તમિલનાડુના કરુરના મુથુલાદમપટ્ટીમાં અનુસૂચિત જાતિના અરુણથથિયાર સમાજના લોકોને કથિત સવર્ણ થોટ્ટિયા નાયકર સમાજના લોકોએ તેમની વસ્તીમાં પ્રવેશવા રોકવા માટે ગેરકાયદે રીતે બનાવેલી 200 ફૂટ લાંબી અને 10 ફૂટ ઊંચી ‘આભડછેટની દિવાલ’ને આખરે તોડી પાડવામાં આવી છે. સ્થાનિક તંત્રે પોલીસ સુરક્ષા વચ્ચે શનિવાર તા. 9 ઓગસ્ટ 2025ના રોજ તેને તોડવાનું શરૂ કરી દીધું હતું.
કાયદા સામે સવર્ણોની દાદાગીરી ન ચાલી
ધ હિન્દુના એક રિપોર્ટ મુજબ, લગભગ 200 ફૂટ લાંબી અને 10 ફૂટ ઊંચી દિવાલ ત્રણ અઠવાડિયા પહેલા સરકારી જમીન પર બનાવવામાં આવી હતી. અનુસૂચિત જાતિના લોકોએ તરત જ તેનો વિરોધ કર્યો હતો અને આરોપ લગાવ્યો કે તે ‘અસ્પૃશ્યતાની દિવાલ’ છે. દિવાલનું નિર્માણ થયું ત્યારથી તે ઉચ્ચ જાતિના હિન્દુઓ અને અનુસૂચિત જાતિ સમાજના લોકો વચ્ચે વિવાદનો વિષય બની ગઈ હતી. જ્યારે અનુસૂચિત જાતિના લોકોએ દાવો કર્યો હતો કે દિવાલ તેમને ઉચ્ચ જાતિના હિન્દુઓ વસતા વિસ્તારોમાં પ્રવેશતા અટકાવવા માટે બનાવવામાં આવી હતી, ત્યારે સવર્ણ હિન્દુઓએ આ આરોપને નકારી કાઢ્યો હતો, અને દાવો કર્યો હતો કે તેઓએ દિવાલ અસામાજિક પ્રવૃત્તિઓને રોકવા અને તેમના મતે, આ વિસ્તારમાં દારૂ પીને ફરતા લોકોને બહાર રાખવા માટે બનાવી હતી.
સરકારી જમીન પર દાદાગીરી કરી દિવાલ ચણી નાખી હતી
અહેવાલ મુજબ, મહેસૂલ વિભાગે થોડા દિવસો પહેલા થોટ્ટિયા નાયકર સમાજના નેતા ‘કોથુકર’ને 15 દિવસની અંદર દિવાલ તોડી પાડવા માટે નોટિસ પાઠવી હતી, જેમાં કહેવામાં આવ્યું હતું કે જે જમીન પર દિવાલ બનાવવામાં આવી છે તે સરકારી જમીન હતી. વધુમાં, દિવાલ બનાવવા માટે કોઈ પરવાનગી લેવામાં આવી નહોતી.
આ પણ વાંચો: દલિતોને ગામમાં પ્રવેશતા રોકવા સવર્ણોએ 200 ફૂટની દિવાલ ચણી નાખી
જો કે સવર્ણોએ જણાવ્યું હતું કે દિવાલ અનુસૂચિત જાતિના લોકોના પ્રવેશને રોકવા માટે નહીં પરંતુ ‘બહારના લોકો’ની અસામાજિક પ્રવૃત્તિઓને રોકવા માટે બનાવવામાં આવી હતી. તેમણે દિવાલ તોડી પાડવાનો ઇનકાર કર્યો હતો. આ મામલે બંને સમાજ વચ્ચે ઘર્ષણ થવાની સંભાવના હોવાથી મહેસૂલ વિભાગે શુક્રવારે રાત્રે બીજી નોટિસ જારી કરીને સવર્ણોને શનિવારે (9 ઓગસ્ટ, 2025) સવારે 11 વાગ્યા સુધીમાં દિવાલ દૂર કરવાનો નિર્દેશ આપ્યો હતો. આ કાર્યવાહીનો સખત વિરોધ કરતા મોટી સંખ્યામાં લોકોએ શુક્રવારે રાત્રે કલેક્ટર કચેરી ખાતે ધરણા કર્યા હતા. જો કે, મહેસૂલ અધિકારીઓએ તેમની એકેય વાત સાંભળી નહોતી અને શનિવારે દિવાલ તોડી પાડવામાં આવશે તેમ જણાવ્યું હતું. એ પછી સવર્ણો ઢીલા પડ્યા હતા.
Amid tight police security, Karur district administration on Saturday razed down the alleged ‘#untouchabilitywall‘ built in a govt Poramboke land that was restricting free movement of Dalits residents in Muthuladampatti area of #Karur. @timesofindia https://t.co/2HaauabiK1 pic.twitter.com/RTLYUVlFR1
— SrivatsalTOI (@SVatsal14825) August 10, 2025
પોલીસે સવર્ણોને કાયદાનું ભાન કરાવ્યું, અંતે દિવાલ તૂટી
ઈન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટ મુજબ, 9 ઓગસ્ટની સવારે પોલીસ અધિક્ષક કે. જોશ થંગૈયાના નેતૃત્વમાં લગભગ 200 પોલીસ અધિકારીઓ દિવાલ પાસે આવીને ગોઠવાઈ ગયા હતા. પરંતુ સવર્ણ હિન્દુ મહિલાઓ દિવાલની સામે સાંકળ રચીને આડી ઉભી રહી ગઈ હતી. એ દરમિયાન એસપીએ મામલતદાર કચેરીમાં શાંતિ બેઠક બોલાવી બંને સમાજના નેતાઓને એકસાથે બોલાવ્યા હતા. આરડીઓ અને મામલતદાર સહિત મહેસૂલ અધિકારીઓ પણ તેમાં હાજર રહ્યા. કલાકોની વાટાઘાટો પછી આખરે કથિત સવર્ણ થોટ્ટિયા નાયકર જાતિના આગેવાનો દિવાલ જાતે તોડી પાડવા સંમત થયા હતા.
આ પણ વાંચો: કાવડયાત્રા જોવા ગયેલા બે દલિત યુવકોને થાંભલા સાથે બાંધી માર્યા