આ સ્ટોરી આદિવાસી સમાજની સરકાર અને તેમાં બેઠેલા નપાણિયા અધિકારીઓ કઈ હદે ઉપેક્ષા કરે છે તેની તો છે જ, પરંતુ તેની સાથે સામાજિક એકતા થકી તદ્દન અશક્ય લાગતા કામોને પણ કેવી રીતે પાર પાડી શકાય તેની પણ છે.
મામલો દેશમાં સૌથી વધુ આદિવાસી સમાજની વસ્તી ધરાવતા મધ્યપ્રદેશનો છે. અહીંના જબલપુર જિલ્લામાં વર્ષોથી આદિવાસી સમાજના લોકો માત્ર 3 કિમીોનો એક રસ્તો જંગલમાંથી બનાવવા માટે તંત્રને રજૂઆત કરી રહ્યા હતા. પરંતુ તંત્ર તેમની વાત સાંભળતું નહોતું. આખરે કંટાળીને 24 ગામના આદિવાસીઓએ મળીને જાતે જ પાવડો, કોદાળી લઈને રસ્તો બનાવવાનું શરૂ કરી દીધું અને આજે એ રસ્તો તૈયાર થઈ ગયો છે.
આ પણ વાંચો: દલિત વિદ્યાર્થી બ્રાહ્મણના ટિફિનને અડી જતા માર માર્યો
હવે આ વિસ્તારના 24 ગામોના આદિવાસીઓને 40 કિમીનો વધારાનો ધક્કો નહીં ખાવો પડે. આ ઘટનાથી આખું સરકારી તંત્ર સ્તબ્ધ થઈ ગયું છે અને સોશિયલ મીડિયા પર લોકો ભાજપની મોહન યાદવ સરકાર પર આદિવાસી સમાજની સમસ્યાઓને આ હદે અવગણવા બદલ ફિટકાર વરસાવી રહ્યાં છે.
મામલો જબલપુર જિલ્લાના હુલકી ગ્રામ પંચાયતનો છે, જ્યાં વર્ષોથી, સિવની અને જબલપુર જિલ્લાના આદિવાસીઓ માત્ર ત્રણ કિલોમીટરના રસ્તા માટે સરકારી કચેરીઓના ચક્કર લગાવી રહ્યા છે, પરંતુ કોઈ ઉકેલ મળ્યો નથી. વાસ્તવમાં, જબલપુરથી લગભગ 60 કિલોમીટર દૂર આવેલા બરગી પ્રદેશના 25 થી 30 ગામો હાઇવેથી માત્ર 3 કિલોમીટર દૂર છે. જોકે, જંગલની જમીન હોવાને કારણે રસ્તો બનાવી શકાતો ન હતો. પરિણામે, આ ગામોના રહેવાસીઓને હાઇવે સુધી પહોંચવા માટે સિવની જિલ્લામાંથી 40 કિલોમીટર મુસાફરી કરવાની ફરજ પડતી હતી. ગ્રામજનોએ જાહેર સુનાવણીથી લઈને મુખ્યમંત્રી હેલ્પલાઇન સુધી રસ્તા માટે અપીલ કરી છે અને વિરોધ પ્રજર્શન તથા ભૂખ હડતાળ પણ કરી હતી, પરંતુ કંઈ કામ થયું નથી. અધિકારીઓએ જંગલની જમીન હોવાનું કહીને આખો મામલો ઉડાવી દીધો. પરિણામે બાળકોથી લઈને વૃદ્ધો સુધી બધાએ સાથે મળીને થોડા દિવસોમાં જંગલમાંથી ત્રણ કિલોમીટરનો રસ્તો બનાવ્યો. હવે, ગામલોકોને હવે 40 કિલોમીટર મુસાફરી કરવાની જરૂર નથી.
ગામના શિવપ્રસાદ મરકામે જણાવ્યું કે, 30 થી વધુ ગામોને હાઇવે સુધી પહોંચવા માટે 40 કિલોમીટરની મુસાફરી કરવી પડતી હતી. વરસાદની ઋતુ દરમિયાન પરિસ્થિતિ એટલી વિકટ બની જાય છે કે રસ્તાના અભાવે ગામલોકોને ઘરે રહેવાની ફરજ પડે છે. જો કોઈને તાત્કાલિક કામની જરૂર હોય, તો તેમને સિવની જિલ્લાની સરહદે થઈને જબલપુર જવાની ફરજ પડે છે. અમે મુખ્યમંત્રી, કલેક્ટર અને સ્થાનિક ધારાસભ્યને વારંવાર આવેદનપત્ર આપીને રસ્તો બનાવવા વિનંતી કરી છે, પરંતુ કોઈએ સાંભળ્યું નથી. અંતે ગામલોકોએ સર્વસંમતિથી જાતે રસ્તો બનાવવાનો નિર્ણય લીધો. વન વિભાગની પરવાનગી મેળવ્યા બાદ, તેમણે ત્રણ કિલોમીટર લાંબો રસ્તો બનાવ્યો. ગ્રામજનોએ માંગ કરી છે કે આ રસ્તો પ્રધાનમંત્રી ગ્રામીણ સડક યોજના (PMGSY) હેઠળ બનાવવામાં આવે, જેથી હજારો ગ્રામજનોને લાભ મળી શકે.
આ પણ વાંચો: દલિત દંપતી ખેતરમાં કપાસ જોતું હતું, ગુંડાઓએ હાથ-પગ ભાંગી નાખ્યા
ક્યા ગામોને આ રસ્તાનો લાભ મળશે?
આદિવાસીઓએ મળીને તૈયાર કરેલો 3 કિલોમીટરનો આ રસ્તો પૂર્ણ થવાથી જબલપુર અને સિવની જિલ્લાના 24થી વધુ ગામોમાં રહેતા ગ્રામજનોને ફાયદો થશે. અત્યાર સુધી 40 કિલોમીટરના ચક્કર કાપવાથી ગામલોકોને માત્ર અસુવિધા જ નહોતી પડતી, પરંતુ સમયનો પણ વ્યય થતો હતો. હવે જ્યારે રસ્તો પૂર્ણ થઈ ગયો છે, તો તેનો સીધો ફાયદો તેમને થશે.
આ રસ્તાનો લાભ જબલપુર જિલ્લાના હુલકી ગ્રામ પંચાયત હેઠળ આવતા છાપરા, બરેલી પઠાર, સિલુવા, રમણપુર, બાબૈહા, દેવદ્વાર, સાલીવાડા અને નકાટિયાના ગ્રામજનોને મળશે. સિવની જિલ્લાના દેહકા, ચુવિયા, કુંડા, સિલ્પણી, રાયચૌર, રાયચૌર માલ, બજરોલા, ગુલઝાર, જુગર, બંજર હોલા, સમનાપુર મહુઆ હોલા પટ્ટી, પરતાપુર, પંડાટોલા અને થાવરી જેવા ગામોને પણ રાહત મળશે.
જબલપુરના DFO એ શું કહ્યું?
જબલપુરના DFO ઋષિ મિશ્રાએ જણાવ્યું હતું કે, “આદિવાસીઓએ વિભાગીય કચેરીને જાણ કરી હતી અને રસ્તો બનાવવાની પરવાનગી માંગી હતી. ગ્રામજનોએ જણાવ્યું હતું કે કાચો રસ્તો સ્વૈચ્છિક શ્રમદાન કરીને બનાવવામાં આવી રહ્યો છે, અને તેનાથી જંગલને કોઈ નુકસાન થશે નહીં. એ પછી, વન વિભાગની એક ટીમ સ્થળ પર મોકલવામાં આવી હતી. તેમને જાણવા મળ્યું કે ગ્રામજનોએ પોતાનું વચન પૂરું કર્યું છે અને પોતાની સુવિધા માટે રસ્તો બનાવ્યો છે.”
આ પણ વાંચો: દલિત સગીરાના ગામના સરપંચે મંદિરમાં બળજબરીથી લગ્ન કરાવી દીધાં
જિલ્લા પંચાયતના ચેરમેને શું કહ્યું?
જબલપુર જિલ્લા પંચાયતના સીઈઓ અભિષેક ગેહલોત કહે છે કે, “જબલપુર અને સિવની જિલ્લાની સરહદ પર રહેતા ગ્રામજનો પાસે રસ્તાની સુવિધા નથી તેવી માહિતી મળી છે. ત્યાં રહેતા ગ્રામજનોએ જંગલમાંથી રસ્તો બનાવ્યો છે. તેમણે વિનંતી કરી છે કે તેને પ્રધાનમંત્રી ગ્રામીણ માર્ગ યોજના હેઠળ બનાવવામાં આવે. આ બાબતની તપાસ કરવામાં આવી રહી છે. જો શક્ય હોય તો અન્ય કોઈ યોજના હેઠળ ટૂંક સમયમાં કામ કરવામાં આવશે.”
આ ઘટનાએ ફરી એકવાર આદિવાસી સમાજની એકતાનું એક મજબૂત ઉદાહરણ પુરું પાડ્યું છે. સાથે જ સત્તામાં બેઠેલા મનુવાદી તત્વો કઈ હદે આદિવાસીઓની ઉપેક્ષા કરીને સામાન્ય બાબતમાં પણ તેમને હેરાન કરી રહ્યાં છે તે પણ સામે આવે છે. અત્યાર સુધી આ વિસ્તારના આદિવાસીઓએ ઘણું સહન કર્યું છે. પરંતુ છેલ્લે તેમણે જાતે જ ‘લાવરીના બચ્ચાં’ની વાર્તાની જેમ જાતે જ કામ ઉપાડી લેતા સમસ્યાનો સુખદ અંત આવ્યો છે તે મહત્વનું છે.
આ પણ વાંચો: ઢોંગી બાબા ચૈતન્યાનંદ સ્વામીએ 17 છોકરીઓનું શોષણ કર્યું! FIR નોંધાઈ













Users Today : 1736
सरकारें कोई काम करना नहीं चाहती और अधिवासी कभी आगे नहीं बढ़े इसलिए