Dalit News: દલિત અત્યાચાર માટે કુખ્યાત ઉત્તરપ્રદેશમાં ધોરણ 12માં ભણતી એક દલિત વિદ્યાર્થીની(Dalit girl student)ની હત્યા કરાયેલી લાશ(Murdered body found) મળી આવતા ચકચાર મચી ગઈ છે. અહીંના આંબેડકનગર(Ambedkarnagar)માં રહેતી દલિત યુવતી વહેલી સવારે સ્કૂલે જવા માટે ઘરેથી સાઈકલ લઈને નીકળી હતી. પરંતુ સાંજ સુધી પરત ન આવતા તેના પરિવારે તેની શોધખોળ શરૂ કરી હતી. બીજા દિવસે સવારે ઘરથી થોડે દૂર તેના જૂતા મળ્યા હતા, પછી સાઈકલ મળી અને અંતે શેરડી અને ડાંગરના ખેતરની વચ્ચે તેની હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવી હતી.
વિદ્યાર્થીનીના પરિવારજનો અને ગામલોકોમાં ભારે રોષ
આ ઘટનાથી પરિવારના સભ્યો અને ગ્રામજનોમાં રોષ ફેલાયો છે. રવિવારે, ઇન્સ્પેક્ટર જનરલ પ્રવીણ કુમાર અને જિલ્લા મેજિસ્ટ્રેટ અનુપમ શુક્લા એક ટીમ સાથે ગામમાં પહોંચ્યા હતા. અધિકારીઓએ ઘટનાસ્થળનું નિરીક્ષણ કર્યું હતું અને માહિતી એકત્રિત કરી હતી. તેમણે પરિવારને ખાતરી આપી હતી કે આ ઘટનાનો ટૂંક સમયમાં ઉકેલ લાવવામાં આવશે અને આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
BSPનું પ્રતિનિધિ મંડળ યુવતીના ઘરે પહોંચ્યું
આ ઘટનાની જાણ થતા અયોધ્યાના 28 સભ્યોનું બસપાનું પ્રતિનિધિમંડળ સવારે 8 વાગ્યે ગામમાં પહોંચ્યું હતું. તેમણે મૃતક યુવતીના પરિવારને સાંત્વના આપી હતી અને તેમને શક્ય તમામ સહાયની ખાતરી આપી હતી. બસપા સંયોજક રામનરેશ નિર્દોષે જણાવ્યું હતું કે પોલીસ મિશન શક્તિને પ્રોત્સાહન આપી રહી છે, પરંતુ દીકરીઓનું રક્ષણ કરવામાં અસમર્થ છે.
આ પણ વાંચો: બાઈકની હેડલાઈટ ચહેરા પર પડતા દલિત યુવકને ઝાડ સાથે બાંધીને માર્યો
થોડા સમય પછી, સપા જિલ્લા પ્રમુખ જંગ બહાદુર યાદવ અને આલાપુરના ધારાસભ્ય ત્રિભુવન દત્ત પણ વિદ્યાર્થીના ઘરે પહોંચ્યા હતા. તેઓ પરિવારને પણ મળ્યા હતા અને તેમને શક્ય તમામ સહાયની ખાતરી આપી હતી. તેમણે કાયદો અને વ્યવસ્થા માટે સરકારની પણ ટીકા કરી હતી.
મામલો શું છે?
આ ઘટના માલીપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હતી. શનિવારે સવારે આ વિસ્તારની 17 વર્ષની દલિત વિદ્યાર્થીની સ્કૂલે જવા માટે ઘરેથી નીકળી હતી. શાળા છૂટ્યા બાદ જ્યારે તે ઘરે પાછી ન આવી, ત્યારે તેની માતાએ તેને શોધવાનું શરૂ કર્યું. સ્કૂલમાં ફોન કરતા ખબર પડી કે તે સ્કૂલે પહોંચી જ નથી. તેથી પરિવારની ચિંતા વધી ગઈ. તેની માતાએ વિદ્યાર્થીનીના મિત્રોને પણ ફોન કર્યા, પરંતુ બધેથી નિરાશા જ સાંપડી. અંતે કંઈક અઘટિત થવાના ડરથી પોલીસને જાણ કરવામાં આવી હતી.
ગ્રામજનોને બળાત્કાર અને હત્યાની શંકા
વિદ્યાર્થીની ગુમ થયાની માહિતી મળ્યા પછી, પોલીસે શોધખોળ શરૂ કરી હતી. પરિવારના સભ્યો અને ગ્રામજનો પણ શોધમાં જોડાયા. ઘણી શોધખોળ બાદ ઘરથી લગભગ અડધો કિલોમીટર દૂર તેનું એક જૂતું મળી આવ્યું હતું. આસપાસના ખેતરોમાં શોધખોળ કરતાં થોડે દૂર બીજું જૂતું મળી આવ્યું. ત્યાંથી થોડે દૂર તેની સાયકલ અને સ્કૂલ બેગ શેરડીના ખેતરમાં ત્યજી દેવાયેલી મળી આવી. ત્યાંથી થોડે દૂર વિદ્યાર્થીની લાશ શેરડી અને ડાંગરના પાક વચ્ચે પડેલી મળી આવી. તેના કપડાં વિખરાયેલા હતા. ગ્રામજનોને બળાત્કાર અને હત્યાની શંકા છે.
ફોરેન્સિક ટીમે પુરાવા મેળવવા શરૂ કર્યા
ઘટનાની માહિતી બાદ ફોરેન્સિક ટીમ ઘટનાસ્થળે પહોંચી અને પુરાવા એકત્રિત કર્યા. એવું કહેવાય છે કે વિદ્યાર્થીનીનો શર્ટ અને અન્ય કપડાં વિખરાયેલા હતા. એવી શંકા છે કે તેણીનું ગળું દબાવીને હત્યા કરવામાં આવી હતી. પોલીસ સર્વેલન્સની ટીમો તપાસ કરી રહી છે.
પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ હકીકત સામે આવશે
SP અભિજીત આર. શંકરે જણાવ્યું હતું કે એક ધો. 12ની વિદ્યાર્થીનીનો મૃતદેહ ખેતરમાંથી મળી આવ્યો હતો. તપાસ ટીમો બનાવવામાં આવી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા પછી મોતનું કારણ સ્પષ્ટ થશે. પ્રથમ નજરે શરીર પર કોઈ દેખીતી ઇજાઓ નથી. દુષ્કર્મ થયું છે કે નહીં તેનો ખ્યાલ પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ આવી શકશે.
આ પણ વાંચો: ‘10 વૃક્ષો વાવીને ફોટા મોકલો’ કહીને હાઈકોર્ટે હત્યારાની આજીવન કેદ માફ કરી















Users Today : 1746