અમદાવાદમાં ગત તા. 2 નવેમ્બર 2025ના પૂના કરાર(Poona Pact) પર રાજ્ય સ્તરની ચિંતન શિબિર(think tank)નું આયોજન કરાયું હતું. જેમાં વક્તાઓ દ્વારા દલિત-આદિવાસી સમાજના વાસ્તવિક રાજકીય પ્રતિનિધિત્વના પ્રશ્ન પર ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી. આ શિબિરનું આયોજન બહુજન એક્ટિવિસ્ટ જગદીશ સોલંકી, પ્રવિણ કુમાર અને એ. જી. મકવાણાના સહયોગથી કરવામાં આવ્યું હતું.
શિબિરમાં પૂના કરારના પરિણામે અસ્તિત્વમાં આવેલી રાજકીય અનામતના કારણે SC-ST સમાજ ભ્રામક પ્રતિનિધિત્વના નકારાત્મક પરિણામો છેલ્લાં 75 વર્ષથી ભોગવી રહ્યો છે ત્યારે વાસ્તવિક પ્રતિનિધિત્વનું લક્ષ પ્રાપ્ત કરવા માટે શું કરવું જોઈએ તે બાબતે ઉંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી.
મયૂર વાઢેરે પૂના કરારની પાર્શ્વ ભૂમિકા રજૂ કરી
શિબિરની શરૂઆતમાં બહુજન વિચારક અને લેખક મયૂર વાઢેર દ્વારા પૂના કરાર અને તેની પાર્શ્વ ભૂમિકામાં બ્રિટિશ રાજ દરમિયાન ભારતના બંધારણના ક્રમિક વિકાસની વિસ્તૃત માહિતી આપી હતી. મયૂરભાઈએ સાઉથબરો કમિશન, સાયમન કમિશન અને ગોળમેજી પરિષદોનો ઈતિહાસ તેમજ કોમ્યુનલ એવોર્ડથી પૂના કરાર સુધીના ઘટનાક્રમની વિસ્તારથી સમજ આપી હતી.
પાર્ટી વ્હીપ પ્રથા લોકશાહી વિરોધી છેઃ જગદીશ સોલંકી
ત્યારબાદ એક્ટિવિસ્ટ જગદીશ સોલંકીએ વર્તમાન ચૂંટણી વ્યવસ્થાના મૂળ દોષ રૂપે “પક્ષાંતર વિરોધી ધારા” (દસમી અનુસૂચિ) અને FPTP ચુંટણી પદ્ધતિ પર આંગળી ઉઠાવી. તેમણે પાર્ટી વ્હીપ પ્રણાલીને લોકશાહી વિરુદ્ધ બતાવી અને સપ્રમાણ પ્રતિનિધિત્વ (Party List Proportional Representation) પદ્ધતિ લાગુ કરવાની માંગ રજૂ કરી હતી.
આ પણ વાંચો: RSS ના ચામૂ કૃષ્ણ શાસ્ત્રીની લાયકાત કેમ છુપાવાઈ રહી છે?
પૂના કરાર સ્વતંત્ર દલિત રાજનીતિનો આધારઃ હેમંત પરમાર
એક્ટિવિસ્ટ હેમંત પરમારે પૂના કરારને સ્વતંત્ર દલિત રાજનીતિનો આધાર ગણાવી કહ્યું કે, જો દલિત મતોનું ધ્રુવીકરણ પૂના કરાર પ્રબોધન દ્વારા થશે, તો અન્ય વર્ગો પણ આંદોલન સાથે જોડાશે.
ભરતભાઈ ચૌહાણે ભારપૂર્વક અલગ મતદાર મંડળ (Separate Electorate) ની માગણી પુનર્જીવિત કરવાને જરૂરિયાત ગણાવી અને તે પૂના કરાર પૂર્વ વ્યવસ્થાની મૂળ ન્યાયી ભાવના રૂપ છે તે મુદ્દો ઉઠાવ્યો હતો.
શિબિરમાં હાજર નાગરિકોએ સંયુક્ત મત પ્રગટ કર્યો
ત્યાર બાદ ચર્ચા ખુલ્લી મુકવામાં આવી હતી જેમાં શિબિરમાં હાજર સૌએ એક સંયુક્ત મત પ્રગટ કર્યો કે પૂના કરાર પછી સ્થાપિત થયેલી ભ્રામક પ્રતિનિધિત્વ વ્યવસ્થા દલિત-આદિવાસી હિતોમાં અડચણરૂપ છે અને આ વ્યવસ્થાને પલટવા માટે નવા રાજકીય આંદોલન અને નવાં ચૂંટણી મોડલની જરૂર છે.
આ પણ વાંચો: બહુજન-મૂળનિવાસી સાહિત્યમાં સર્જનાત્મક લેખન પર કાર્યશિબિર યોજાઈ
ગુજરાતભરમાંથી જાગૃત બહુજનો ઉપસ્થિત રહ્યા
અમૃત મકવાણા સાહેબે સ્વતંત્ર બહુજન રાજનીતિ સામેના પડકારો તરફ નિર્દેશ કરીને ચૂંટણી વ્યવસ્થામાં સુધારા થવા જોઈએ એ બાબતે સહમતી વ્યક્ત કરી હતી. પ્રવિણ કુમારે માન્યવર કાંશીરામ સાહેબના પૂના કરાર ધિક્કાર આંદોલનોનો ઇતિહાસ રજૂ કરી બહુજન એકતાનું આહ્વાન કર્યું હતું. આ કાર્યક્રમમાં અમદાવાદ સહિત ગુજરાતભરમાંથી મોટી સંખ્યામાં બહુજન સમાજના જાગૃત નાગરિકો, બૌદ્ધિક વર્ગ અને એક્ટિવિસ્ટો ઉપસ્થિત રહ્યા હતા.
(વિશેષ માહિતીઃ મયૂર વાઢેર, બહુજન વિચારક, લેખક)
આ પણ વાંચો: ગુજરાતી દલિત સાહિત્ય અકાદમીએ એક સાથે 10 પુસ્તકોનું લોકાર્પણ કર્યું














Users Today : 1737
*બહુજન-દલિત સમાજના એક્ટિવિસ્ટો જેટલા જાગૃત બનશે તેટલો આપણો સમાજ જાગતો રહેશે, સમાજને
વર્તમાન રાજકીય પ્રવાહ તરફ વાળવો તે અતિમુશ્કેલ કામ છે, કેમકે દરેક રાજકીય પક્ષોમાં વહેંચાયેલો સમાજ તેમજ કમનસીબે હિન્દુ ધાર્મિક ક્રિયાકાંડ અને અંધશ્રધ્ધા-અંધવિશ્વાસમા ડુબેલો છે. આજનો સમય
સમગ્રપણે બહુજન સમાજને સતત જાગૃત રહેવું પડશે,
તેમજ પરમ પૂજ્ય બાબા સાહેબ ડો.ભીમરાવ આંબેડકર જીના પગલે ચાલવું પડશે એમાં કોઈ બેમત નથી.
બહુજનો સાવધાન રહો સુરક્ષિત રહો અને દિલ્હીની ગાદી હાંસલ કરવાનો દ્રઢસંકલ્પ કરો એ જ પ્રાર્થના સહ.
જયભીમ નમો બુદ્ધાય! જય સંવિધાન જય ભારત જય લોકતંત્ર જય વિજ્ઞાન!
હજી આ મુદ્દે ઘણી બધી બેઠકો કરવી પડશે….હવે જે પ્રમાણે જાતિવાદ વકર્યો છે….. હિન્દુત્વ વિચારધારા ની સરકારો બનતા… જાતિવાદી સંગઠનો અનુસુચિત જાતિઓ, અનામત વ્યવસ્થા અને ડો. આંબેડકર સાહેબ ની વિરુદ્ધ ઝેર ફેલાવી રહ્યા છે….. તેવા માં હવે કહેવાતી અનામત સીટો પરથી ચૂંટાયેલા લોકો અનુસૂચિત જાતિઓ ના પ્રતિનિધિઓ નહીં….. પરંતુ જે તે પાર્ટી ના કહ્યાગરા મજુરો બની ગયા છે….જ્યારે અનુસૂચિત જાતિઓ પર અપમાન,અન્યાય,આભડછેટ ,અત્યાચાર ની ઘટનાઓ બને ત્યારે આ ચૂંટાયેલા તેમની કારકિર્દી બગડી ના જાય તે માટે તેમની પાર્ટી ના કહ્યા પ્રમાણે મો પણ આંગળી મૂકી ચુપ રહે છે…….કારણ કે તે અનુસુચિત જાતિ સિવાય ના બીજા સમુદાયો ના વોટ ના મોહતાજ હોય છે…..આથી હવે અનુસુચિત જાતિઓ એ પોતાના સમાજ નુ સાચું અને લોકપ્રિય પ્રતિનિધિત્વ વિધાનસભા અને લોકસભા માં જાય તે માટે અલગ મતાધિકાર અને dual voteship ની માંગ માટે સમાજ માં એક મુહિમ ઊભી કરી મજબૂત માંગણી કરવી જરૂરી બની છે