કોંગ્રેસના સવર્ણ હિંદુ નેતાઓ દલિતોના મત લેવા માટે મોટી મોટી વાતો કરે છે પરંતુ અંદરખાને તેવો દલિતોનું કેટલું અને કેવું સન્માન કરે છે તેનો પર્દાફાશ કરતી એક ઘટના સામે આવી છે. કોંગ્રેસના એક પૂર્વ મંત્રી ટ્રાફિક જામમાં ફસાઈ ગયા હતા, એ દરમિયાન તેમના બોડીગાર્ડ એવા દલિત પોલીસકર્મીને તેમણે ટ્રાફિક ક્લિયર કરવા આદેશ કર્યો હતો. પોલીસકર્મીએ કારમાંથી નીચે ઉતરીને ટ્રાફિક ક્લિયર કરવાનું શરૂ કર્યું હતું, પરંતુ ટ્રાફિક વધુ હોવાથી તેને ક્લિયર થવામાં થોડું મોડું થયું હતું. તેનાથી કોંગ્રેસ નેતા ગુસ્સે ભરાયા હતા અને તેમણે તેમના જ બોડીગાર્ડ દલિત પોલીસકર્મીને જાહેરમાં થપ્પડ મારી જાતિસૂચક અપશબ્દો કહી જાહેર અપમાન કર્યું હતું. આ મામલે હવે દલિત પોલીસકર્મીએ તેમની સામે એફઆઈઆર નોંધાવી છે.
ઝારખંડના બ્રાહ્મણ નેતા કૃષ્ણાનંદ ત્રિપાઠીની દાદાગીરી
મામલો ઝારખંડનો છે. અહીં કોંગ્રેસના ભૂતપૂર્વ મંત્રી કૃષ્ણાનંદ ત્રિપાઠીની સુરક્ષામાં સામેલ એક દલિત પોલીસ કોન્સ્ટેબલે તેને થપ્પડ મારવાનો અને જાતિસૂચક અપશબ્દો બોલી જાહેરમાં અપમાન કરવાનો આરોપ લગાવ્યો છે. ડાલ્ટનગંજ ટાઉન પોલીસ સ્ટેશનમાં ઝીરો નંબરથી FIR દાખલ કરવામાં આવી છે અને તપાસ માટે તેને લાતેહાર ટ્રાન્સફર કરવામાં આવશે. પોલીસના જણાવ્યા અનુસાર, આ કથિત ઘટના ગઈકાલે બપોરે 1:30 વાગ્યે બની હતી જ્યારે કૃષ્ણાનંદ ત્રિપાઠીની કાર લાતેહારમાંથી પસાર થઈ રહી હતી.
કોંગ્રેસ નેતા સામે એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઈ
મળતી માહિતી મુજબ, કૃષ્ણાનંદ ત્રિપાઠી જ્યારે લાતેહારમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં ટ્રાફિક જામ થઈ ગયો હતો. એ પછી તેમણે ફરિયાદી પોલીસ કોન્સ્ટેબલ રવિન્દ્ર રિખિયાશનને નીચે ઉતરીને ટ્રાફિક ક્લિયર કરવાનું કહ્યું હતું. જો કે ભારે ટ્રાફિકજામ હોવાથી તેને ક્લિયર થતા થોડી વાર થઈ હતી. જેનાથી કોંગ્રેસ નેતા ગુસ્સે ભરાયા હતા અને તેમના જ બોડીગાર્ડ એવા દલિત કર્મચારીને થપ્પડ મારી દીધી હતી અને જાહેરમાં જાતિસૂચક અપશબ્દો કહ્યા હતા. આ મામલે પોલીસકર્મીએ એફઆઈઆર નોંધાવી છે. ડાલ્ટનગંજ ટાઉન પોલીસ સ્ટેશનના પીઆઈ જ્યોતિ લાલ રાજવારે જણાવ્યું હતું કે ભારતીય દંડ સંહિતા અને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમ, 1989 ની કલમો લાગુ કરવામાં આવી છે.
દલિત કોન્સ્ટેબલે શું આરોપ લગાવ્યો છે?
દલિત પોલીસ કોન્સ્ટેબલ રવિન્દ્ર રિખિયાશને આરોપ લગાવ્યો છે કે, “જ્યારે અમે પરિસ્થિતિને સંભાળવાનો પ્રયાસ કરી રહ્યા હતા, ત્યારે નેતાજી આવ્યા અને મને જાતિસૂચક અપશબ્દો કહેવાનું કરવાનું શરૂ કર્યું.” તેણે વધુમાં કહ્યું કે તેને ‘આદિવાસી’ અને ‘હરિજન’ કહીને ઉતારી પાડવામાં આવ્યો અને તે આ નોકરી માટે લાયક નથી તેમ કહીને અપમાન કર્યું. તેણે એવો પણ આરોપ લગાવ્યો કે કૃષ્ણાનંદ ત્રિપાઠીએ તેને થપ્પડ મારી હતી.
આ પણ વાંચો: ‘સ્વામીનારાયણ, બ્રહ્માકુમારી, ઈસ્કોન વગેરે ફ્રોડ સંપ્રદાયો છે!’ : શંકરાચાર્ય
કોંગ્રેસ નેતાએ કહ્યું- બદલાની ભાવનાથી એફઆઈઆર નોંધાવી
ગ્રામીણ વિકાસ, શ્રમ, રોજગાર અને તાલીમ અને પંચાયતી રાજના ભૂતપૂર્વ મંત્રી ત્રિપાઠીએ હુમલાના આરોપોને નકારી કાઢ્યા અને દાવો કર્યો કે તેમની સામે FIR બદલાની ભાવનાથી નોંધવામાં આવી છે. તેમણે કહ્યું, “મેં ફક્ત મારા અંગરક્ષકોને વધુ સતર્ક રહેવાનું કહી, ટ્રાફિકજામ ક્લિયર કરાવ્યો અને પછી સર્કિટ હાઉસ જવા રવાના થયો. મેં કોઈ પર હુમલો નથી કર્યો કે દુર્વ્યવહાર પણ કર્યો નથી. સીસીટીવીમાં બધું દેખાય છે.” તેમણે વધુમાં કહ્યું, “જ્યારે તેને ટ્રાફિકજામ દૂર કરવાનું કહ્યું ત્યારે તેણે ઈનકાર કરી દીધો હતો, એ પછી નીચે ઉતરીને મેં એક મિનિટમાં ટ્રાફિકજામ હટાવ્યો હતો. તેને એમાં અપમાન જેવું લાગ્યું એટલે તેણે FIR નોંધાવી.”
પોલીસ એસોસિએશને ડીજીપીને પત્ર લખી કાર્યવાહીની માંગ કરી
લાતેહારના પુરૂષ પોલીસ સંગઠને આ કથિત ઘટનાની નિંદા કરી રાજ્યના ડીજીપીને પત્ર લખી યોગ્ય કાર્યવાહી કરવા વિનંતી કરી છે. રાજ્યના પોલીસ મહાનિર્દેશકને લખેલા પત્રમાં સંગઠને આ ઘટનાને ગણવેશધારી પોલીસકર્મીઓની ગરિમા પર હુમલો ગણાવ્યો. એસોસિએશનના પ્રમુખ કરણ સિંહે લખ્યું, “જો કોઈ નેતાને લાગે કે તેનો બોડીગાર્ડ બરાબર નથી, તો તેણે તેની જાણ વરિષ્ઠ અધિકારીઓને કરવી જોઈએ, તેના પર હુમલો ન કરવો જોઈએ. સીસીટીવી ફૂટેજમાં ઘટનાના સ્પષ્ટ પુરાવા છે.”
આ પણ વાંચો: કારગિલ યુદ્ધના જવાનના ઘરમાં ટોળું ઘૂસી ગયું, ‘બાંગ્લાદેશી’ કહી ID માંગ્યું!