરલ કરી તેને દોષિત ઠેરવવાનો પ્રયાસ કર્યો હતો.

પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતાની આરજીકર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં મહિલા તબીબ પર બળાત્કાર અને હત્યાના બનાવને હજુ તો વરસ પણ થયું નથી અને કોલકાતાની કાયદાની કોલેજમાં ચોવીસ વર્ષિય કોલેજ છાત્રા પર કોલેજ પરિસરમાં જ સામુહિક બળાત્કાર કરવામાં આવ્યો છે. બળાત્કારીઓ પૈકીનો એક રાજ્યના સત્તાપક્ષ તૃણમૂલ કોંગ્રેસનો સક્રિય કાર્યકર છે. ઘટનાના રાજકીય પ્રત્યાઘાત પડ્યા તો તૃણમૂલ વિધાયક મદન મિત્રાએ કહ્યું કે, “જો યુવતી ઘટનાસ્થળે ગઈ જ ના હોત, જતાં પહેલાં કોઈને વાત કરી હોત કે કોઈ બહેનપણીને સાથે લઈ ગઈ હોત તો બળાત્કારની ઘટના જ ન બની હોત.” પક્ષના વરિષ્ઠ સાંસદ કલ્યાણ બેનરજીએ એથી પણ આગળ વધીને એમ કહ્યું કે, “શું દરેક સ્થળે પોલીસ પહેરો હોઈ શકે?” બળાત્કારનો ભોગ બનેલી યુવતી પર દોષનો ટોપલો ઢોળી દેવાનું આ તે કેવું વલણ?

આ પણ વાંચોઃ પેટ માટે રોટલો, રોટલા માટે જમીન, જમીન માટે ઝૂઝવાનું

ઓડિશાના બાલાસોરની ફકીર મોહન અધ્યાપન કોલેજની બી. એડની વિદ્યાર્થીની સાથે કોલેજના પ્રોફેસર સમીર રંજન સાહુ જાતીય સતામણી કરતા હતા. છાત્રાએ તેની ફરિયાદ કોલેજના આચાર્યને કરી પણ તેની ફરિયાદ તરફ દુર્લક્ષ સેવવામાં આવ્યું. ઉત્પીડનના આરોપી અધ્યાપક સામે પગલાં લેવા છાત્રાએ ધરણાંનો માર્ગ અખત્યાર કર્યો. એ વેળા પ્રોફેસરને નિર્દોષ દર્શાવી ફરિયાદી છાત્રાને કોલેજમાંથી સસ્પેન્ડ કરવાની માંગણી તેના ૭૧ સહછાત્રોએ કરી. લાંબા સંઘર્ષ છતાં ન્યાયની કોઈ આશા ન જણાતાં યુવતીએ કોલેજમાં જ આત્મદાહ કર્યો અને સારવાર પછી તેનું અવસાન થયું. આ ઘટનામાં પણ કોલેજ અને સહપાઠીઓનું વલણ પીડિતાનો જ દોષ જોવાનું રહ્યું હતું.

આ પણ વાંચોઃ જ્યારે જજે કહ્યું, પીડિતા પાસે રાખડી બંધાવે તો જામીન આપું

surat case

ગરીબ, આદિવાસી, દલિત, કાળા અને મહિલા જેવા પીડિતોને દોષી ગણવાનું વલણ જાણે કે સહજ અને સાર્વત્રિક છે. જો તમે ગરીબ છો તો તમને કામચોર, આળસુ, વ્યસની ગણીને તમારી આર્થિક હાલતનું કારણ સંસાધનોની અસમાન વહેંચણી છે તે ભૂલવી દઈને તમને જ જવાબદાર ગણવામાં આવે છે. રંગભેદ, જ્ઞાતિભેદ , લિંગભેદ જેવા અનેક ભેદભાવનો શિકાર બનેલા લોકોને સામાજિક પૂર્વગ્રહો તથા સાંસ્કૃતિક માપદંડોના આધારે બ્લેઈમ કરી તેમણે કંઈક એવું કર્યું છે કે જે તેમણે ભોગવવું પડે છે એવું ઠસાવવામાં આવે છે. કાળાઓ પ્રત્યેના ધોળિયાઓના અન્યાય અને રંગભેદ છતાં તેમને જ દોષિત ગણવા સંદર્ભે અમેરિકી મનોવૈજ્ઞાનિક અને માનવ અધિકાર કર્મશીલ વિલિયમ રયાને(જન્મ-૧૯૨૩, અવસાન-૨૦૦૨) ૧૯૭૧માં લખેલ પુસ્તક ” BLAMING THE VICTIM’ માં આ પ્રકારના કૃત્યને કોઈ માનસિકતા કે વલણને બદલે વિચારધારા ગણાવી છે. પીડિતોને દોષિત ઠેરવવા તે ફાસીવાદી ચરિત્રનું સૌથી ભયાવહ સ્વરૂપ છે.

આ પણ વાંચોઃ ભૂદાન આંદોલનમાં ગુજરાતમાં જે જમીનો મળી તેનું શું થયું?

આ સૌમાં મહિલા પીડિતને દોષિત ગણી લેવાનો ચાલ તો રોજેરોજનો છે. યૌન અને ઘરેલુ હિંસા, શારીરિક છેડછાડથી બળાત્કાર જેવી હિંસાનો ભોગ બનેલી પીડિતાઓને તેમની સાથે થયેલા ખરાબ વર્તન કે બળાત્કાર માટે એ પોતે જ દોષિત હોય તેવું વર્તન અને વ્યવહાર કરવામાં આવે છે. મહિલાઓ સાથે હિંસા આચરતા પુરુષો તો જાણે દેવના દીકરા હોય તેમ ‘લડકે હૈ કભી કભી ભૂલ હો જાતી હૈ’ કહીને તેમને છાવરવામાં આવે છે કે તેમનો બચાવ કરવામાં આવે છે. જ્યારે મહિલાઓને માથે ‘એ તો છે જ એવી’, ‘આવા અડધા ઉઘાડાં દેખાવાય એવાં કપડાં તે પહેરાતા હશે?’ ‘પણ એ અડધી રાતે ગઈ જ શું કામ?’ એવા સવાલો, આરોપ, દોષથી માંડીને ‘એજ લાગની છે’ સુધીના જજમેન્ટ અપાય છે. પીડિતાને દોષિત ઠેરવવી તે આપણી જડબેસલાક પિતૃસત્તાત્મક માનસિકતાને કારણે છે. જે કુટુંબ, સમાજ,રાજકારણ,મીડિયા અને અદાલતો એમ ઠેરઠેર જોવા મળે છે.

વિનયભંગની પીડિતાને અવિશ્વસનીય ગણવી, તેના પર આચરાયેલ જુલમને હળવાશથી લેવો એ તો ખરું જ પણ આવા બનાવ પછી પોલીસ સ્ટેશન, હોસ્પિટલ અને કોર્ટામાં ટ્રાયલ દરમિયાન તેને બળાત્કાર કે જાતીય સતામણી કરતાં ય વધુ મોટો આઘાત સહેવો પડે છે. બળાત્કારની તપાસ માટે પ્રતિબંધિત ટુ ફિંગર પરીક્ષણ, પોલીસ ફરિયાદમાં વિલંબ કે નહીં નોંધવાનું વલણ અને ટ્રાયલ દરમિયાન વકીલોના આક્ષેપો અને અંગત સવાલોથી જાણે કે તેના પર બીજો બળાત્કાર થાય છે.

આ પણ વાંચોઃ સરપંચ પતિપ્રથા મહિલા અનામતના હેતુને નબળો પાડે છે

patriarchal mentality

જ્યાં ન્યાયની આશા લઈને પીડિતા જાય છે ત્યાં પણ તેને ઘણીવાર અન્યાય થાય છે. ૨૦૨૦માં કર્ણાટક હાઈકોર્ટના જસ્ટિસ કૃષ્ણ દીક્ષિતે બળાત્કારના આરોપીને મુક્ત કરતાં બળાત્કાર પછી સર્વાઈવર સૂઈ ગઈ હતી તે બાબતને ગંભીર ગણી હતી અને તેને પરંપરાગત ભારતીય મહિલાના વલણ કરતાં જૂદું ગણાવી ફરિયાદને ખોટી માની હતી. તહેલકાના તરુણ તેજપાલ સામેની ફરિયાદ અંગે ગોવા હાઈકોર્ટે ઘટનાના આગલા દિવસની તસવીરોમાં પીડિતાના ચહેરા પર કોઈ પરેશાની જણાતી નથી અને તે ખુશ જણાય છે, તે બનાવ પછી ગોવામાં રોકાઈ હતી અને આખા કાર્યક્રમમાં હાજર રહી હતી તે બાબતને પણ ધ્યાનમાં રાખી ફરિયાદને અવિશ્વસનીય ગણાવી તેજપાલને આરોપ મુક્ત કર્યા હતા. ૧૯૯૫માં રાજસ્થાનના ભંવરી દેવી બળાત્કાર કાંડના ચુકાદામાં પણ અદાલતે કથિત નિમ્ન જ્ઞાતિની મહિલા પર કથિત ઉચ્ચ જ્ઞાતિના પુરુષો કે કાકા-ભત્રીજા સાથે કે વિવિધ વયજૂથના પુરુષો એક સાથે બળાત્કાર કરે તેને અસ્વીકાર્ય બાબત ગણી હતી. આ ઉદાહરણો દર્શાવે છે કે પીડિતાઓ પ્રત્યેનું અદાલતોનું વલણ ક્યારેક ખાપ પંચાયતો જેવું હોય છે.

આ પણ વાંચોઃ ગટર-જાજરૂ સફાઈના કામને કેમ ટોક્સિક વર્ક કલ્ચરમાં ગણતા નથી?

મહિલાઓને વસ્તુ નહીં પણ વ્યક્તિ માનવાની માનસિકતા હજુ કેળવાઈ નથી. મધ્યપ્રદેશના એક બળાત્કાર કેસમાં જ્યારે સર્વોચ્ચ અદાલતે સ્ત્રીના શરીરને મંદિર જેવું ગણાવ્યું ત્યારે પણ તેમની માનસિકતા મહિલાને દેવી ગણાવાની, તેના શરીરને પવિત્ર ગણવાની હતી. જાતીય શોષણનો ભોગ બનેલી મહિલાને કલંકિત ગણી તેનો ત્યાગ કરવો, અલગ પાડી દેવી, હડધૂત કરવી જેવી બાબતો સમાજમાં સહજ છે તેના મૂળમાં સ્ત્રીના શરીરને મંદિર કે પવિત્ર માનવાનું વલણ છે.

શારીરિક અત્યાચારોનો ભોગ બનેલી સ્ત્રીએ થાકીને સૂઈ જવાનું નથી પણ રડવાનું છે, ગભરાવાનું છે, બૂમો પાડવાની છે, ન્યાયની ભીખ માંગવાની છે – જેવા માપદંડો સમાજે તેના પર થોપ્યા છે. જ્યારે મહિલા તેના કરતાં જૂદું વલણ અપનાવે છે ત્યારે તેને દોષિત ગણવામાં આવે છે. હવે આ વલણ બદલવાનું છે. મહિલાનું શરીર મંદિર કે પવિત્ર નથી. બળાત્કારથી તે કલંકિત થઈ જતી નથી. તેણે જાતીય અત્યાચાર પછી દુ:ખી, બાપડી, બિચારી થવાનું નથી. પરંતુ સામાજિક, ધાર્મિક, સાંસ્કૃતિક પૂર્વગ્રહોનો સામનો કરવાનો છે. તો જ પીડિતાને દોષી માનતી માનસિકતામાં પરિવર્તન આવશે. (maheriyachandu@gmail.com)

(લેખક વરિષ્ઠ પત્રકાર, રાજકીય વિશ્લેષક અને બહુજન સમાજના પ્રશ્નોના તલસ્પર્શી અભ્યાસુ છે.)

આ પણ વાંચોઃ મારો ન્યાય, સરળ અને સમજાય તેવી મારી ભાષામાં કયારે?

5 1 vote
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
શું તમે SC/ST એક્ટ હેઠળના કેસોની તપાસ અને સજાના દરથી સંતુષ્ટ છો?
0
Would love your thoughts, please comment.x
()
x