લોભિયા હોય ત્યાં ધૂતારા ભૂખે ન મરે તે કહેવત અમદાવાદના વીરમગામમાં સાર્થક થઈ છે. અહીં ફરસાણની દુકાન ધરાવતા એક વેપારીને એક મહિલા તાંત્રિકે તમારી દુકાન નીચે કરોડોની કિંમતનું સોનું દટાયેલું છે અને તેને બહાર કાઢવા માટે વિધિ કરવી પડશે તેમ કહીને રૂ. 67 લાખની છેતરપિંડી આચરી હતી. વેપારીને છેતરાયા હોવાનું માલુમ થતા તેણે હવે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.
વીરમગામમાં ફરસાણની દુકાન ધરાવતા વેપારી પોતાની દુકાન દબાણમાં જવાની હોવાથી અને અન્ય દુકાન તેના નામે થઈ જાય તે માટે એક મહિલા તાંત્રિક પાસે વિધિ કરાવવા પહોંચ્યા હતા. એ દરમિયાન મહિલા તાંત્રિકે વેપારીને તેની દુકાન નીચે કરોડોની કિંમતનું સોનું દટાયેલું હોવાનું કહીને તે સોનું અપાવવાની લાલચ આપીને અલગ અલગ વિધીના નામે 67 લાખ જેવી માતબર રકમની છેતરપિંડી કરી હતી. મૂળ ગોધરાની મહિલા તાંત્રિકે મેલી વિદ્યાના નામે બીજા અનેક લોકો સાથે પણ કરોડો રૂપિયાની છેતરપિંડી આચરી હોવાનું પણ પોલીસ તપાસમાં સામે આવ્યું છે.
વીરમગામના ફરસાણના વેપારી ફસાયા
વીરમગામમાં માંડલ રોડ પર આવેલી સર્વોદય સોસાયટીમાં રહેતા ૬૨ વર્ષીય દિનેશભાઇ શેઠ ફરસાણની દુકાન ધરાવે છે. ગત સપ્ટેમ્બર ૨૦૧૪માં તો તેમના એક સગાને મળવા હાલોલ ગયા હતા. આ સમયે તેમના સગા તેમને ગોધરાના જીતપુરામાં રહેતા કોમલ રાઠોડ પાસે લઇ ગયા હતા. કોમલ રાઠોડ નામની મહિલા પોતાને માતાજી તરીકે ઓળખાવીને વિવિધ પ્રશ્નો હલ કરવાની ખાતરી આપતી હતી. કોલમ રાઠોડને મળ્યા ત્યારે તેણે દિનેશભાઇને કહ્યું હતું કે એક સપ્તાહ બાદ મળવા આવજો. હું તમારા પ્રશ્નનું નિરાકરણ લાવી આપીશ. જેથી વિશ્વાસ કરીને દિનેશભાઇ તેમની પત્નીને લઇને ફરીથી તાંત્રિક કોમલ રાઠોડને મળવા માટે ગયા હતા.
આ પણ વાંચો: અશ્લીલ વીડિયો વાયરલ થવાના ડરે દલિત દીકરીએ 14મા માળેથી પડતું મૂક્યું
જ્યાં દિનેશભાઇએ તેને જણાવ્યું હતું કે તેમની હાલ દુકાન પર દબાણ આવવાની હોવાથી તુટી જાય તેમ છે અને હાલ નવી દુકાનનો સોદો કર્યો કર્યો છે, પણ તે નામે થતી નથી. એ દરમિયાન મહિલા તાંત્રિકે હાલની દુકાન પર રક્ષણ આપવાનું કહ્યું હતું અને નવી દુકાનની નીચે મોટા પ્રમાણમાં ધન છુપાયેલું છે તેમ જણાવીને દિનેશભાઇને પોતાની વાતમાં ભોળવી દીધા હતા. એ પછી વિધિ માટે માતાજીને શણગાર ધરવો પડશે કહીને સોનાના દાગીનાના નામ લખેલી ચિઠ્ઠી આપી હતી. સાથે જ મહિલા તાંત્રિકને એક લાખની જરૂર હોવાથી તેના પતિને નાણાં મોકલી આપ્યા હતા.
અલગ અલગ વિધિના નામે લાખો રૂપિયા પડાવ્યા
એક મહિના દરમિયાન ચિઠ્ઠીમાં લખેલા રૂપિયા ત્રણ લાખની કિંમતના દાગીના લઇને દિનેશભાઈ ગોધરા ગયા હતા. ત્યાં કહ્યું હતું કે નવી દુકાનની લોન નથી થતી જેથી તે દુકાન પાછી આપી દેવી પડશે. ત્યારે મહિલા તાંત્રિકે નવી દુકાન નીચે રહેલું સોનું વિધિ કરીને ઘરમાં ખેચી લાવવાની વાત કરી હતી. આ માટે તેણે બેડરૂમનું ફ્લોરીંગ તોડાવીને ત્યાં પૂજા વિધિ કરાવી હતી અને અમાસના દિવસે રસોડામાંથી સોનું નીકળશે. તેમ કહ્યું હતું. આ માટે બેડરૂમમાં વિધી શરૂ કરી હતી. પરંતુ, દિનેશભાઇને કહ્યું હતું કે જો રૂમનો દરવાજો વિધી પુરી થયા પહેલા ખોલશો તો માતાજીના પ્રકોપથી મોતને ભેટશો અને મોટું નુકશાન થશે. માટે વિધી પુરી કરવી પડશે.
આ દરમિયાન તેણે અઢી લાખ રૂપિયા મંગાવ્યા હતા. બાદમાં થોડા દિવસ બાદ મહિલા તાંત્રિક ઘરે આવી હતી અને રસોડામાં વિધિના નામે ઘરમાં જઇને સોના જેવી ધાતુ લઇને આવી હતી અને તે રસોડામાંથી મળ્યાનો દાવો કર્યો હતો. પરંતુ, રૂમનો દરવાજો ખોલવા માટે માતાજી રજા આપતા નથી તેમ કહીને વિધી માટે વધારે દાગીનાની જરૂર પડશે અને જો વિધી પુરી નહી થાય તો માતાજીનો પ્રકોપ વરસી પડશે તેમ કહીને દિનેશભાઈને ડરાવ્યા હતા.
રૂમનો દરવાજો ખોલી તપાસ કરતા માત્ર ચૂંદડી નીકળી
બાદ લાખોના દાગીના પડાવ્યા બાદ ફરીથી વિધિ કરીને જણાવ્યું હતું કે માતાજી રાજી થયા છે. જેથી ફાઇનલ વિધિ કરવાના નામે ફરીથી લાખોની રોકડ પડાવી હતી. પરંતુ, ત્યારબાદ ફરીથી રૂમ નહી ખોલવાનું કહીને દાગીના માંગ્યા હતા. જેથી દિનેશભાઇને શંકા જતા તેમણે રૂમ ખોલીને તપાસ કરતા ત્યાં માત્ર ચુંદડી જ હતી. આમ, છેતરપિંડી થયાનો ખ્યાલ આવતા દિનેશભાઇએ વીરમગામ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેમાં કોમલ રાઠોડ નામની મહિલા તાંત્રિકે કુલ ૬૭ લાખની મત્તા પડાવી હોવાનો ઉલ્લેખ કરાયો હતો. આ અંગે વીરમગામ પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચો: કાવડયાત્રા જોવા ગયેલા બે દલિત યુવકોને થાંભલા સાથે બાંધી માર્યા