મનરેગા મજૂર માબાપની દીકરી રાજ્યની પહેલી આદિવાસી IAS બની

મનરેગા મજૂર આદિવાસી માતાપિતાની દીકરીએ પરિસ્થિતિ સામે ઝૂક્યા વિના મહેનત કરી. હવે આદિવાસી સમાજમાંથી આવતી રાજ્યની પહેલી IAS બની.
adivasi news

‘કૌન કહેતા આસમાન મેં સુરાખ નહીં હોતા, એક પથ્થર તો તબિયત સે ઉછાલો યારોં..’ વિખ્યાત શાયર દુષ્યંતકુમારનો આ શેર પોતાની મહેનત પર વિશ્વાસ રાખીને સફળતા ઝંખતા દરેક યુવાનોને કાયમ પ્રેરણા પુરી પાડતો રહ્યો છે. દુષ્યંત કુમારના આ શેર જેવી જ સફળતા હાલમાં જ એક આદિવાસી યુવતીએ મેળવી છે, જેની અહીં વાત કરવી છે.

કેરળની શ્રીધન્યા સુરેશની કહાની

વાત છે કેરળની શ્રીધન્યા સુરેશની. જેમણે તેના મજૂર માતાપિતાનું નામ રોશન કર્યું છે. પોતાની મહેનતના બળ પર શ્રીધન્યા કેરળની પ્રથમ મહિલા આદિવાસી IAS અધિકારી બની છે. શ્રીધન્યા માટે આ સફળતા મેળવવી જરાય આસાન નહોતી. તેની એક હોસ્ટેલના વોર્ડનથી IAS અધિકારી બનવા સુધીની સફર અનેક મુશ્કેલીઓથી ભરેલી હતી. તેના માતા-પિતાએ આ સફરમાં સૌથી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી. તેને UPSC ની તૈયારી માટે તેના માતા-પિતાનો સંપૂર્ણ સહયોગ મળ્યો. શ્રીધન્યાના માતા-પિતા મનરેગામાં મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. તેઓ પોતે ગરીબીમાં જીવતા હોવા છતાં શ્રીધન્યાના ભવિષ્યને ઘડવામાં કોઈ કસર છોડી ન હતી.

adivasi news

મુશ્કેલીઓથી ભરેલું બાળપણ

IAS શ્રીધન્યા સુરેશનો જન્મ કેરળના વાયનાડ જિલ્લાની કુરિચિયા જનજાતિમાં થયો હતો. બાળપણથી જ તેણીએ સંઘર્ષ કરવાનું શીખી લીધું હતું. છતાં ક્યારેય સંસાધનોના અભાવને તેના માર્ગમાં અવરોધ ન બનવા દીધો અને અનેક મુશ્કેલીઓ પછી પણ તેના સપના પૂરા કરવાની ઇચ્છાને હંમેશા જીવતી રાખી હતી. શ્રીધન્યાએ ક્યારેય આર્થિક તંગીને તેના સપનામાં અવરોધરૂપ ન બનવા દીધી અને આકરી મહેનત સાથે પોતાનો અભ્યાસ પૂર્ણ કરી IAS બનવાનું પોતાનું અને તેના માતાપિતાનું સ્વપ્ન સાકાર કરી બતાવ્યું છે.

આ પણ વાંચો: જામનગરના દલિત યુવાન ‘કૌન બનેગા કરોડપતિ’માં ચમક્યા

હોસ્ટેલમાં વોર્ડનની નોકરી મળી પણ તે ગમતી નહોતી

શ્રીધન્યાએ તેનું પ્રાથમિક શિક્ષણ સેન્ટ જોસેફ કોલેજ, કાલિકટમાંથી પૂર્ણ કર્યું હતું. એ પછી તે પ્રાણીશાસ્ત્રનો અભ્યાસ કરવા માટે કોઝિકોડ ગઈ અને માસ્ટર ડિગ્રી માટે કાલિકટ યુનિવર્સિટી પાછી ફરી. માસ્ટર ડિગ્રી પૂર્ણ કર્યા પછી તેણીને રાજ્ય સરકારના અનુસૂચિત જનજાતિ વિકાસ વિભાગમાં નોકરી મળી, જ્યાં તેને આદિવાસી વિદ્યાર્થીઓની હોસ્ટેલમાં વોર્ડન બનાવવામાં આવી. પરંતુ, શ્રીધન્યા આ નોકરીથી સંપૂર્ણપણે સંતુષ્ટ નહોતી, કારણ કે તેનું સપનું IAS બનવાનું હતું.

adivasi news

ઈન્ટરવ્યૂમાં દિલ્હી જવા માટે પૈસા નહોતા, મિત્રોએ મદદ કરી

શ્રીધન્યાએ વર્ષ 2018 માં UPSC ની પ્રી અને મેઈન પરીક્ષાના બંને રાઉન્ડ પાસ કર્યા. પરંતુ ત્રીજા રાઉન્ડ એટલે કે ઇન્ટરવ્યૂ માટે દિલ્હી જવા તેની પાસે પૈસા નહોતા. એ મુશ્કેલ સમયમાં તેના મિત્રોએ તેની મદદ કરી. એ પછી શ્રીધન્યા દિલ્હી પહોંચી અને ઈન્ટરવ્યૂ આપી 410 AIR મેળવ્યો અને UPSC પાસ કરીને IAS ઓફિસર બનવાનું પોતાનું સ્વપ્ન પૂર્ણ કર્યું.

આત્મવિશ્વાસ, મહેનત અને સંઘર્ષથી સપનાં પૂર્ણ કરી શકાય

શ્રીધન્યા સુરેશની આ સફળતા દર્શાવે છે કે સખત મહેનત અને દ્રઢ નિશ્ચયથી ઘણી મુશ્કેલીઓ અને ઓછા સંસાધનો સાથે પણ વ્યક્તિ પોતાના સપના પૂરા કરી શકે છે. શ્રીધન્યાએ પોતાના સપના પૂરા કરવા માટે સખત મહેનત કરી અને પરિવાર માટે ઉજ્જવળ ભવિષ્યનો માર્ગ મોકળો કર્યો. તેનો સંઘર્ષ અને સફળતા જોઈને સમજાય છે કે આત્મવિશ્વાસ હોય તો મહેનત અને સંઘર્ષથી દરેક સ્વપ્ન પૂર્ણ કરી શકાય છે.

આ પણ વાંચો: આદિવાસી યુવકના માથે તગારું હતું ને ફોન આવ્યો- ‘તેં NEET પાસ કરી લીધી’

1 1 vote
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
શું તમે SC/ST એક્ટ હેઠળના કેસોની તપાસ અને સજાના દરથી સંતુષ્ટ છો?
0
Would love your thoughts, please comment.x
()
x