બ્રાહ્મણ યુવતી સાથે પ્રેમલગ્ન કરનાર દલિત યુવકની સાસરિયાઓએ હત્યા કરી

બ્રાહ્મણ યુવતી સાથે પ્રેમલગ્ન કરનાર દલિત યુવક પર તેના સસરા સહિત 12 લોકોએ મળી હુમલો કરી મોતને ઘાટ ઉતારી દીધો.
Gwalior dalit Honor Killing

Gwalior Honor Killing: મધ્યપ્રદેશના ગ્વાલિયર જિલ્લામાંથી ‘ધડક’ ફિલ્મ જેવી ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીંના ભીતરવાર પોલીસ સ્ટેશન વિસ્તારના હરસી ગામમાં બ્રાહ્મણ યુવતી સાથે પ્રેમ લગ્ન કરનાર દલિત યુવક પર યુવતીના પિતા સહિતના પરિવારના 12 જેટલા લોકોએ મળીને ઘાતક હથિયારો વડે હુમલો કર્યો હતો. જેમાં દલિત યુવક ગંભીર રીતે ઘાયલ થયો હતો. જેના કારણે તેણે તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો હતો. જ્યાં 6 દિવસ સુધી તેની સારવાર ચાલી હતી. અંતે યુવકનું મોત થઈ ગયું. હવે પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

ઓનર કિંલીગની ઘટનાએ જાતિવાદને ઉજાગર કર્યો

મૃતક દલિત યુવકનું નામ ઓમપ્રકાશ બાથમ હતું અને તે 25 વર્ષનો હતો. તેણે પોતાના જ ગામની શિવાની ઝા નામની બ્રાહ્મણ યુવતી સાથે પરસ્પર સંમતિથી પ્રેમ લગ્ન કર્યા હતા. પરંતુ યુવતીના પિતા સહિતના પરિવારજનોએ આ લગ્ન પસંદ આવ્યા નહોતા અને તેઓ સતત બંનેને શોધતા હતા. આખરે યુવક-યુવતી રક્ષાબંધન પર ગામમાં પરત ફરતા યુવતીના પરિવારજનોને હુમલો કરવાની તક મળી ગઈ હતી અને તેમણે ઓમપ્રકાશનો જીવ લઈ લીધો હતો. આ ઘટનાએ ફરી એકવાર દેશમાં જાતિવાદના મૂળ કેટલા ઉઁડા છે તે સાબિત કરી દીધું છે. દેશનો કાયદો પુખ્ય વયના યુવક-યુવતીને તેમની પસંદગી મુજબ લગ્ન કરવાની છૂટ આપે છે, છતાં જાતિવાદી તત્વો કાયદાથી ઉપર જઈને તેમની હત્યા કરતા પણ ખચકાતા નથી. કાયદો વ્યવસ્થામાં વિશ્વાસ ધરાવતા દલિત યુવક ઓમપ્રકાશે તેની પસંદની યુવતી સાથે પ્રેમ લગ્ન કરવાની કિંમત પોતાનો જીવ આપીને ચૂકવવી પડી છે.

આ પણ વાંચો: સોનગઢમાં વિશ્વ આદિવાસી દિવસ ઉજવીને પરત જતાં 3 યુવકોના મોત

યુવક ગામમાં પરત ફર્યો અને મોત મળ્યું

આ ઘટનાની મળતી માહિતી મુજબ, ઓમપ્રકાશે આ વર્ષે જાન્યુઆરીમાં શિવાની ઝા સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. જોકે, શિવાનીનો પરિવાર તેની વિરુદ્ધ હતો. પરંતુ પરિવારના વિરોધ છતાં બંનેએ કોર્ટ મેરેજ કર્યા હતા. લગ્ન થયા પછી બંને ગામથી દૂર દતિયા જિલ્લાના ડાબરામાં રહેતા હતા. ૧૯ ઓગસ્ટના રોજ જ્યારે ઓમપ્રકાશ તેના માતા-પિતાને મળવા માટે દતિયાથી પોતાના ગામ આવ્યો હતો, ત્યારે તેની પત્ની શિવાની ઝાના પિતા દ્વારકા પ્રસાદ ઝા અને અન્ય સંબંધીઓએ તેના પર ઘાતક હથિયારો વડે જીવલેણ હુમલો કર્યો હતો.

ઘરમાંથી બહાર ખેંચી લાકડીઓથી માર માર્યો

પોલીસના જણાવ્યા મુજબ, હુમલાખોરોમાં મૃતકના સસરા દ્વારકા પ્રસાદ ઝા, રાજેશ ઉર્ફે રાજુ ઝા, ઉમા ઓઝા અને સંદીપ શર્માનો સમાવેશ થાય છે. આ બધાંએ મળીને ઓમપ્રકાશને ઘરની બહાર ખેંચીને લાકડીઓથી માર માર્યો હતો. જ્યારે તેની પત્ની શિવાનીએ તેને બચાવવાનો પ્રયાસ કર્યો ત્યારે આરોપીઓએ તેને પણ માર માર્યો હતો, જેના કારણે તે પણ ઘાયલ થઈ ગઈ હતી. સાસરિયાઓએ કરેલા હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલા ઓમપ્રકાશને ગ્વાલિયરની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં ૬ દિવસ સુધી દાખલ રહ્યા બાદ તેનું મોત નીપજ્યું હતું.

ઓમપ્રકાશની માતા રોઈ રોઈને અડધી થઈ ગઈ

દલિત યુવક ઓમપ્રકાશની હત્યા બાદ તેના ઘરમાં શોકનું મોજું ફરી વળ્યું છે. તેની માતા વ્યથિત છે. તે કાદવવાળા આંગણામાં બનેલી ભયાનક ઘટનાને યાદ કરીને સતત રડી રહી છે. ઓમપ્રકાશની માતાએ રડતા રડતા કહ્યું, ‘તે ફક્ત મને મળવા આવ્યો હતો. અન્ય પુત્રોની જેમ તે પણ ઘરે રક્ષાબંધન ઉજવવા માંગતો હતો. તેના લગ્ન પરસ્પર સંમતિથી થયા હતા, પરંતુ શિવાનીના પરિવારજનોએ અમે દલિત હોવાથી આ લગ્ન મંજૂર નહોતા. એટલે તેમણે મારા પુત્રની હત્યા કરી નાખી.’

શિવાનીનો પરિવાર આંતરજાતિય લગ્નથી નારાજ હતો

ઓમપ્રકાશ અને શિવાની વર્ષ 2023 માં ઘરેથી ભાગી ગયા હતા અને સાથે રહેવા લાગ્યા હતા. પોલીસે તે સમયે પણ કેસ નોંધ્યો હતો. પરંતુ શિવાનીએ સ્પષ્ટપણે કહ્યું હતું કે તે પુખ્ત છે અને તેના પતિ સાથે રહેવા માંગે છે. એ પછી બંને અલગ અલગ જગ્યાએ રહેતા હતા અને આખરે આ વર્ષે જાન્યુઆરીમાં બંનેએ કોર્ટમાં લગ્ન કર્યા હતા.

આ પણ વાંચો: વાવના વાછરડામાં કૂવામાંથી દલિત યુવકની હત્યા કરાયેલી લાશ મળી?

ગ્રામ પંચાયતે યુવકના પરિવારનો બહિષ્કાર કરી 51 હજારનો દંડ ફટકાર્યો

ઓમપ્રકાશ અને શિવાનીએ પ્રેમલગ્ન કરતા તેના ગામ હર્ષીની ગ્રામ પંચાયતે કાયદો હાથમાં લઈને ઓમપ્રકાશના પરિવારને રૂ. 51 હજારનો દંડ ફટકાર્યો હતો અને તેમનો સામાજિક બહિષ્કાર કર્યો હતો. એ દરમિયાન યુવતી શિવાનીના પિતા દ્વારકાપ્રસાદ ઝાએ ગ્રામ પંચાયત સમક્ષ શરત મૂકી હતી કે, લગ્ન પછી છોકરો ગામમાં પગ નહીં મૂકે.

પોલીસે યુવતીના પિતા સહિત 12 લોકો સામે હત્યાનો કેસ નોંધ્યો

ભીતરવાર પોલીસે આ મામલે 12 આરોપીઓ સામે કેસ નોંધ્યો છે. પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ અજય સિંહ સિકરવારે જણાવ્યું હતું કે અગાઉ હુમલાનો કેસ નોંધવામાં આવ્યો હતો. પરંતુ યુવકના મૃત્યુ બાદ હવે હત્યાનો કેસ નોંધવામાં આવ્યો છે. મુખ્ય આરોપી દ્વારકા પ્રસાદ ઝા ફરાર છે. તેની શોધખોળ ચાલી રહી છે. અન્ય આરોપીઓની ધરપકડ કરવા કાર્યવાહી કરવામાં આવશે. જો કે, આ લખાઈ રહ્યું છે ત્યાં સુધીમાં પોલીસે એકપણ આરોપીની ધરપકડ કરી હોવાનું સામે આવ્યું નથી.

આ પણ વાંચો: રાજકોટમાં મોબાઈલના વળગણને લીધે દલિત કિશોરે જીવ ગુમાવ્યો!

5 2 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
શું તમે SC/ST એક્ટ હેઠળના કેસોની તપાસ અને સજાના દરથી સંતુષ્ટ છો?
0
Would love your thoughts, please comment.x
()
x