ઉત્તર પ્રદેશ પોલીસે ગુરુવારે અલીગઢ(Aligarh) જિલ્લાના લોઢા વિસ્તારમાં ચાર મંદિરો(temple)ની દિવાલો પર “I Love Mohammad” લખીને શહેરમાં કોમી વૈમનસ્ય પેદા કરવાના આરોપમાં 4 હિન્દુ યુવકોની ધરપકડ(4 Hindu youth arrested) કરી છે. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે તેમનો હેતુ મુસ્લિમ સમાજ લોકોને ફસાવવાનો હતો જેમની સાથે તેમનો મિલકતનો વિવાદ હતો.
પોલીસે શું કહ્યું?
હિન્દુસ્તાન ટાઈમ્સના અહેવાલ મુજબ, અલીગઢના SSP નીરજ કુમાર જાદૌને અલીગઢમાં એક પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે, “નારાઓમાં જોડણીની ભૂલો, સીસીટીવી ફૂટેજ, ગ્રામજનો સાથેની વાતચીત, કોલ ડિટેલ રેકોર્ડ અને કોર્ટ કેસ રેકોર્ડથી ગુનેગારોને પકડવામાં મદદ મળી હતી. આ યુવકોએ પોતાના સ્વાર્થ માટે મંદિરો પર ‘આઈ લવ મોહમ્મદ’ લખીને મુસ્લિમ સમાજના લોકોને ફસાવવા માટેનું કાવતરું રચ્યું હતું.”
આ પણ વાંચો: સૌરાષ્ટ્ર યુનિ.એ જાહેરાત-ઈન્ટરવ્યૂ વિના સગાઓને આસિ. પ્રોફેસર બનાવ્યા
મોહમ્મદનો સ્પેલિંગ ખોટો લખ્યો અને ભાંડો ફૂટ્યો
તપાસમાં બહાર આવ્યું છે કે અંગ્રેજીમાં લખેલા નારાઓમાં “મોહમ્મદ” નો સ્પેલિંગ ખોટો હતો અને એક જગ્યાએ “મમૂદ” લખ્યું હતું. જેના પરથી પોલીસને શંકા ગઈ હતી કે આ કેસમાં કોઈ અભણ તત્વોનો હાથ છે. આથી તેમણે એ દિશામાં તપાસ શરૂ કરતા આ ચારેય હિંદુ યુવકોની સંડોવણી ખૂલી હતી.આરોપી હિન્દુ સમાજના છે અને તેમણે મુસ્લિમોને બદનામ કરવાનું કાવતરું ઘડ્યું હતું. પોલીસે જણાવ્યું હતું કે એક આરોપી ફરાર છે અને તેની શોધ ચાલી રહી છે.
સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓ પકડાયા
અલીગઢના લોઢા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ આવતા ભગવાનપુર અને બુલાકીગઢ ગામોમાં મંદિરોની દિવાલો પર “આઈ લવ મોહમ્મદ” લખેલું મળી આવતા શનિવારે ગામમાં તણાવનું વાતાવરણ સર્જાયું હતું. ત્યારબાદ ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે ફોરેન્સિક નિષ્ણાતો સાથે વરિષ્ઠ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને ગુનેગારોની ઓળખ કરવા માટે નજીકના સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવી હતી.
આ પણ વાંચો: નાગરાજ મંજુળેની ફિલ્મ ‘ઝૂંડ’ના એક્ટરની ગળું કાપી હત્યા કરાઈ
ચારેય હિંદુ યુવકો પર વિવિધ કલમો હેઠળ કેસ નોંધાયો
જાદૌને જણાવ્યું હતું કે કરણી સેનાની ફરિયાદ બાદ મંદિર પરથી સૂત્રો ભૂંસી નાખવામાં આવ્યા હતા અને અજાણ્યા વ્યક્તિઓ સામે કલમ 295 (ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાના હેતુથી કરવામાં આવેલું કૃત્ય) અને 506(2) (ગુનાહિત ધાકધમકી) હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો.
જેમ જેમ વધુ તથ્યો બહાર આવ્યા તેમ, ચાર આરોપીઓ સામે કલમ 153A (હુલ્લડો માટે લોકોને ઉશ્કેરવા), 295A (ધાર્મિક લાગણીઓનું અપમાન કરવું), 182 (ખોટા પુરાવા ઉભા કરવા), 120B (ગુનાહિત કાવતરું રચવું) અને ફોજદારી કાયદા સુધારા કાયદાની કલમ 7 હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. આરોપીઓમાં બુલકગઢી ગામના ઝીશાન કુમાર, આકાશ, દિલીપ કુમાર અને ભગવાનપુર ગામના અભિષેક સારસ્વતનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો: દલિત ગાયિકા પર જાતિવાદીઓનો હુમલો, ભાઈને ઝાડ સાથે બાંધીને ફટકાર્યો
અલીગઢના એસએસપીએ કહ્યું, “અમે શાંતિ જાળવવા, પોલીસ પર વિશ્વાસ કરવા અને નિષ્પક્ષ તપાસ માટે સમય આપવા બદલ ગ્રામજનોના આભારી છીએ, જેના પરિણામે ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે એક સહ-આરોપી રાહુલ ફરાર છે.”
મિલકતના વિવાદનો બદલો લેવા કાવતરું ઘડ્યું હતું
પોલીસે જણાવ્યું કે મામલો બે મિલકતના વિવાદ સાથે જોડાયેલો છે. પહેલા કેસમાં, આરોપી રાહુલનો ગુલ મોહમ્મદના પરિવાર સાથે લાંબા સમયથી મિલકતનો વિવાદ ચાલતો હતો, જેના કારણે ગયા વર્ષે ઝઘડો થયો હતો. મુસ્તકીમ અને ધરપકડ કરાયેલા આરોપીઓમાંના એક ઝીશાન વચ્ચે થયેલી માથાકૂટ બાદ 9 સપ્ટેમ્બર, 2025 ના રોજ બીજો કેસ નોંધવામાં આવ્યો હતો. જેમાં બંને ઘાયલ થયા હતા અને સામસામે કેસ દાખલ કરવામાં આવ્યો હતો.
મુસ્લિમોને ફસાવવા ગુનો આચર્યો અને પોતે જ ફસાઈ ગયા
એએસપી જાદૌને કહ્યું કે, રાહુલના પિતાનો ગુલ મોહમ્મદ સાથે મિલકતનો વિવાદ હતો, તેણે આ મંદિરો પાસે રહેતા ઝીશાન સાથે હાથ મિલાવ્યો હતો. આ લોકોએ સાથે મળીને મંદિરોની દિવાલો પર આઈ લવ મોહમ્મદના સૂત્રો લખ્યા હતા, જેથી તેનો આરોપ મુસ્લિમ સમાજ પર આવે અને બંને કોમ વચ્ચે વૈમનસ્ય પેદા થાય અને એ રીતે તેઓ પોતાની મિલકતના વિવાદનો બદલો પણ લઈ શકે. તપાસમાં સામેલ સિટી એસપી મૃગાંક શેખર પાઠકે જણાવ્યું હતું કે પોલીસે આરોપીઓ દ્વારા મંદિરો પર સૂત્રો દોરવા માટે ઉપયોગમાં લેવાતું સ્પ્રે કેન પણ જપ્ત કર્યું છે અને આગળની તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચો: દલિત પરિવાર દુર્ગાના દર્શન કરવા ગયો, સવર્ણોએ ધક્કા મારી કાઢી મૂક્યો










