દસાડા(Dasada)ના ભાજપના ધારાસભ્ય પી.કે. પરમાર(MLA P.K. Parmar) પર તેમના સાગરિતોએ એક બુદ્ધિષ્ઠ વ્યક્તિનું અપહરણ(kidnapped) કરીને તેને અલગ અળગ સ્થળે લઈને ઢોર માર મારવાનો(beat up young man) આક્ષેપ લાગ્યો છે. મળતી માહિતી મુજબ, આખા મામલાના મૂળમાં થોડા દિવસ પહેલા યોજાયેલો એક કાર્યક્રમ છે. દસાડાની SC અનામત સીટ પર ચૂંટાયેલા અને અનુસૂચિત જાતિમાંથી ધારાસભ્ય પી.કે. પરમાર(MLA P K Parmar) દ્વારા અનુસૂચિત જાતિ(SC) સમાજની કોડીનાર અનામત સીટ પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા અને હાલમાં જ થયેલા ગુજરાતના મંત્રીમંડળના વિસ્તરણ દરમિયાન શિક્ષણમંત્રી બનેલા ડૉ.પ્રદ્યુમન વાજાનો અભિવાદન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.
બાબાસાહેબના નામ નીચે ધારાસભ્યે પોતાનું નામ લખતા વિવાદ
આ કાર્યક્રમમાં પી.કે.પરમારે ડો.પ્રદ્યુમન વાજાને ડો.બાબાસાહેબ આંબેડકરનો ફોટો ભેટમાં આપ્યો હતો. એ ફોટોમાં નીચે પી.કે.પરમારનું નામ લખેલું હતું. જેના કારણે દલિત સમાજના અનેક લોકો રોષે ભરાયા હતા. રોષે ભરાયેલા દલિતોનું માનવું હતું કે, ધારાસભ્ય પી.કે. પરમારે પોતાની લીટી મોટી કરવા માટે ડો.આંબેડકર ફોટાની નીચે પોતાનું નામ લખાવ્યું હતું. આ મામલે તા. 2 નવેમ્બર 2025ના રોજ પાટડીમાં બહુજન સમાજના જાગૃત નાગરિકો દ્વારા ધારાસભ્ય પી.કે. પરમાર માફી માગે તેવી માંગ કરતો એક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.
ધારાસભ્યે રાજરત્ન નાગવંશીને બેફામ ગાળો ભાંડી?
આ કાર્યક્રમમાં પાટડી તાલુકાના પાનવા ગામના બુદ્ધિષ્ઠ રાજરત્ન નાગવંશી(Rajaratna Nagavanshi) પણ હાજર રહ્યા હતા. બૌદ્ધ ધર્મ પાળતા રાજરત્ન નાગવંશીએ આ મામલે સ્પષ્ટતા કરવા માટે દસાડાના ધારાસભ્ય પી.કે.પરમારના મોબાઈલ નંબર પર ફોન કર્યો હતો અને ડો.આંબેડકરના નામ નીચે પોતાનું નામ કેમ લખ્યું છે તેવો સવાલ કર્યો હતો. જેનાથી ધારાસભ્ય પી.કે.પરમાર અત્યંત ગુસ્સે ભરાયા હતા અને તેમણે ફોન પર જ રાજરત્ન નાગવંશીને બેફામ ગાળો ભાંડી હતી. એટલું જ નહીં, તેમણે રાજરત્ન નાગવંશીની જાતિને લઈને પણ બિભત્સ સવાલો કર્યા હતા. ધારાસભ્ય પી.કે. પરમાર અને રાજરત્ન નાગવંશી વચ્ચેની આ વાતચીતની કથિત ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થઈ હતી. જો કે, આ વાયરલ ઓડિયો ક્લિપની ખબરઅંતર.ઈન પુષ્ટિ કરતું નથી.
આ પણ વાંચો: જામનગરના પીપળીમાં ભરવાડોએ દલિત પિતા-પુત્ર પર હુમલો કર્યો
રાજરત્ન નાગવંશીના હાથ,પગ, મોં પર અનેક ઈજાઓ
સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ ઓડિયો ક્લિપ વાયરલ થયા બાદ રાજરત્ન નાગવંશીનું ધારાસભ્ય પી.કે. પરમારના સાગરિતોએ કારમાં અપહરણ કરી લીધું હતું અને તેમને અલગ અલગ ત્રણથી ચાર જગ્યાએ લઈ જઈને જાનથી મારી નાખવાના ઈરાદે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. આરોપીઓએ રાજરત્ન નાગવંશીને જીવલેણ માર માર્યો હોવાથી તેમના હાથમાં ફ્રેક્ચર થઈ ગયું છે અને તેનું ઓપરેશન કરવામાં આવનાર છે. આ હુમલામાં રાજરત્ન નાગવંશીના હાથ, પગ અને મોઢા પર ગંભીર ઈજાઓ થઈ છે.
રાજરત્ન નાગવંશી સોલા સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ
ચોંકાવનારી વાત એ છે કે, હુમલો થયા બાદ પાટડી પોલીસે ધારાસભ્યના સાગરિતો સામે ફરિયાદ નોંધવાને બદલે ઘાયલ રાજરત્ન નાગવંશીને પોલીસ વાનમાં પાટડી સિવિલ હોસ્પિટલે સારવાર માટે દાખલ કરીને રવાના થઈ ગઈ હતી. જો કે, રાજરત્ન નાગવંશીની ઈજા વધારે ગંભીર હોવાથી તેમને વધુ સારવાર માટે અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા છે. જ્યાં હાલ તેમની સારવાર ચાલી રહી છે.
પોલીસ સમગ્ર ઘટનામાં નિષ્ક્રિય કેમ છે?
આ ઘટનાને લઈને દલિત-બહુજન સમાજના જાગૃત નાગરિકોમાં ભારે રોષ ફેલાયો છે. ધારાસભ્ય પી.કે.પરમાર જેઓ પોતે અનુસૂચિત જાતિ(SC) સમાજમાંથી આવે છે અને દસાડાની એસસી અનામત સીટ પર ચૂંટાઈ આવ્યા છે, તેમણે એક બૌદ્ધ ધર્મ પાળતા રાજરત્ન નાગવંશીને ફોન પર બેફામ ગાળો ભાંડીને તેમનું અપહરણ કરાવીને હુમલો કરાવ્યો હોવાના ગંભીર આક્ષેપો લાગતા ગુજરાતભરના દલિત-બહુજન સમાજમાં ખળભળાટ મચી ગયો છે. ચોંકાવનારી બાબત એ છે કે, આ મામલે હજુ સુધી કોઈ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી નથી.
આ પણ વાંચો: એટ્રોસિટી કેસના 16 દોષિતો સજા સંભળાવતા જ કોર્ટમાંથી ભાગી ગયા
હજુ સુધી એકેય આરોપીની ધરપકડ નહીં
પાટડી-દસાડાના આધારભૂત સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ મામલે અગાઉથી પોલીસને ફરિયાદ નોંધવી નહીં તેવી જાણ કરી દેવામાં આવી હોઈ શકે છે. એ પછી જ રાજરત્ન નાગવંશીનું અપહરણ કરીને હુમલો કરાયો હોવો જોઈએ. ગુજરાતમાં ભાજપ સત્તામાં છે અને સત્તાપક્ષના ધારાસભ્ય સાથે મામલો જોડાયેલો હોવાથી પોલીસ ફરિયાદ નોંધતી નથી.
જો આવી કોઈ ઘટના વિપક્ષના ધારાસભ્ય કે સ્થાનિક નેતાએ કરી હોય તો પોલીસે ક્યારના તેમને પકડીને જેલમાં ધકેલી દીધા હોય. આખી ઘટનામાં નોંધનીય બાબત એ છે કે, ભાજપના એસસી અનામત સીટ પર ચૂંટાયેલા અનુસૂચિત જાતિ સમાજમાંથી આવતા ધારાસભ્યે એક બૌદ્ધધર્મી પર હુમલો કરાવ્યો છે અને એટલે જ દલિત-બહુજન સમાજમાં ભારે રોષ છે. આ ઘટનામાં આ લખાઈ રહ્યું છે ત્યાં સુધી એકેય આરોપીની ધરપકડ કરવામાં આવી નથી કે નથી કોઈ ફરિયાદ નોંધાઈ.
આ પણ વાંચો: અમદાવાદના વાડજમાં સાળાએ બનેવીને પાંચમાં માળેથી ફેંકી દેતા મોત













Users Today : 1736