ડો.આંબેડકરની જન્મભૂમિ મહારાષ્ટ્રમાં દલિત અત્યાચારની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીંના અહિલ્યાનગર જિલ્લામાં 11 લોકોએ મળીને એક 22 વર્ષીય દલિત યુવકનું અપહરણ કરી તેને નિર્દયતાથી માર મારીને તેના મોં પર પેશાબ કર્યો હતો. આરોપીઓએ યુવકને જાતિસૂચક અપશબ્દો કહીને તેનું અપમાન કર્યું હતું. આ ઘટના 19 ઓક્ટોબરની સાંજે નેવાસા તાલુકાના સોનાઈ ગામમાં બની હતી. પોલીસે આ કેસમાં 11 આરોપીઓ સામે FIR નોંધી છે. મુખ્ય આરોપી સહિત ત્રણની ધરપકડ કરવામાં આવી છે.
ઝઘડો કેમ થયો?
એક અધિકારીના જણાવ્યા અનુસાર, મુખ્ય આરોપી સંભાજી લાંડેનો યુવક સાથે લાંબા સમયથી વિવાદ કોઈ બાબતને લઈને વિવાદ ચાલી રહ્યો હતો. ઘટના બની એ વખતે દલિત યુવક તેના મિત્ર સાથે હોસ્પિટલ પાસે ઉભો હતો. ત્યારે આરોપી સંભાજી લાંડે તેના મિત્રો સાથે યુવક પાસે પહોંચ્યો હતો અને લાતો, મુક્કા અને લાકડીઓથી તેના પર હુમલો કર્યો હતો. જ્યારે યુવકના મિત્રએ દરમિયાનગીરી કરવાનો પ્રયાસ કર્યો ત્યારે તેને પણ માર મારવામાં આવ્યો. ત્યારબાદ આરોપીઓએ યુવકને કાળા રંગની સ્કોર્પિયો કારમાં બેસાડીને અજાણ્યા સ્થળે લઈ ગયા હતા અને ત્યાં ફરીથી તેને માર માર્યો હતો.
આ પણ વાંચો: વીસનગરમાં આંબેડકર ભવનની જમીન પર હવે પાલિકા કચેરી બનશે!
દલિત યુવકના મોં પર પેશાબ કર્યો
અધિકારીઓએ જણાવ્યું હતું કે આરોપીઓએ પીડિત પર પેશાબ કર્યો હતો અને તેની જાતિ વિશે અપમાનજનક ટિપ્પણી કરી હતી. લગભગ એક કલાક સુધી આરોપીઓ તેને માર મારતા રહ્યા હતા, એ પછી તેઓ તેને કોલેજ પાસે છોડીને ભાગી ગયા હતા. ઘટના બાદ, પીડિતના માતા-પિતા તેને સ્થાનિક હોસ્પિટલમાં લઈ ગયા હતા, જ્યાંથી તેને જિલ્લાની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
પોલીસે કેસ નોંધી તપાસ શરૂ કરી
આ મામલે પોલીસે તપાસ શરૂ કરી છે. પોલીસે જણાવ્યું હતું કે આરોપીઓ સામે ભારતીય દંડ સંહિતાની સંબંધિત કલમો હેઠળ ઇજા પહોંચાડવી, ખતરનાક હથિયારથી હુમલો કરવું, અપહરણ કરવું અને SC-ST Act હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. અધિકારીએ જણાવ્યું હતું કે ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે અન્યની શોધ ચાલુ છે.
પ્રકાશ આંબેડકરે MCOCA લાદવાની માંગ કરી
આ ઘટનાને લઈને ડો.આંબેડકરના પૌત્ર અને વંચિત બહુજન આઘાડીના વડા પ્રકાશ આંબેડકરે આરોપીઓ સામે મહારાષ્ટ્ર સંગઠિત ગુના નિયંત્રણ અધિનિયમ (MCOCA) હેઠળ કાર્યવાહી કરવાની માંગ કરી છે. તેમણે ગુરુવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટ કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે તેમણે પીડિત યુવકના પિતા સાથે વાત કરી હતી અને પરિવારને શક્ય તમામ સહાયની ખાતરી આપી હતી. તેમણે કહ્યું, “અમે માંગ કરીએ છીએ કે આરોપીઓ પર MCOCA હેઠળ કાર્યવાહી કરવામાં આવે. હું ટૂંક સમયમાં યુવકના પરિવારને મળવા જઈશ.”
આ પણ વાંચો: દલિત વિદ્યાર્થી ભાજપ નેતાની સભામાં ગેરહાજર રહેતા ABVP કાર્યકરોએ માર્યો











Users Today : 54