જાતિવાદી તત્વોને દલિતો સાથે ક્યારે કઈ બાબતે વાંધો પડી જાય તે કળી શકાય તેમ નથી. દલિતો સારા કપડાં પહેરે, મૂછો રાખે, વરઘોડો કાઢી ઘોડીએ ચડે, કાર કે મોંઘી બાઈક પોતાના પૈસે ખરીદીને ચલાવે, લગ્ન પ્રસંગે ડીજે વગાડી ડાન્સ કરે, ગામ વચ્ચે ચપ્પલ પહેરીને નીકળે – આ તમામ બાબતો જાતિવાદી તત્વોને અત્યાર સુધી ખટકતી આવી છે. પરંતુ સોશિયલ મીડિયાના આજના જમાનામાં હવે જાતિવાદી તત્વોને ન ગમતી બાબતોમાં વધુ એક ઉમેરો થયો છે. જેમાં તેઓ હવે દલિત સમાજના યુવક-યુવતીઓના સોશિયલ મીડિયા એકાઉન્ટના નામ સામે પણ વાંધો ઉઠાવી રહ્યાં છે.
ઈન્સ્ટા એકાઉન્ટમાં નામમાં ‘રાજા’ લખતા માર માર્યો
આવી જ એક ઘટનામાં એક દલિત યુવકે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં પોતાના નામની પાછળ રાજા લખતા જાતિવાદી તત્વોને તે ગમ્યું નહોતું અને તેમણે તેને માર મારીને પગ ભાંગી નાખ્યો હતો. આ મામલે દલિત યુવકે પોલીસ ફરિયાદ કરી હોવા છતાં પોલીસે આરોપીઓની ધરપકડ કરી નથી. જેના કારણે જાતિવાદી તત્વોની હિંમત વધુ ખૂલી છે અને તેઓ યુવકને કેસ પાછો ખેંચી લેવા અને ફરીથી હુમલો કરવાની ધમકી આપી રહ્યાં છે.
આ પણ વાંચો: વીરમગામના વેપારી પાસેથી મહિલા તાંત્રિકે વિધિના નામે 67 લાખ પડાવ્યા
મધ્યપ્રદેશના ટીકમગઢના કંચનપુરાની ઘટના
મામલો મધ્યપ્રદેશના ટીકમગઢ જિલ્લાના કંચનપુરા ગામનો છે. અહીં એક દલિત યુવાનને તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેના નામ સાથે ‘રાજા’ લખવા બદલ ત્રણ યુવકોએ માર માર્યો હતો, જેના કારણે તેનો પગ ફ્રેક્ચર થઈ ગયો હતો. આ મામલે પીડિત દલિત યુવક અનુજ ખંગાર ગઈકાલે એસપી ઓફિસે ફરિયાદ કરવા પહોંચ્યો હતો. તેણે જણાવ્યું કે, “મેં મારા ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ‘અનુજ રાજા ખંગાર’ લખ્યું હતું. તેનાથી ગુસ્સે થઈને કલ્લુ સિંહ ઠાકુર, અમર સિંહ ઠાકુર અને સંદીપ સિંહ ઠાકુરે 1 ઓગસ્ટના રોજ રાત્રે લગભગ 10:30 વાગ્યે મને માર માર્યો હતો.”
ઠાકુર જાતિના યુવકોએ હુમલો કરી પગ ભાંગી નાખ્યો
અનુજના જણાવ્યા મુજબ, ત્રણેય યુવકોએ તેને જાતિવાદી અપશબ્દો બોલીને ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટમાંથી ‘રાજા’ શબ્દ દૂર કરવા કહ્યું હતું. જ્યારે અનુજે તેનો ઈનકાર કર્યો ત્યારે તે લોકોએ તેના પર લાકડીઓથી હુમલો કર્યો હતો. આ હુમલામાં તેના ડાબા પગમાં ફ્રેક્ચર થઈ ગયું છે અને શરીરના અન્ય ભાગોમાં પણ ઘણી ઇજાઓ પહોંચી છે.
પોલીસે સામાન્ય કલમો હેઠળ કેસ નોંધ્યો
અનુજે વધુમાં કહ્યું કે, “મેં મોહનગઢ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, પરંતુ પોલીસે મારામારીની સાવ સામાન્ય કલમો હેઠળ કેસ નોંધ્યો છે, હકીકતે આરોપીઓ સામે ગંભીર કલમો હેઠળ કેસ નોંધવો જોઈએ. પરંતુ પોલીસે એવું કર્યું નથી. હાલમાં આરોપીઓ ગામમાં ખુલ્લેઆમ ફરે છે. તેઓ કેસ પાછો ખેંચવાની ધમકી આપી રહ્યા છે. જો સમાધાન નહીં થાય તો તેઓ મારી નાખવાની ધમકી આપી રહ્યા છે.
એએસપીએ ન્યાયની ખાતરી આપી
અનુજે આ મામલે એસપી ઓફિસમાં એએસપી વિક્રમ સિંહને મળીને આ મામલે પોતાને ન્યાય મળે અને આરોપીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે. એએસપીએ તેને ન્યાયની ખાતરી આપી છે. જોવાનું એ રહેશે કે ઠાકુર જાતિના આરોપીઓ સામે પોલીસ કેવી અને કેટલી કાર્યવાહી કરીને અનુજને ન્યાય અપાવે છે.
આ પણ વાંચો: જૂનાગઢમાં ત્રણ રબારીઓએ દલિત યુવકને પટ્ટે-પટ્ટે ફટકાર્યો