મહારાષ્ટ્રમાં બંજારા યુવકનો ST અનામતની માંગ સાથે આપઘાત!

મહારાષ્ટ્રમાં મરાઠાઓ બાદ હવે વણઝારા સમાજે ST અનામતની માંગ સાથે વિરોધ પ્રદર્શનો શરૂ કર્યા છે ત્યારે એક બંજારા યુવકે આપઘાત કરી લેતા બળતામાં ઘી હોમાયું છે.
ST Reservation Demand

મહારાષ્ટ્રમાં મરાઠા અનામત બાદ હવે બંજારા સમાજે ST અનામત માટે આંદોલન વધુ તીવ્ર બનાવ્યું છે ત્યારે, એક બંજારા યુવકે અનામત આંદોલનમાં ભાગ લીધા બાદ આપઘાત કરી લેતા તેના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. મળતી માહિતી મુજબ, મહારાષ્ટ્રના ધારાશિવના મુરુમ સ્થિત નાયકનગરમાં 32 વર્ષીય બેરોજગાર યુવક પવન ગોપીચંદ ચવ્હાણે આત્મહત્યા કરી લીધી છે. આત્મહત્યા કરનાર યુવકના પરિવારજનોએ કહ્યું કે તેણે અનામત માટે પોતાનો જીવ આપી દીધો છે. યુવક પાસેથી એક સુસાઇડ નોટ પણ મળી આવી છે. જેમાં અનામતની માંગણીનો ઉલ્લેખ છે.

હૈદરાબાદ ગેઝેટ મુજબ બંજારા અનામતની માંગ

ધારાશિવના મુરુમ વિસ્તારના નાયકનગરના રહેવાસી આ યુવકે જાલનાના બંજારા અનામત આંદોલનમાંથી પાછા ફર્યા બાદ આ કમનસીબ પગલું ભર્યું હતું. મૃતક યુવકના પરિવારમાં તેના માતાપિતા, પત્ની અને બે બાળકો છે. યુવક ગ્રેજ્યુએશન પછી બેરોજગાર હતો. 32 વર્ષીય બેરોજગાર સ્નાતક પવન ગોપીચંદ ચવ્હાણે હૈદરાબાદ ગેઝેટ મુજબ બંજારા સમાજને અનુસૂચિત જનજાતિ (ST) કેટેગરીમાં અનામત આપવા માટે ચાલી રહેલા આંદોલનમાં ભાગ લીધો હતો.

બે દિવસ આંદોલનમાં ભાગ લીધા બાદ આત્મહત્યા

મુરુમ નજીક નાયક નગરના રહેવાસી એક સ્નાતક યુવાન પવન ચવ્હાણે ગઈકાલે સવારે 11 વાગ્યે પોતાના ઘરે ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. તેણે બે દિવસ બંજારા આંદોલનમાં ભાગ લીધો હતો, ત્યારબાદ તે ગઈકાલે નાયક નગર આવ્યો હતો. જ્યાં તેણે પોતાના ઘરમાં વાંસના ઝાડ પરથી લટકીને ગળેફાંસો ખાઈ લીધો હતો.

આ પણ વાંચો: ‘OBC અનામત પર કોઈનો હુમલો સહન નહીં કરીએ’, છગન ભૂજબળ

મૃતકના ખિસ્સામાંથી સ્યુસાઈડ નોટ મળી

ઘટનાની જાણ થતા પોલીસ સ્ટેશનના સહાયક પોલીસ નિરીક્ષક સંદીપન દહીફલે ઘટનાસ્થળે પહોંચ્યા હતા. એ દરમિયાન તેમને મૃતકના ખિસ્સામાંથી એક ચિઠ્ઠી મળી હતી. તેમાં તેમણે લખ્યું હતું કે હૈદરાબાદ ગેઝેટ મુજબ, બંજારા સમાજને અનુસૂચિત જનજાતિ કેટેગરીમાં અનામત મળવી જોઈએ. એવું કહેવાય છે કે મૃતક પવન ગોપીચંદ ચવ્હાણે લાતુરની શાહુ કોલેજમાંથી બી.કોમ.નો અભ્યાસ કર્યો હતો.

બંજારા આંદોલન કેવી રીતે લાઈમલાઈટમાં આવ્યું?

બંજારા સમાજ ઐતિહાસિક રીતે વિચરતી જીવનશૈલી સાથે સંકળાયેલો છે. વર્ષોથી, આ સમાજ સામાજિક અને આર્થિક પછાતપણાનો ભોગ બનેલો છે. હાલમાં, તેને અન્ય પછાત વર્ગ (OBC) કેટેગરીમાં સમાવવામાં આવ્યો છે, પરંતુ સમાજનો એક મોટો વર્ગ સતત ST દરજ્જાની માંગણી કરી રહ્યો છે. તેમનું કહેવું છે કે તેમને વર્તમાન અનામત વ્યવસ્થામાં અપેક્ષિત લાભો મળી રહ્યા નથી.

યુવકની આત્મહત્યા બાદ અનેક પ્રશ્નો ઉઠ્યાં

ધારાશિવ યુવકની આત્મહત્યાની ઘટનાએ બંજારા સમાજની અનામતની માંગણીને વધુ સંવેદનશીલ બનાવી દીધી છે. યુવકની સ્યુસાઈડ નોટમાં લખ્યું હતું કે, “આપણને ST દરજ્જો મેળવવો જોઈએ.” આ સ્યુસાઈડ નોટ વાયરલ થયા પછી, બંજારા સમાજમાં ગુસ્સો અને રોષ વધ્યો છે. ઘણી જગ્યાએ વિરોધ પ્રદર્શન શરૂ થયા છે.

રાજકીય હલચલ તેજ બની

આ ઘટના બાદ મહારાષ્ટ્ર સરકાર પર દબાણ વધી રહ્યું છે. વિરોધ પક્ષો વિધાનસભાથી લઈને રસ્તાઓ સુધી આ મુદ્દો ઉઠાવી રહ્યા છે. તેમનું કહેવું છે કે સરકારે પછાત વર્ગોના પક્ષમાં નક્કર પગલાં લીધા નથી. બીજી તરફ, શાસક પક્ષના નેતાઓ તેને સંવેદનશીલ મુદ્દો ગણાવે છે અને કહે છે કે કોઈપણ નિર્ણય તથ્યો અને કાનૂની પ્રક્રિયાના આધારે લેવામાં આવશે.

ST નો દરજ્જો મેળવવાની પ્રક્રિયા કેવી છે?

ST દરજ્જો આપવાનો નિર્ણય ફક્ત રાજ્ય સરકારનો નથી. તેના માટે કેન્દ્ર સરકાર અને રાષ્ટ્રપતિની મંજૂરી પણ જરૂરી છે. દેશના બંધારણ મુજબ, કોઈપણ સમાજને ST કેટેગરીમાં સમાવવા માટે વિગતવાર સર્વેક્ષણ અને પુરાવા જરૂરી છે. આ કારણે, આ પ્રક્રિયા વર્ષો સુધી લંબાઈ શકે છે. બીજી તરફ, જે સમાજોને પહેલાથી જ ST દરજ્જો મળ્યો છે તેઓ માને છે કે જો બંજારા સમાજને પણ તેમાં સમાવવામાં આવે છે, તો તેમના હિસ્સાની અનામત અને સુવિધાઓ ઓછી થઈ જશે.

મરાઠા બાદ બંજારા અનામતે ફડણવીસ સરકાર પર ભીંસ વધારી

ST દરજ્જા માટે બંજારા સમાજની માંગણીએ ફરી એકવાર ભારતીય લોકશાહીમાં સામાજિક ન્યાયનું સંતુલન કેવી રીતે જાળવી શકાય તે પ્રશ્ન ઉઠાવ્યો છે. શું સરકાર આ માંગણી સ્વીકારશે કે પછી તેને લાંબી કાનૂની પ્રક્રિયામાં ભેરવી દેશે તે સવાલ છે. જો કે, એક વાત ચોક્કસ છે કે આ મુદ્દાએ રાજ્ય અને દેશ બંનેના રાજકારણમાં એક નવી હલચલ મચાવી છે અને આવનારા સમયમાં તેની ચૂંટણી સમીકરણો પર પણ ઊંડી અસર પડી શકે છે.

આ પણ વાંચો: મરાઠાઓ જેમની OBC અનામતમાં ભાગ માંગે છે તે ‘કુણબી’ કોણ છે?

 

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
CJI બી.આર. ગવઈ પર જૂતું ફેંકવાની ઘટના અંગે તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x