ગાંધીનગર ખાતે આગામી તા. 24 સપ્ટેમ્બર 2025ને બુધવારના રોજ બપોરે 1.00 થી સાંજના 5.00 કલાક સુધી ડો.બાબાસાહેબ આંબેડકર ભવન, સેક્ટર 12 ખાતે સમ્યક સન્માન કાર્યક્રમ યોજાશે. ગુજરાતના સમ્યક સમાજ દ્વારા મહાત્મા જ્યોતિબા ફૂલે અને માતા સાવિત્રીબાઈ ફૂલે દ્વારા સ્થાપિત સત્યશોધક સમાજના સ્થાપના દિવસ(24 સપ્ટેમ્બર 1873, સ્થળઃ પુના) અને ડો.આંબેડકર સહિત સમસ્ત બહુજન સમાજના જીવન સાથે સંકળાયેલા પુના પેક્ટ દિવસને ધ્યાનમાં રાખીને બહુજન સમાજ માટે કામ કરતી કેટલીક મહત્વની વ્યક્તિઓને સમ્યક સન્માનથી સન્માનિત કરાશે.
કાર્યક્રમની રૂપરેખા કેવી રહેશે?
આ પ્રસંગે બહુજન સાહિત્યકાર મોહિન્દર મૌર્ય દ્વારા ક્રાંતિ અને પ્રતિક્રાંતિ વિષય પર વક્તવ્યનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. કાર્યક્રમમાં બહુજન સમાજ પાર્ટીના આગેવાન પી.એલ.રાઠોડ અધ્યક્ષ પદે હાજરી આપશે. જ્યારે મુખ્ય અતિથિ તરીકે ઋષિરાજ મૌર્ય, પરસોત્તમ સોલંકી, અતિથિ વિશેષ તરીકે સાગર જાડેજા, જીતુ બંસલ ઉપસ્થિત રહેશે. કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે પ્રવિણ સુતરીયા અને રાહુલ મૌર્ય વક્તવ્ય આપશે. સ્ટેજ સંચાલન દિપકભાઈ મોહરાજ અને સમ્યક સમાજના મહામંત્રી વિજયચંદ્ર મૌર્ય દ્વારા કરવામાં આવશે.
આ પણ વાંચો: રાજસ્થાન યુનિ.એ જ્યોતિબા ફૂલેનું પ્રકરણ કેમ હટાવ્યું?
બહુજન સાહિત્યકાર મોહિન્દર મૌર્યએ જાણકારી આપી
આ કાર્યક્રમ વિશે વધુ માહિતી આપતા બહુજન સાહિત્યકાર મોહિન્દર મૌર્ય Khabarantar.in ને જણાવે છે કે, આ કાર્યક્રમમાં ત્રણ પ્રકારના સન્માનથી વ્યક્તિઓ અને સંગઠનોને સન્માનિત કરવામાં આવશે. (1) સમ્યક્ સન્માન એવોર્ડ- આ સન્માન જે વ્યક્તિઓએ સમ્યક્ સમાજ સાથે જોડાઈને સાથ સહકાર આપ્યો હોય એવા વ્યક્તિઓ-સંગઠનો-સંસ્થાઓને અપાશે. (2) સમ્યક્ સમાજ શિલ્પી એવોર્ડ- ત્રણ વ્યક્તિઓ, જેમને સમ્યક્ સમાજ બનાવવામાં શિલ્પકારની ભૂમિકા ભજવી હોય તેમને એનાયત કરાશે. (3) સમ્યક્ શાસક મિત્ર એવોર્ડ- સામાજિક ન્યાય સમિતિના સભ્યો, જેમણે તમામ દલિતોને એક મંચ પર લાવીને સામજિક નવચેતનાનો દીપ પ્રગટાવ્યો હોય તેમનું આ એવોર્ડથી સન્માન કરાશે.
સમ્યક સમાજની સુંદર કામગીરી
ઉલ્લેખનીય છે કે, અમદાવાદ સ્થિત સમ્યક સમાજ દ્વારા ગુજરાતભરમાં બહુજન સમાજમાં મહાનાયક ડો.આંબેડકર, તથાગત ગૌતમ બુદ્ધ અને ફૂલે દંપતીના મહાન કાર્યોના પ્રચાર-પ્રસારનું સુંદર કાર્ય કરવામાં આવે છે. દર વર્ષે સમ્યક સમાજ દ્વારા આ પ્રકારનો કાર્યક્રમ યોજીને સમાજ માટે રાતદિન જોયા વિના કામ કરતી વ્યક્તિઓનું સન્માન કરવામાં આવે છે.
આ પણ વાંચો: બંધારણમાંથી ‘સમાજવાદી-ધર્મનિરપેક્ષ’ શબ્દો દૂર કરાય તો શું થાય?










